બજેટ તરફ નજર .

Updated: Jan 17th, 2023


ગયા વરસે જ્યારે નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું ત્યારે રોકાણકારોને એમ લાગ્યું હતું કે બજારમાં આખરે સુધારા તરફી હવાની શરૂઆત થઈ છે. જોકે એ હકીકત છે કે લોકડાઉન પછીના લાંબા સમય બાદ ઔદ્યોગિક કામકાજમાં જે સ્થગિતતા હતી એના બદલે જોબવર્ક આવવા લાગ્યા છે. હજુ કદાચ બંધ થયેલી આખી શિફ્ટને પુન: ચાલુ કરવામાં થોડો સમય લાગશે, પરંતુ અર્થતંત્રમાં ડિમાન્ડ સાવ તળિયે બેસી ગઈ હતી એવું હવે નથી. કેટલાક ઔદ્યોગિક સાહસો કે જેને છેલ્લા છ મહિનાથી તાળાં વાગી ગયાં હતાં તે હવે ફરી ખુલવા લાગ્યાં છે. ડિમાન્ડનો સળવળાટ બજારમાં દેખાય છે. નવી ઊઘડતી પૂછપરછ ચાલુ છે. વેપારીઓના અને ઉત્પાદકોના જીવ જે સાવ અદ્ધર હતા તે હવે હેઠા બેઠા છે. ફન્ડામેન્ટલ પ્રમાણે જુઓ તો આ ઘણા લાંબા સમય પછી દેખાતી સુધારા તરફી હવા છે.

પરંતુ શેરબજારના ચાર્ટિસ્ટો હજુ સુધારાને પૂર્ણ સંમતિ આપતા નથી. લોકડાઉન પૂરું થયા પછી જેમણે બજારમાંથી સ્ટોક લીધા તેઓ ફાવી ગયા છે, પરંતુ સંપૂર્ણ અનલોક પછી જેમણે પોર્ટફોલિયોને નવી લેવાલીથી ભર્યા તેઓ અત્યારે ફસાઈ ગયા છે. દેશની ભીતર પણ દેશવિરોધી પરિબળો સક્રિય દેખાય છે. ક્યારેક તો કોણ પોતાના અને કોણ પારકા એ પ્રજા નક્કી જ ન કરી શકે એવા રાજનેતાઓના બયાનો છે. ભારતીય પ્રજા દુનિયાની કેટલીક મહાન અને બુદ્ધિમાન પ્રજામાં ગણનાપ્રાપ્ત છે. એ વાત જુદી છે કે નેતાઓનો એને બેવકૂફ બનાવવાનો ક્રમ ચાલુ છે. પરંતુ પ્રજા હવે બધું સમજે છે. બજારોના પતન પછી મંદીનો રેલો ઘરેઘર સુધી આવી પહોંચ્યા પછી જનતા બધાના અસલ ચહેરાને ઓળખતી થઈ ગઈ છે. દેશની અંદર દેશવિરોધી લોબિંગ દેખાય છે. એ જ રીતે ભારતના રેટિંગ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય લોબિંગ પણ ચાલે છે. એમાં વાણિજ્ય ક્ષેત્રે ભારતની ઈમેજને ઘસારો પહોંચાડવા માટે ચીને એજન્ટો નિમેલા છે જે વિવિધ રીતે ભારત માટે નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે.

દેશના નાણાં સચિવે હમણાં આ પ્રકારના એન્ટી-ઈન્ડિયન લોબિંગનો ઉલ્લેખ કર્યો હતો. સરકાર ખુદ બધું જાણે છે પણ રાતોરાત ચમત્કાર તો થઈ શકતો નથી. સરકારના પોતાના પણ વાંક કંઈ ઓછા નથી. એનડીએ સરકારે સ્વપક્ષના હિતને તોળવા જતાં દેશને ઘણું નુકસાન કર્યું છે. હવે એનડીએ કંઈક સમજે છે એટલે દેશના અર્થતંત્રને બેઠું કરે છે. દેશમાં સરકારને ન ગમે એવું સત્ય કહેનારા અર્થશાસ્ત્રીઓ પ્રાઇમ પોઝિશનમાં નથી. જેઓ પદ પર બિરાજે છે તેઓ આરતી ઉતારવાથી ટેવાયેલા છે. એટલે સરકાર પાસે સાવ વાસ્તવિક ચિત્ર તો પહોંચતું નથી. નિર્મલા આગામી બજેટ સત્રમાં દેખાશે તો સ્વસ્થ, પરંતુ ખરેખર અત્યારે બજેટની તૈયારી કરતી વેળાએ તેઓ ગભરાયેલાં છે. એક જમાનામાં પાટનગર નવી દિલ્હીમાં એ વાત વહેતી થઈ હતી કે પીયૂષ ગોયલ અથવા નીતિન ગડકરીને નાણાંખાતું સોંપી દેવાશે, પરંતુ એ અફવા જ સાબિત થઈ છે. નિષ્ફળતાના લાંછનથી બચવા સીતારામનના પ્રયાસો જોકે નિરંતર ચાલુ છે.

આ વખતના કેન્દ્રીય બજેટ તરફ બધાની નજર છે. વળી સરકારે પોતાની ઈમેજ પણ સુધારવાની છે તો પણ બજેટનો કોઈ ચિરસ્થાયી સકારાત્મક પ્રભાવ પડવાનો નથી. આર્થિક વ્યવહારોમાં વિશ્વાસની આવશ્યકતા હોય છે. નોટબંધી પછી વેપારીઓનો એકબીજા પરથી અને માર્કેટ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ચાર-પાંચ વર્ષ પછી હવે ભારતીય અર્થતંત્રમાં ગ્રાહકો અને વેપારીઓનો વિશ્વાસ બેસતો જાય છે. દેશમાં રાજકીય સ્થિરતાનો માહોલ છે એટલે એના એક સુપરિણામ રૂપે આર્થિક સ્થિરતા નવેસરથી આવી રહી છે. અર્થતંત્રના સુધારાની ગતિને આયુર્વેદિક દવાઓની અસરની ઝડપ સાથે સરખાવી શકાય. અર્થતંત્ર એટલી સંકીર્ણ ઘટના છે કે તેને 'સેટલ ડાઉન' થતા ખાસ્સો સમય જાય. બજારના અઢળક માળખાઓ અને અનેક પાસાંઓ એકબીજા સાથે ગૂંચવાડા ભરી સ્થિતિમાં આંતરસંબંધિત હોય છે. એકસો પાંત્રીસ કરોડની જનતા ઉપર નિર્ભર રહેલા અર્થતંત્રની ગાડી ટ્રેક ઉપર આવતા થોડો સમય જાય. અત્યારે માર્કેટમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે.

તરતનાં પરિણામો હાથવગાં ન હોય, પરંતુ જો દેશ આડે રસ્તે ધકેલાઈ ન જાય તો હવે અર્થતંત્રના સારા દિવસો આવશે. જે રીતે કૃષિ કાયદાઓ અંગેના વિવાદોને વધુમાં વધુ વણસાવવા માટેની બૌદ્ધિક કસરતોમાં સરકારે સમય વ્યય કર્યા પછી પારોઠનાં પગલાં ભરવાં પડયાં તે રીતે ઔદ્યોગિક નીતિઓમાં પણ સંખ્યાબંધ ફેરફાર જરૂરી છે. ઓનલાઈન અને વાસ્તવિક બજારમાં ખરીદવેચાણના વધુ ટ્રાન્ઝેક્શન છેલ્લા બે માસમાં થયા છે તેમાં તાજ્જુબીની વાત એટલા માટે નથી કે અર્થતંત્રની ગાડીએ એક ગિયર વધાર્યો છે. 

    Sports

    RECENT NEWS