For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય મહાનગરોની વિષમતા .

Updated: Nov 16th, 2022

Article Content Image

ભારતીય શહેરોમાં જેને સગવડ કહેવાય કે સુખાકારી કહો એ હવે એક પ્રકારનો ભ્રમ છે. એટલું જ નહીં પરંતુ એ ભ્રમ સાથે જીવવા માટે આપણે હવે ટેવાઈ ગયા છીએ. એટલે કે શહેરી જીવનની વાસ્તવિકતાઓના અનેક કડવા અનુભવો પછી પણ આપણે મનને મનાવીએ છીએ કે ઓહોહો અહીં તો બહુ મઝા આવે છે. ભારતીય શહેરો પર કોઈનું નિયમન નથી કે કોઇનો અંકુશ નથી. એ આડેધડ વિકસી રહ્યા છે. અને એમાં માણસ બરાબરનો એવો ભીંસાયો ને ફસાયો છે કે એને જ આજે ખબર નથી કે તે પોતાના સંતાનો માટે આ શહેરને કેવું છોડી જવાના છે. આપણા શહેરોની આવતીકાલ વિશેની કલ્પના ભયાવહ છે. છેલ્લા એક દાયકામાં ભારતીય શહેરી જનોના કુદરતના ખોળે રમવાના પ્રવાસો વધી ગયા છે. એક સાવ નાનકડું ઝરણું પણ ટેકરીઓમાંથી વહેતું આવતું હોય તો રવિવારે ત્યાં હજારો લોકોની ભીડ જોવા મળે. આ નવી તરસ છે. શહેરના નાગરિકોની એ સૌથી મોટી સમસ્યા છે કે જ્યાં કુદરત સોળે કળાએ ખીલી છે ત્યાં જોબ નથી અને જ્યાં જોબ છે ત્યાં પ્રાણઘાતક અંગારવાયુ વધતો જાય છે.

અફસોસની વાત એ છે કે દુનિયાના સારા શહેરોની યાદીમાં આપણા શહેરોનો ક્યાંય પત્તો નથી. સારા શહેરો એટલે એવા કે જ્યાં વિશ્વના કોઈ પણ નાગરિકને કાયમ વસવાટ કરવાનું મન થાય. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ ( ઈઆઈયુ ) દ્વારા અવારનવાર જાહેર થતાં અહેવાલ અને ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ પ્રમાણે દિલ્હી અને મુંબઈ વધુ પાછળના ક્રમે ધકેલાયા છે. દુનિયાના પ્રથમ એક સો શહેરોમાં તો ભારતનું એક પણ શહેર નથી. હજુ તો આપણે સારા કેમ્પસ કે સારા પરિસર પણ પૂરતા નિર્માણ કરી શક્યા નથી ત્યાં એક મહાન અને પ્રભાવક નગરવ્યવસ્થાની તો વાત જ કેમ થાય ? આનું કારણ આપણું સીટી કલ્ચર છે. હજુય આપણામાં બહારથી સારું સારું બતાવવાની જે કુટેવ છે એણે જ ભીતરથી તમામ શહેરોને થર્ડ ક્લાસ સ્તરે લાવી દીધા છે. જ્યાં સુધી એકેએક નાગરિકને એમ ન થાય કે આ શહેર તો મારું ઘર છે ત્યાં સુધી આપણા દેશના કોઈ શહેરનો ઉદ્ધાર થવાની શક્યતા નથી.

પાટનગર નવી દિલ્હીનું રેન્કિંગ એટલે ઘટયું કે છેલ્લા એક વરસમાં અહીં વાયુ પ્રદૂષણ અને અપરાધો બહુ વધી ગયા. જો કે હજુ એમાં બહુ ફેર પડયો નથી. એ જ રીતે મુંબઈ સંસ્કૃતિ અને પર્યાવરણના ક્ષેત્રમાં નાપાસ થવા લાગ્યું છે. આપણા શહેરો પાછલા દાયકાઓમાં એની જે આગવી ઓળખ હતી તે પણ ગુમાવવા લાગ્યા છે. આજે એ કલકત્તા નથી કે એ મુંબઈ નથી જે પહેલા હતા. હવે એ જુની યાદો જુની પેઢીના મનમાં જ રહી ગઈ છે. ઈઆઈયુના સૂચકાંકમાં શહેરોનું મૂલ્યાંકન વિશિષ્ટ માનદંડોથી થાય છે. તેમાં મુખ્ય તો સ્થિરતા, પર્યાવરણ, હેલ્થકેર, સંસ્કૃતિ, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમાવેશ થાય છે. કોઈ પણ નગર જ્યારે ટાઉનમાંથી સીટી બનવાની યાત્રા આરંભે છે ત્યારે સંભાળ રાખવામાં આવે તો જ એ સુનિયોજિત નગરસંસ્કૃતિને પ્રાપ્ત કરે છે. એકવાર શહેરે એની સ્થૂળતા દ્વારા વધવાની શરૂઆત કરી દીધી હોય પછી એમાં બહુ ફેરફાર થઈ શકતા નથી.

ભારતીય શહેરોમાં નાગરિકો ભટકતા જોવા મળે છે. તેઓ ઘરેથી જેટલા સમયમાં કામ પૂરું કરીને પાછા ઘરે આવવાનો અંદાજ લગાવે છે તે બેહદ રીતે ખોટો પડે છે. આ શહેરો હવે આપણો એટલો બધો સમય લેવા લાગ્યા છે કે સપ્તાહમાં એનો કુલ સરવાળો અને પછી વરસે ગણવા બેસો તો જિંદગીનો એક બહુ જ મહત્ત્વનો ભાગ તે ઓહિયા કરી જાય છે. અનુભવે તો સહુ આ વિષમતા જાણે છે પરંતુ શહેરી દડમજલની નાગચૂડમાંથી છટકી શકાય એવી કોઈ હવાબારી હજુ કોઈને હાથ લાગી નથી. બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદની અનેક ઈન્ફોટેક કંપનીઓ એમના ટોચના એન્જિનિયરોને હવે વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહન આપવા લાગી છે. કોરોનાકાળની શરૂઆત થઈ એના ક્યાંય પહેલાથી તેઓ ટ્રાફિકના ત્રાસથી ઘરેથી કામ કરે છે. બેગ્લોરમાં તો દરરોજ કલાકોના ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાવા લાગ્યા છે.સૂચકાંકમાં ટોપટેનમાં હંમેશા ઓસ્ટ્રેેલિયા અને કેનેડાના શહેરો ગૌરવપૂર્વક સમાવિષ્ટ હોય છે. 

Gujarat