Get The App

કરૂણતા પરત્વે કરૂણા .

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
કરૂણતા પરત્વે કરૂણા                                                  . 1 - image

દેશમાં લાંબા સમયથી જાહેર ચર્ચામાં આ મુદ્દો રહ્યો છે કે કઠિન અને અસાધારણ પરિસ્થિતિઓમાં કોઈ દુઃખદ સ્થિતિમાંથી મુક્તિ માટે ઇચ્છામૃત્યુની મંજૂરી આપવી જોઈએ કે નહીં. સમયાંતરે અદાલતી ચૂકાદાઓએ આ વિષયમાં માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. સાથે જ, આ છૂટનો દુરુપયોગ ન થાય તે માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. તાજેતરમાં એક મહત્ત્વના કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ટકોર હતી કે હવે કંઈક કરવું જરૂરી છે; આ પ્રકારના યાતનાભર્યા જીવનની કોઈ તર્કસંગતતા નથી. હકીકતમાં, આ મામલો એક ૩૨ વર્ષના યુવકનો છે, જે છેલ્લા ૧૩ વર્ષથી કોમા જેવી સ્થિતિમાં છે. હવે આ માત્ર એક તબીબી દુર્ઘટનાનો મુદ્દો રહ્યો નથી, પરંતુ એક મહત્વપૂર્ણ કાનૂની અને નૈતિક પ્રશ્ન બની ગયો છે.

સર્વોચ્ચ અદાલતની ટકોર દેશમાં જીવનના અંતિમ ક્ષણોમાં માનવ ગૌરવ સાથેના વ્યવહાર અંગેના દ્રષ્ટિકોણમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સૂચવે છે. આ પ્રસંગ ભૂતકાળના બહુચર્ચિત અરુણા શાનબાગ કેસની યાદ ફરી તાજી કરે છે. આ જ કેસે દેશમાં પ્રથમ વખત નિષ્ક્રિય ઇચ્છામૃત્યુના પ્રશ્નનો સામનો કરાવવા માટે સમાજને મજબૂર કર્યો હતો. વર્ષ ૨૦૧૧માં, સુપ્રીમ કોર્ટે અરુણા શાનબાગ કેસમાં ચુકાદો આપતાં સિદ્ધાંતરૂપે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને મંજૂરી આપી હતી. અરુણા શાનબાગ એક ભયાનક હુમલા પછી ૪૨ વર્ષ સુધીના વિશાળ સમયપટ પર નિશ્ચેતન જીવંત અવસ્થા એટલે કે કોમા જેવી સ્થિતિમાં રહી હતી.

ભલે અદાલતે એ કેસમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને મંજૂરી આપી, પરંતુ સાથે જ કેટલીક પ્રતિબંધાત્મક સુરક્ષા વ્યવસ્થાઓનું પાલન કરવાની સૂચનાઓ પણ આપી હતી. એ ચુકાદો નૈતિક પ્રેરણાનો સ્રોત પણ બન્યો. પરિણામે, વર્ષ ૨૦૧૮માં બંધારણીય પીઠે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી. સાથે જ, તેની માટે એક જરૂરી પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવી, જેનો હેતુ સમાજમાં આ છૂટનો ગુનાઈત સ્વાર્થો માટે દુરુપયોગ ન થાય તે હતો. વર્ષ ૨૦૨૩માં, અદાલતે આ માર્ગદર્શિકાઓને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો. જેમાં આ બાબત પર ભાર મૂકાયો કે પ્રાથમિક અને દ્વિતીય તબીબી બોર્ડ દ્વારા દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી રહેશે. હાલ દેશમાં આજેય એ જ પ્રક્રિયા અમલમાં છે. તેમ છતાં, વર્તમાન મામલામાં વારંવાર કરવામાં આવેલી અપીલો આ પ્રક્રિયાની ખામીઓને પણ ઉજાગર કરે છે. હકીકતમાં, આવા કેસોમાં ઘેર આપવામાં આવતી સંભાળ ઘણીવાર અપૂરતી સાબિત થાય છે.

બીજી તરફ, રાજ્ય તરફથી મળતી સહાય પણ પૂરતી રહી નથી. આ ઉપરાંત, આવા કેસો સાથે જોડાયેલી અણઉકેલ નૈતિક દ્ધંદ્વં સતત અસમંજસની સ્થિતિ ઊભી કરે છે. આ કેસમાં કોઈ યુવાન વયસ્ક માટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની પ્રથમ સ્પષ્ટ સ્વીકૃતિ મળી શકે છે. આજના સમયમાં દેશમાં હજારો દર્દીઓ કોમા જેવી સ્થિતિમાં નરક સમાન જીવન જીવી રહ્યા છે, જે તેમના પરિવારજનો માટે પણ એક ગંભીર દુર્ઘટના સમાન છે. એક તરફ પરિવારો ભાવનાત્મક સંકટનો સામનો કરે છે, તો બીજી તરફ દર્દીની સારવારથી ઉપજતો આર્થિક બોજ સતત વધતો જાય છે. બીજી બાજુ, બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકાર અંગે પણ સતત પ્રશ્નો ઉઠતા રહ્યા છે. અદાલતે જટિલ પરિસ્થિતિઓમાં જૈવિક અસ્તિત્વના કઠોર વિસ્તરણને બદલે દર્દીની મુક્તિ અને પરિવારની પીડાને પ્રાથમિકતા આપવી જોઈએ.

આવા સંજોગોમાં, જો એમ્સ આ ૧૭ ડિસેમ્બર સુધી જીવનની નિર્થકતા અંગે પુષ્ટિ કરે છે, તો નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની મંજૂરી એક મહત્વપૂર્ણ દાખલો સ્થાપિત કરી શકે છે. આ પછી દુરુપયોગ સામેના સુરક્ષા ઉપાયો પણ વધુ સ્પષ્ટ થઈ શકશે અને જીવનના અંતિમ વિકલ્પોના સન્માનની દિશામાં માર્ગ ખુલશે. દેશના નીતિનિર્માતાઓએ વર્ષો સુધી કોમા જેવી સ્થિતિમાં સંઘર્ષ કરતા દર્દીઓ માટે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ બનાવવી જોઈએ, જેથી આવા દર્દીઓની ઉપચારાત્મક સંભાળ અને પરામર્શને એકીકૃત કરી શકાય. માનવીય કરુણાની ડિમાન્ડ છે કે જીવનની પવિત્રતા અને પીડાની ક્રૂરતા વચ્ચે સંતુલન સાધવામાં આવે.