બજારમાં હજુ ઠંડક છે .
સમગ્ર દુનિયામાં અવિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોના આર્થિક પ્રશ્નોની વચ્ચે બે દિગ્ગજ ચીન અને અમેરિકા છેલ્લા ઘણા સમયથી મંદીના વમળમાં ફસાતા જાય છે. જોકે ચીનને અસર ઓછી છે. અમેરિકન ડોલરને ગંભીર ઘસારો લાગવાના એંધાણ છે. છતાં આ વિપરીત સંજોગોમાં અમેરિકન અર્થતંત્ર સ્વસ્થ અને મજબૂત રહ્યું છે, પરંતુ છેલ્લા બે સપ્તાહના ગઈકાલે પ્રગટ થયેલા સંયુક્ત અહેવાલ પ્રમાણે અમેરિકન અર્થતંત્રએ પણ હવે મંદી ભણી કૂચ શરૂ કરી છે. ટ્રમ્પના ઉરાંગઉટાંગ ટેરિફ નિર્ણયોને કારણે મંદીનો પવન શરૂ થયો છે. અમેરિકામાં બોન્ડ માર્કેટ બહુ મોટી છે અને એમાં દુનિયાભરના શ્રીમંતો લાંબા ગાળાના રોકાણકાર તરીકે ગળાડૂબ હોય છે. અમેરિકન અર્થતંત્રમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં કરવામાં આવેલા આંશિક છતાં આકસ્મિક ઘટાડાએ મંદીના પ્રારંભનું બ્યૂગલ અગાઉ બજાવ્યું હતું. જોકે અત્યારે તો અમેરિકી અર્થતંત્ર વાર્ષિક બે ટકાની વૃદ્ધિના ધોરણે ગતિ કરતું હતું અને પ્રમુખ ટ્રમ્પની દક્ષિણપંથી વિચારધારાને કારણે સંખ્યાબંધ કોર્પોરેટ કંપનીઓએ અમેરિકન વતની યુવક-યુવતીઓને જ નવી રોજગારી ઓફર કરવી પડી હતી. જેના પરિણામે એનું રાષ્ટ્રીય યુવા ચિત્ર ઘણું ઉજ્જવળ બની ગયું હતું.
અમેરિકાએ બે ખતરનાક મંદી જોઈ છે અને હવે ત્રીજી મંદીના કિનારે દેશ આવીને ઊભો છે. ઈ.સ. ૨૦૦૦ની સાલમાં શેરબજારમાં કોમ્પ્યુટર આધારિત હાર્ડવેર, સોફ્ટવેર અને સિસ્ટમની કંપનીઓનું પતન થયું હતું. જેને ઈતિહાસમાં ડોટકોમ પતન તરીકે ઓળખાયું. અમેરિકાએ ઈ.સ. ૨૦૦૮ની વૈશ્વિક મંદીના આગલા વર્ષે પણ બાંધકામ ક્ષેત્રમાં ઘોર મંદીનો સામનો કર્યો હતો.
અર્થશાસ્ત્રના વિદ્વાનો એના અનુભવ પ્રમાણે સદાય એમ કહેતા આવ્યા છે કે તેજી તમને એક કલાકનો પણ સમય આપતી નથી અને રાતોરાત ભડકો થઈ શકે છે. એટલે કે અકલ્પિત રીતે તેજી બજારમાં પ્રવેશે છે, જેની ધારણા કોઈને હોતી નથી. એ જ રીતે અર્થશાસ્ત્રીઓ માને છે કે મંદી લગભગ એક વર્ષ એડવાન્સ પ્લાનિંગ સાથે આવે છે. એટલે કે કોઈપણ મહામંદીની જાળ તૈયાર થતા ઉત્પાદકો અને બજારને એકાદ વર્ષ લાગે છે. વારંવાર ઘંટડીઓ વાગતી રહે છે. અમેરિકન અર્થશાસ્ત્રીઓએ હમણાં જાહેર કર્યા પ્રમાણે ઈ.સ. ૨૦૨૫ના ઉત્તરાર્ધમાં અગાઉની ઈ.સ. ૨૦૦૮ જેવી જ મંદી આવી રહી છે. ૨૦૦૮ની મંદીમાં ભારત સરકારે અઢળક આગોતરાં પગલાં લીધાં હોવાને કારણે એની નહીંવત અસર ભારતીય બજારોમાં જોવા મળી હતી, પરંતુ આ વરસના છેડે આવનારી મંદી માટે એવી કોઈ આગમચેતી ભારતીય નાણાં મંત્રાલયમાં ન હોવાને કારણે મંદીના આકરા ફટકા લાગવાની શક્યતા રહે છે.
અમેરિકાની ખાનગી નાણાંકીય બજારોમાં આ આવનારી મંદીની અસરો સપાટી પર આવવા લાગી છે. છેલ્લા પ્રગટ થયેલા વિવિધ અમેરિકી ઈકોનોમિક રિપોર્ટ પ્રમાણે ઈ.સ. ૨૦૦૮ની પૂર્વ સંધ્યાના મહિનાઓમાં જે પરિસ્થિતિ હતી તેવા જ સંકેતો અત્યારે અમેરિકન બજારમાં જોવા મળે છે. ટ્રમ્પના આવ્યા પછી વ્હાઈટ હાઉસ દ્વારા ચીન સામેનું ટ્રેડવોર ઈલેક્ટ્રિક સ્વિચની જેમ ક્યારેક ઓન અને ક્યારેક ઓફ થતું રહે છે, એને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમુદાયમાં અમેરિકા સંબંધિત બિઝનેસ અંગેના નિર્ણયો લેવામાં સખત દ્વિધા પ્રવર્તી રહી છે.
અમેરિકન વાણિજ્ય મંત્રાલયના એ મનઘડંત અભિગમને કારણે પણ મંદી અમેરિકામાં અર્થશાસ્ત્રીઓ ધારે છે એનાથી વહેલી શરૂ થવાનો અણસાર છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના અધ્યાપક તારા સિન્કલેરે હમણાં જ એક સેમિનારમાં કહ્યું કે અમેરિકામાં આવનારી મંદી દેશના અર્થતંત્ર માટે એક સ્વયંસર્જિત અરાજકતા જેવી હશે. વિશ્વભરમાં વિવિધ દેશોના ડિપ્લોમેટિક આંતર સંબંધો પર છેલ્લા એક વર્ષમાં ઘણો ઘસારો લાગ્યો છે.
જૂના મિત્રદેશો વચ્ચે પણ અનેકવિધ કારણોસર છૂપી પારસ્પરિક નારાજગી પ્રવર્તમાન છે, જેની એ દેશોના વ્યાપારિક સંબંધો પર પણ ગંભીર અસરો દેખાવા લાગી છે. ચીન એની પરંપરા પ્રમાણે વિશ્વબજારમાં પોતાના ગુપ્ત એજન્ડા સાથે આગળ વધી રહ્યું છે. ચીને હજુ સુધી ઉત્પાદનમાં ખાસ કાપ મૂક્યો નથી. ચીનથી નિકાસ થનારા માલમાં ઘટ આવી હોવાના કારણે એણે ઉત્તર કોરિયા સાથે રાહત ભાવના નવા કરારો કરેલા છે. આવનારા એકાદ મહિનામાં ચીન દુનિયાના બીજા ચાર-પાંચ દેશો સાથે આવા રાહત દરના કરારો કરશે એટલે ચીને ઉલ્ટાનું પોતાનું ઉત્પાદન વધારવું પડશે! ચીનનાં વિવિધ મંત્રાલયોમાં ચીની પ્રજાના સૌથી વિદ્વાન નાગરિકોનો સમુદાય એના વાણિજ્ય મંત્રાલયમાં છે. એટલે વ્યાપાર ક્ષેત્રમાં ચીનની સાવધાની અમેરિકાને અકળાવી રહી છે.