બિહારમાં પક્ષો અને જોડાણો, અને વિવિધ જાતિ અને હિત જૂથો, આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તેમની તાકાત વધારવા માટે તેમની વ્યૂહ રચનાઓમાં ફેરફાર કરી રહ્યા છે. હરિયાણામાં ભાજપની સતત ત્રીજી વખત જીત અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સત્તામાં પાછા ફરીને શઘછએ પોતાના નુકસાનની ભરપાઈ કર્યા પછી, હવે બધાની નજર બિહાર પર છે. બંને ધ્રુવો પર - એક તરફ શઘછ અને બીજી તરફ ઇવઘ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું મહાગઠબંધન - બદલાતા આંતરિક અને આંતર-પક્ષીય સમીકરણો ભૂમિકા ભજવી રહ્યાં છે. બિહારી ખેલ આમ પણ જોવા જેવો હોય છે. અહીં રાજનેતાઓમાં કોઈ સીધી લીટીના નથી. સબ બાંકે બિહારી હૈ.
મંગળવારે, આરજેડી અને કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં મળ્યા હતા અને તેઓ પારસ્પરિક જોડાણ નક્કી થઈ ગયા છતાં હજુ વધુ ચર્ચા કરશે. ગયા મહિને, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની બે દિવસની મુલાકાત લીધી હતી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ એપ્રિલે મધુબનીની મુલાકાત લે તેવી અપેક્ષા છે. લગભગ બે દાયકાથી બિહારમાં જનતા દળ (યુનાઇટેડ)નું સાથી અને શિસ્તવત્ અનુયાયી રહેલો ભાજપ હવે નેતૃત્વની ભૂમિકા માટે ઉત્સુક છે. હવે ભાજપને આખો લાડવો ખાવો છે પણ એમ કંઈ ખાઈ શકાય એમ નથી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ગુડગાંવમાં એક કાર્યક્રમમાં પોતાના દિલની વાત કરતા કહ્યું કે બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરી વિધાનસભા ચૂંટણીમાં વિજયનો ધ્વજ લહેરાવશે. આના પર આરજેડીએ મજાકમાં પૂછયું કે શું ભાજપે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો ત્યાગ કર્યો છે, જેના પછી ભાજપે ઉતાવળમાં સ્પષ્ટતા આપવી પડી. તેમની વધતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યને કારણે, બધાની નજર નીતિશકુમાર પર છે.
બિલાડીને ગળે ઘંટ બાંધવો અઘરો છે. પહેલા તો સંપ જોઈએ પણ એની જ તો મહાગઠબંધનમાં કટોકટી છે. મહાગઠબંધનમાં અવિશ્વાસની સ્થિતિ છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને ચિંતા છે કે આરજેડી સીટ-વહેંચણી કરારને છેલ્લી ક્ષણ સુધી વિલંબિત કરશે, જેનાથી કોઈ કાર્યવાહી માટે બહુ ઓછો અવકાશ રહેશે. વધુમાં, કોંગ્રેસે ફરિયાદ કરી છે કે તેને ઘણીવાર નબળી બેઠકો આપવામાં આવે છે અને ત્યારબાદ તેના નબળા સ્ટ્રાઇક રેટ માટે ટીકા કરવામાં આવે છે. કોંગ્રેસે ૨૦૨૦ની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો, જેમાં તેણે ૭૦માંથી ફક્ત ૧૯ બેઠકો જીતી હતી. ભઁૈં (સ્ન્)એ ૨૦૨૦માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ૧૯માંથી ૧૨ બેઠકો જીતી હતી. તેની ફરિયાદ એ છે કે મજબૂત કાર્યકરો હોવા છતાં, તેને કુલ બેઠકોમાં નાનો હિસ્સો આપવામાં આવે છે.
આરજેડીના પણ પોતાના પડકારો છે. ૨૦૧૫ અને ૨૦૨૨ વચ્ચેના ટૂંકા ગાળાને બાદ કરતાં, તે ૨૦૦૫થી સત્તામાં પાછું ફરી શક્યું નથી. તેનો મત હિસ્સો યથાવત્ રહ્યો છે અને વારંવાર સત્તાની નજીક આવવા છતાં, તેના માટે છેલ્લો માઇલ પાર કરવો ખૂબ મુશ્કેલ લાગે છે. અગ્રણી પક્ષો આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યા છે, પરંતુ વ્યાપક રાજકીય ફેરબદલ પણ ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના અલગ થઈ ગયેલા કાકા પશુપતિ કુમાર પારસ, જેઓ અગાઉના લોક જનશક્તિ પાર્ટીના બે જૂથોમાંથી એકનું નેતૃત્વ કરે છે, તેમણે સોમવારે શઘછ સાથેના સંબંધો તોડી નાખ્યા. રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કુમારની જન સૂરજ પાર્ટી મોટા દાવાઓ કરવા છતાં પગપેસારો કરવા માટે સંઘર્ષ કરી રહી છે. એકંદરે, બિહારમાં આ એક ખુલ્લી સ્પર્ધા હશે જ્યાં ઘણાં પરિબળો ભૂમિકા ભજવશે.
આમ તો નીતિશકુમારે કંઈ સહેલાઈથી ઉપેક્ષા કરી શકાય એવું પાત્ર નથી. બિહારના રંગમંચ પર હજુ તેમનો અંકુશ બરકરાર છે. ઉપરાંત એમના મનની આંટીઘૂંટી એના હરીફો જલદીથી સમજી શકતા નથી એટલે કે તેઓ બ્લાઈન્ડ ગેઈમ રમવામાં આવશે એક્કા છે. હજુ એમણે પોતાના ચિત્તમાં ચક્રાવાત લેતી યોજના જાહેર કરી નથી. દરેક ગંભીર વાતને પોતાની વિશિષ્ટ સેન્સ ઓફ હ્યુમરથી ઉછાળીને છોડી દેવાના પણ તેઓ નિષ્ણાત છે. તેમના હરીફોને પરદા પાછળ એવો સતત પ્રચાર કર્યો છે કે સિંહ હવે ઘરડો થયો છે, પરંતુ રાજકારણ તો બૌદ્ધિક અખાડો છે ને એમાં નીતિશને એની ઉંમર કોઈ રીતે નડવાની નથી. બીજો પ્રચાર એમ કરવામાં આવ્યો છે કે તેઓ હવે સુશાસન બાબુ રહ્યા નથી ને એટલે પરિવર્તન જરૂરી છે. પરંતુ નીતિશ પોતે શરદ પવાર અને ચીમનભાઈ પટેલ કક્ષાના નેતા છે એટલે જલ્દીથી સપાટી છોડશે નહીં.


