For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનાનો કૃત્રિમ ઉછાળો .

Updated: Mar 16th, 2024

Article Content Image

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તે જોતાં આગળ જતાં એ ક્યાં પહોંચશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. સોનુ હવે બાવીસ કેરેટે સાંઈઠ હજાર રૂપિયે પહોંચ્યું છે. ક્યારેક ઘટીને અંદર પણ આવી જાય છે. અગાઉ પણ દસ ગ્રામના બાવન હજાર રૂપિયા કોરોનાના વખતમાં થાય એવી કોઈએ કલ્પના કરી ન હતી. સોનાએ આ અભૂતપૂર્વ ઊંચાઈ હાંસલ કરી છે, પરંતુ સાથોસાથ સોનું હવે ઘણા લોકો માટે સપનાંનો વિષય બની જશે તો એની મૂળભૂત ઘરાકી તો તૂટી જશે. જે હાલત રિયલ એસ્ટેટમાં થઈ અને મોટા પ્રોજેક્ટના બિલ્ડરો આજે ચોધાર આંસુએ રડે છે અને રાતભર જાગતા રહે છે એ હાલત આ બજાર ઝવેરીઓની ન કરે તે પણ ચિંતાનો વિષય છે. મધ્યમવર્ગ માટે બે રૂમ રસોડું ખરીદી શકાય એવી બજાર હોય તો બાંધકામ ક્ષેત્ર ટકે, પરંતુ એમ થયું નહીં.

સોનાના ભાવને ઊંચે લઈ જવા માટે જે રિંગ બની છે એનાથી કોઈ અજાણ નથી પણ એ રિંગ વાસ્તવિક ડિમાન્ડને લાંબા ગાળા માટે ખતમ કરશે ત્યારે સોનાની ચમક તો રહેશે, પણ ઝવેરીઓ ઝાંખા પડી જશે. હીરાબજારમાં તો વરસમાં બે ચાર વાર ઉછળકૂદ થવી સ્વાભાવિક હોય છે અને એમાં અનેક હીરાવાળાઓ ઉઠી ગયા છે. તેમની પાસે આજે કાચનો કટકો પણ નથી. સોનાના ભાવ જોતાં કોઈ પણ માણસને એવો વિચાર આવવો સ્વાભાવિક છે કે તેણે સોનામાં રોકાણ કર્યું હોત તો એને ખૂબ નફો મળ્યો હોત, પરંતુ દરેક રોકાણકાર રોકાણ ક્યાં કરવું તેની અવઢવમાં રહેતો હોય છે. સફળતાની ખાતરી ક્યાંયથી મળતી નથી. કોરોના પહેલાં સોનુ ચાલીસ હજારે પહોંચ્યું હતું ત્યારે પણ એવી ચર્ચા ઉપડી હતી કે સોનુ હવે આસમાની કિંમતે પહોંચશે. એ પાછલી ધારણા સાચી પડી. જો કે સોનું ત્રીસ હજારે હતું ત્યારથી રિંગ બનવાની શરૂ થઈ હતી. હવે સોનુ કદાચ રોજ નવો નવો વિક્રમ સ્થાપે તો નવાઈ ન લાગવી જોઈએ, પરંતુ એ અવાસ્તવિક ભાવવધારો ગમે ત્યારે રિયલ એસ્ટેટની જેમ જ આખી બજારને પછાડશે.

કારણ કે તમે ભાવ એટલા ઊંચે લઈ જાઓ કે બજારમાંથી ગ્રાહકો જ ગાયબ થઈ જાય તો તમારે તમારા દર્પણમાં જ પડેલા માલના મહામૂલ્ય પર એકલા એકલા હરખાવાનું, જે રીતે મહામૂલા કરોડોના ફ્લેટોને જોઈ ઉદાસ બિલ્ડરો હવે એકલા જ જાણે છે કે તેમની હાલત શું છે. રોકાણકાર એક પ્રકારનો ગ્રાહક છે અને વપરાશ કરનાર બીજા પ્રકારનો ગ્રાહક છે. રિયલ એસ્ટેટને જ્યારથી રિયલ ગ્રાહકને પડતો મૂકીને રોકાણકારોનું ઘેલું લાગ્યું ત્યારથી એના પતનની શરૂઆત થઈ તે પતન હજુ ચાલુ જ છે. અલબત્ત, અત્યારે તો સોનામાં જેણે જેણે રોકાણ કર્યું છે તેનું નસીબ ચાંદી જેવું ચમકતું થઈ ગયું છે. જોકે સોનામાં નાની મોટી ખરીદી કરનારાઓની ચિંતા વધી ગઈ છે. સોનાના ભાવ ક્યાં સુધી વધશે કે અચાનક ઘટી જશે તેની અટકળો ચાલી રહી છે.

ફક્ત દેશ જ નહીં પણ દુનિયાભરની સોની બજારો અને તેમાં થતી હલચલ ઉપર નજર રાખવામાં આવે તો સોનાના ભાવ નજીકના ભવિષ્યમાં ઘટે એવા કોઈ અણસાર દેખાતા નથી. તો પણ એક હવા છે કે યુક્રેન અને રશિયા વચ્ચેના ચાલુ યુદ્ધને આધારે સોનામાં ગાબડાં પડી શકે છે. સોનાની ડિમાન્ડમાં ઘટાડો નહીં થાય, પણ જો સોનુ સસ્તું નહીં થાય તો બજારમાંથી તે એટલું પણ નહીં ઉપડે જેટલો તેનો ઉપાડ થવો જોઈતો હતો. આખી દુનિયામાં વ્યાજના દરો નીચા આવી ગયા છે. જમીન-મકાનના ભાવ પણ નીચે ઉતરે છે, કારણ કે કોરોનાએ ફુગ્ગાની જેમ ફુલાવેલા ભાવના રિયલ એસ્ટેટને ફક્ત તાળું મારવાનું જ બાકી રાખ્યું છે. સોનાની સતત વધતી ચમકને કારણે ઇમિટેશન જ્વેલરીની બજાર ઊંચકાઈ ગઈ છે. એમાં પણ એક ગ્રામ અને બે ગ્રામના દાગીનાઓની બોલબાલા છે.

આની પહેલાં સોનામાં ઈ. સ. ૨૦૦૧થી ૨૦૧૧ સુધી તેજીનો તબક્કો ચાલ્યો હતો. આ જ ચક્ર ફરી ગતિમાન થયું છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા બે-ત્રણ વર્ષો સુધી સોનાના ભાવમાં ઘટાડો નહીં આવે, પરંતુ જે લોકો સોનામાં ઈન્વેસ્ટમેન્ટ નથી કરતાં અને ફક્ત જરૂર પૂરતી જ ખરીદી કરે છે એમના માટે એ અઘરું છે કે આટલું મોંઘું સોનું કઈ રીતે ખરીદવું. એટલે વપરાશ કરનારા ગ્રાહકો તેમની જરૂરિયાત બહુ ઓછી કે પ્રતીકાત્મક કરી નાખશે. બજારને એનો ફટકો બહુ ભારે પડશે. દરેક કૃત્રિમ ભાવવધારો અસલ ગ્રાહકને લાપતાગંજ મોકલી દે છે. આવા સંજોગોમાં ભેળસેળવાળા સોનાનો વેપાર પણ વધે અને સોનાની ચોરીના બનાવો પણ વધે. ભેળસેળવાળું સોનું બજારમાં આસાનીથી મળી રહે છે અને લગ્નગાળો હોય ત્યારે વેચાઈ પણ જાય છે. 

Gujarat