Get The App

ઔદ્યોગિક ક્ષેત્રનો અંધકાર .

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
ઔદ્યોગિક ક્ષેત્રનો અંધકાર                                     . 1 - image

નિર્મલા સીતારામનના બજેટે જેને ક્યારેય સ્પર્શ કર્યો નથી એવા દેશના કેટલાક મહત્ત્વના ઔદ્યોગિક ઉત્પાદન એકમો પર સ્થગિતતાનું જોખમ તલવારની જેમ લટકી રહ્યું છે. પહેલી નજરે દેશના ઓટોમોબાઈલ ઉદ્યોગો છે કે જેના ઉત્પાદિત માલના ગોડાઉનોમાં એટલો ભરાવો થયો છે કે હવે એમાંની વિવિધ કંપનીઓએ એક-એક શિફ્ટ બંધ કરવી પડી છે. દેશની તમામ પેસેન્જર વાહનો ઉત્પાદિત કરતી કંપનીઓનું વેચાણ સતત ઘટવા લાગ્યું છે. વીતેલા મહિને પણ એમાં વધુ ઘટાડો નોંધાયો છે. દેશમાં માર્કેટ લીડર કહેવાય એવી કંપનીઓએ ઉત્પાદન સાયકલ ધીમી કરવી પડી છે. સામાન્ય રીતે આ એ બધાં વાહનો હોય છે જેનો ઉપયોગ દેશના નાગરિકો સામાન્ય રીતે પોતાના વ્યાવસાયિક - રોજગારીના સ્થળે જવા આવવા માટે અધિક કરતા હોય છે, એટલે આ ઘટાડો દેશના અર્થતંત્રમાં પાછલે બારણેથી પ્રવેશી રહેલી મંદીનો અણસાર આપે છે.

દેશના નાણાં પ્રધાને હમણાં આપેલા એક વ્યાખ્યાનમાં શહેરીકરણની હિમાયત કરી અને કહ્યું કે એને તક તરીકે જુઓ, પડકાર તરીકે નહિ. જોકે શહેરોને સુખાકારીયુક્ત રાખવા એ તો ભાજપની બહુ શરૂઆતથી નીતિ રહી છે. ભાજપના શાસનનો ગુજરાતનો અનુભવ લાંબો છે અને હવે દેશ પણ સુદીર્ઘ અનુભવના પંથે પ્રયાણ કરી રહ્યો છે. એ લોકાનુભવનો સારાંશ એટલો જ છે કે શહેરો ચકચકિત થતાં જાય છે અને ગામડાંઓ ભાંગતા જાય છે. એક જમાનામાં શહેરોમાં ટિફિન સેવાઓ ચાલતી, આજે પણ ચાલે છે, પરંતુ ગામડાંઓમાં ટિફિન સેવા? બહુ નવાઈ લાગે! આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખાલી થઈ ગયેલા, ભાંગી ગયેલાં ગામડાંઓમાં રહ્યાસહ્યા જે વયોવૃદ્ધજનો છે તેઓ સવાર-સાંજ ટિફિન આરોગે છે! જ્ઞાાતિજનો કે જેઓ મોટા શહેરમાં કરોડોમાં આળોટે છે, જેમાં આ વડીલોના સંતાનો પણ છે, તેઓએ દરેક ગામમાં એક રાહત દરનું રસોડું ખોલ્યું છે. આ 'કાર્યક્રમ' છેલ્લા એક દાયકાથી કોઈ કોલાહલ વિના ચાલે છે. 

સીતારામનના સ્વપ્નમાં ગ્રામીણ ભારતનો પત્તો નથી. હા, નલ સે જલ જેવી કેટલીક યોજનાઓ છે, પરંતુ ગ્રામજગતનું દેશના અર્થતંત્ર સાથેનું સીધું લિંકિંગ જે દુનિયાના ઘણા દેશોમાં છે એનો તો હજુ એકડોય ઘૂંટાયો નથી. દેશના પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામકાજ માટે આગામી પાંચ વરસ માટે સો લાખ કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી છે એનાથી બાંધકામ સંબંધિત આનુષંગિક ઉદ્યોગોમાં થોડી તેજી આવશે પરંતુ રિયલ એસ્ટેટ માર્કેટમાં બહુ ફેર નહિ પડે.

કેન્દ્ર સરકાર બહુ ઝડપથી સંપત્તિ માટેના ડી-મેટ એકાઉન્ટ દાખલ કરવાની તૈયારીમાં છે. એટલે કે તમારી જે જમીન, મકાન, દુકાન વગેરે સ્થાવર મિલકતો એ ડી-મેટ એકાઉન્ટમાં ન દર્શાવવામાં આવી હોય તેનું વેચાણ કે હસ્તાંતરણ કે વારસાઈ પણ ન થઈ શકે. ઉપરાંત એના પર લોન પણ ન લઈ શકાય. નાયબ મામલતદારો એના દસ્તાવેજ ન કરી આપે. આ ડિ-મેટ એકાઉન્ટને કારણે રિયલ એસ્ટેટમાં 'રિયલ' લોકો જ રહેશે અને રોકાણકારો નાસી જશે. જેમ જેમ ડિ-મેટ એકાઉન્ટની વાત આગળ વધશે તેમ તેમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાયેલા કરોડો રૂપિયા ખાલસા થશે. રાજ્યના મોટા બિલ્ડરો અત્યારે રેરા, જીએસટી અને આવકવેરાના ત્રિપાંખીયા સરકારી મોરચા સામે ઝઝૂમી રહ્યા છે. જેમણે કરોડોની કિંમતના હાઈટેક અને એકસ્ટ્રા લકઝુરિયસ બાંધકામો વેચવા મૂક્યા છે એમના પ્રોજેક્ટ જામ થઈ ગયા છે, કારણ કે ગ્રાહકોને ભાવ ઘટાડાની હજુય પ્રતીક્ષા છે. એનડીએ સરકારે કેન્દ્રમાં એના પહેલા રાઉન્ડથી જ રિયલ એસ્ટેટને આકરી પછડાટ આપવાની શરૂઆત કરી હતી જે હવે મિલકતોના ડિ-મેટ વળાંક સુધી આવી રહી છે.

નિર્મલા સીતારામનની વાણીમાં આંકડાઓનું જંગલ નથી હોતું. વાસ્તવિક ખર્ચ, બજેટ અનુમાન અને સંશોધિત અનુમાન જેવા એ આંકડાઓ નથી હોતા જે સાંભળવા માટે નહિ પરંતુ વાંચીને સમજવા માટે હોય છે. સામાન્ય રીતે નાણાં પ્રધાનોનાં ભાષણ આગામી એક વરસને પોતાના ઘેરાવામાં આવરી લેતા હોય છે, પરંતુ સીતારામન એ રેખા ઉલ્લંઘીને આગામી પાંચ અને દસ વરસના વિઝન પર લાંબી લટાર લગાવતાં રહે છે. તેમની પાસે આવનારા વરસનું સ્પષ્ટ વિઝન ન હોય ત્યારે દૂરના ભવિષ્યની વારતાઓ કહે છે.