Get The App

નવા અર્થતંત્રના આટાપાટા .

Updated: Oct 16th, 2024

GS TEAM

Google News
Google News
નવા અર્થતંત્રના આટાપાટા                                   . 1 - image


ચીન અને રશિયા બંન્ને દેશોના સામ્યવાદી શાસકોની એ કુનેહ લોકશાહી દેશોમાં ટીકા અને પ્રશંસાના અજાયબ સંમિશ્રણથી વહેતી થયેલી છે કે એ દેશોમાં ક્યારેય મુખ્ય સમસ્યાઓ મુખ્ય નથી હોતી, ગૌણ હોય છે. એ એમના શાસનની મર્યાદા કહો કે વિશેષતા પણ એ જ કારણે ત્યાં સ્વતંત્રતાની હવા ફરકી શકતી નથી. હોંગકોંગમાં સ્થાનિક પોલીસે હમણાં આંદોલનકારીઓ પાસેથી દસ મિલિયન ડોલરનું ફંડ ઝડપી પાડયું. હકીકતમાં એ ફંડ ચીનના જ કેટલાક ઉદ્યોગપતિઓએ પહોંચાડયું હતું જેઓ ચીની સરકારના સકંજાથી હવે તંગ આવી ગયા છે. તમામ ઉત્પાદન પ્રક્રિયાઓ પર સરકારનો વધુ પડતો અંકુશ આ નવી વૈશ્વિક મંદીમાં સહન થાય એમ નથી. ચીન અને રશિયાના શાસકો એકાદ ગૌણ અને સાવ નગણ્ય સમસ્યાને એવી રીતે ચગાવે છે કે એના ઉછાળામાં પ્રજા અટવાઈ જાય છે અને દેશના તમામ વિકરાળ પ્રશ્નો હાંસિયામાં ધકેલાઈ જાય છે.

ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પાંચમા ક્રમે હતું. આ ક્રમે પહોંચતા ભારતને દાયકાઓ લાગ્યા હતા. એના પછી વિશ્વબેન્કે જાહેર કર્યા પ્રમાણે ભારત સાતમા ક્રમે બે પગથિયા નીચે ઉતર્યું હતું એ જમાનો ગયો ને હવે ફરી ઊંચે ચડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ છે. બ્રિટન અને ફ્રાન્સ બન્ને દેશો ભારતથી પાછળ હતા જે આગળ પાછળ થયા જ કરે છે. ફ્રાન્સમાં શસ્ત્ર કૌભાંડો અને રાજકીય જાસૂસીના પ્રકરણો સદાય ચર્ચામાં હોય છે. બ્રિટનમાં લોકશાહી એટલી બધી સોળેય કળાએ ખીલી છે કે બદલતા રહેતા લોકમતનું મૂલ્યાંકન કરવામાં અને એ પ્રમાણે શાસન કરવામાં અત્યન્ત ઊંચા સ્તરના રાજનેતાઓ પણ ગોથું ખાતા રહ્યા છે. છતાં એ ફ્રાન્સ અને બ્રિટન અસમંજસના વરસમાં જ વિક્રમ રૂપ પ્રગતિ કરી રહ્યા છે. એનું એક જ કારણ છે કે ત્યાં રાજકારણ અને અર્થકારણની ભેળસેળ નથી.

ભારતમાં કેન્દ્ર સરકાર જાણે છે કે લઘુઉદ્યોગો સમગ્ર અર્થતંત્રની કરોડ રજ્જુ છે. આ વરસે ગયા મહિને સપ્ટેમ્બર પછી લઘુ ઉદ્યોગોને કંઈક કળ વળી છે કે કેટલાક હવે ફરી શરૂ થવા લાગ્યા છે. પરંતુ બજારમાં ડિમાન્ડના રૂપ બદલાતા રહે છે. વેપારીઓ ખુદ ધંધાની રુખ પારખી શકતા નથી અને એમના અનુભવો નજીકના ભવિષ્યનો તાગ મેળવવામાં કંઈ કામમાં આવતા નથી. ડિમાન્ડનું પતન થતા બજારમાં ગ્રાહકો ઘટી ગયા છે ને મુલાકાતીઓ વધી ગયા છે. મુલાકાતી આવે છે તો ગ્રાહક થવા જ પણ છેવટે કોઈક રહસ્યમય પરિબળ એને અટકાવે છે જે મંદીનો મૂળભૂત પ્રભાવ છે. દેશના સામાન્ય બજારોમાં દુકાનદારો અત્યારે વેચાણ અને પ્રોડક્ટ બદલાવવાના અખતરાઓ પણ કરતા દેખાય છે. જ્યાં કપડાંની શોપ હતી તે હવે બુટચપ્પલની શોપ છે. ફરી જશો ત્યારે કરિયાણાની હશે અને એના પછી મેડિકલ સ્ટોર પણ હોઈ શકે. અનેક વેપારીઓએ પોતાની વરસો જૂની વ્યાપારિક પરંપરા બદલાવી છે. અને તો પણ તેઓ જે ડિમાન્ડ શોધે છે એ એમના શોપ તરફ આવી નથી.

અમેરિકાનું અર્થતંત્ર નંબર વન પર હતું અને હજુ એ સ્થાન એણે જાળવી રાખ્યું છે. ચીન જેવા વ્યાપારિક માંધાતાને પછાડવામાં સતત એકાગ્ર રહેવા છતાં બાઈડને બહુ કુશળતાથી પોતાનું ઘર સાચવી લીધું છે. કારણ કે તેઓ પોતે યશકીર્તિ કામનાઓથી ધરાઈ ગયેલા છે. એમને પોતાના ડંકા વગાડતા રહેવામાં કોઈ રસ નથી. અરવિંદ કેજરીવાલ એમાંથી જ શીખ્યા છે કે કામ કરો એટલે ડંકા આપોઆપ વાગશે. ભાજપની જે અનિશ્ચિત અને સતત બદલતી નીતિઓ છે, એનો દેશના અર્થતંત્રને ગેરલાભ વધુ અને લાભ ઓછો થયો છે. ભાજપે એનડીએનું નેતૃત્વ લઈ કેન્દ્રમાં ઉપરાઉપરી ત્રીજીવાર અને ઝાંખી થતી જતી હયાતીના એટલે કે ટેકાને બળે સરકાર બનાવી પરંતુ પાછલી અને બીજીવારની શાસન પ્રણાલિકાની ભૂલોમાંથી એણે કોઈ જ બોધપાઠ ન લીધો.

ભારત એક વિશિષ્ટ પ્રકારની રાજસ્વીતાથી મુખરિત દેશ છે. એમાં બંધારણ તો એક આધારશીલા છે પરંતુ અલિખિત પણ ઘણું છે અને એ પણ દરેક સરકાર જાણતી જ હોય છે. લિખિતમાં સત્તાઓ વધારે પ્રાપ્ત થાય છે અને અલિખિત પરંપરામાં કેન્દ્ર સરકારની જવાબદારીઓ વધુ ફિક્સ થાય છે. આજે ભાજપ તરફ લોકમત જે વિવિધ બહાને તબક્કાવાર બદલાતો જાય છે એનું કારણ એક જ છે કે સામાન્ય બુદ્ધિથી પ્રજા હિત હૈયે રાખીને જે જવાબદારીઓ સરકારે અદા કરવાની છે એમાં કેન્દ્ર પાછી પાની કરે છે.

Tags :