Get The App

નીટની રાષ્ટ્રીય દુર્ઘટના .

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
નીટની રાષ્ટ્રીય દુર્ઘટના                                            . 1 - image

દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક, સમગ્ર NEET પરીક્ષા, પ્રશ્નપત્ર લીક થવાને કારણે રદ કરવી પડી એ એક મોટી દુર્ઘટના છે. હવે સરકારે એને ઓએમઆર શિટને બદલે ઓનલાઇન લેવાનું ઠરાવ્યું છે. નિર્ણયો લેવામાં એનડીએ સરકાર મોડી પડે છે. આ વખતના પેપર લીકે લાખો યુવાનોનાં સપનાં અને તેમનાં માતાપિતાના વિશ્વાસને ચકનાચૂર કરી નાખ્યો છે એમ બધા કહે છે, પણ એ અર્ધ સત્ય છે. હકીકતમાં આ ઘટનાએ સરકારી વ્યવસ્થાતંત્રના ગાબડાંઓ છતાં કર્યા છે. NEET રદ થવાથી, ૨.૩ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે. 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ફરી એકવાર નિષ્ફળ ગઈ છે તે દુઃખદ છે. નોંધનીય છે કે ૨૦૨૪માં, NEETમાં અનિયમિતતાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી અને કેટલાંક કેન્દ્રો પર ફરીથી યોજવી પડી હતી. આવા છબરડાઓની સરકારને એ સજા મળવી જોઈએ કે તમામ ઉમેદવારની ફી પરત કરવી જોઈએ. એનો નિર્ણય ન્યાયતંત્ર દ્વારા થવો જોઈએ. આ ફક્ત પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના નથી, પરંતુ દેશની પ્રતિભા અને ભવિષ્ય સાથે રમાયેલી ક્રૂર મજાક છે. શું ખરેખર પારદર્શક પરીક્ષા પ્રણાલી વિકસાવવી અશક્ય છે? પેપર લીક માફિયાઓ સારી રીતે જાણે છે કે થોડા દિવસો સુધી હોબાળો થશે, તપાસની જાહેરાતો થશે, વિરોધ થશે અને પછી બધું શાંત થઈ જશે. આનો લાભ લઈને, આવા ગુનેગારો નિર્ભયતાથી આગામી પરીક્ષા પાસ કરવાની તૈયારી શરૂ કરી દે છે. આપણે ભછ્ જેવી પરીક્ષાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ, જેમાં લાખો વિદ્યાર્થીઓ પણ હાજરી આપે છે, પરંતુ ત્યાં પેપર લીક લગભગ અસ્તિત્ત્વમાં નથી.

વાસ્તવિક સમસ્યા મેનેજમેન્ટની નથી, પરંતુ મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની આસપાસ રહેલી મૂડીની છે. મેડિકલ કોલેજની બેઠકો, ખાસ કરીને ખાનગી સંસ્થાઓમાં, કુલ અબજો રૂપિયાની હેરાફેરીનો સમાવેશ થાય છે. જ્યારે આટલા બધા પૈસા દાવ પર હોય છે, ત્યારે શક્તિશાળી વ્યક્તિઓ અને પ્રભાવશાળી નેટવર્ક સક્રિય થઈ જાય છે. કદાચ આ જ કારણ છે કે મેડિકલ પ્રવેશ પરીક્ષાના પેપર લીકને રોકવા માટે જે ગંભીરતા રાખવી જોઈએ તે રીતે કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રશ્નપત્રો તૈયાર કરવાની અને છાપવાની, પછી તેને જિલ્લા-સ્તરીય તિજોરી સુધી મોકલવાની અને ત્યાંથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની વર્તમાન સિસ્ટમમાં એટલી બધી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે કે તેને ફૂલપ્રૂફ બનાવવી અત્યંત મુશ્કેલ છે. આ સિસ્ટમમાં કોઈપણ નબળી કડી નાણાકીય અથવા ભૌતિક બળ દ્વારા ગમે ત્યારે તોડી શકાય છે.

જો આપણે પેપર લીકની સમસ્યાનો કાયમી ઉકેલ ઇચ્છતા હોઈએ, તો વર્તમાન સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફારો કરવા પડશે. બજેટ બનાવવાની પ્રક્રિયા એક આદર્શ ઉદાહરણ છે. જેમ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના એક અઠવાડિયા પહેલા નાણા મંત્રાલયના સંબંધિત અધિકારીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, તેવી જ રીતે અહીં પણ એક સમાન મોડેલ અપનાવવું જોઈએ. પરીક્ષાના ત્રણથી ચાર દિવસ પહેલા, ૧૦-૧૨ નિષ્ણાતોને ગુપ્ત અને સુરક્ષિત સ્થળે ભેગા કરવા જોઈએ. તેમણે ઓછામાં ઓછા ૨૦ અલગ અલગ પ્રશ્નપત્રોના સેટ તૈયાર કરવા જોઈએ, જેમાં બધા પ્રશ્નો માટે સમાન ગુણ હશે. ધારો કે ૨૦ પ્રશ્નપત્રો માટે ૧૦૦ પ્રશ્નોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, તો ૨૦ પ્રશ્નપત્રોના સેટના આધારે ૨,૦૦૦ પ્રશ્નોની એક મોટી પ્રશ્ન બેંક તૈયાર કરવી જોઈએ.

પરીક્ષા શરૂ થાય તેના બેથી ત્રણ કલાક પહેલાં, કમ્પ્યુટર દ્વારા આ ૨,૦૦૦ પ્રશ્નોમાંથી રેન્ડમલી ૧૦૦ પ્રશ્નો પસંદ કરવા જોઈએ. એક ઁઘખ ફાઇલ તાત્કાલિક જનરેટ કરવી જોઈએ અને પાસવર્ડ અને ડિજિટલ સુરક્ષા સાથે બધા કેન્દ્રોને ઇમેઇલ કરવી જોઈએ. આ પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે પરીક્ષા શરૂ થાય તે પહેલાં કોઈને પણ, પરીક્ષા આયોજક સંસ્થાના વડાને પણ ખબર નહીં પડે કે કયા પ્રશ્નો આવશે. આ માહિતી વિના, લીક થવાની શક્યતા આપમેળે દૂર થઈ જશે. એવી દલીલ કરી શકાય છે કે કેટલાક પરીક્ષા કેન્દ્રો પર પ્રિન્ટરની નિષ્ફળતા અથવા વીજળી ગુલ થવાથી પ્રશ્નપત્રો છાપવામાં સમસ્યા થઈ શકે છે. ઉકેલ એ છે કે દરેક પરીક્ષા કેન્દ્ર પર ફક્ત બેવડાં નહીં, પરંતુ ત્રણ ગણા બેકઅપ પ્રિન્ટર અને જનરેટર હોવાં જોઈએ, જેથી જો એક નિષ્ફળ જાય, તો બીજી વ્યવસ્થા તરત જ પ્રશ્નપત્ર છાપી શકે, અને જો બીજી નિષ્ફળ જાય, તો ત્રીજી તરત જ પ્રશ્નપત્ર છાપી શકે.