ફરી મંદીના ભણકારા .
દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ બધા ભારતીયો ભરપૂર ચોમાસામાં અનુભવી રહ્યા છે. ભૂકંપના આંચકા, કોરોનાના વધતા કેસો, લોકડાઉન અને અનલોક વચ્ચે ઝોલા ખાતી બજારે લોકોને ત્રસ્ત કર્યા છે. આથક સંકડામણને કારણે બજારમાં અને જનમાનસમાં વધી રહેલો તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ભારતની આથક સ્થિતિ તો નબળી હતી જ, કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. હવે વિશ્વ પણ કોરોનાને કારણે થયેલા નુકસાનના લેખાજોખા કરવા લાગ્યું છે. દરેક દેશ પોતપોતાને ત્રાજવે પોતાના વર્તમાનને તોળી રહ્યો છે અને નવાઈની વાત એ છે કે ગમે તેમ જોખે તોય બેય બાજુના પલ્લા ખાલી ને ખાલી જ રહે છે.
વિશ્વ બેંકે થોડા દિવસો પહેલા જ એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેને ગ્લોબલ ઇકોનોમિક પ્રોસેપકટ્સ એવું મથાળું આપવામાં આવ્યું છે. તેમાં વિશ્વની અર્થવ્યવસ્થાને બહુપરિમાણિય દ્રષ્ટિથી મુલવવામાં આવી છે. એ રિપોર્ટ મુજબ લોકડાઉનને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા ૫.૨ ટકાના દર સુધી નીચે આવીને ઉભી રહેશે.
આવા રિપોર્ટ તો આંકડાની માયાજાળ સાથે જ બન્યા હોય. રિપોર્ટનો સૂચિતાર્થ સાદા શબ્દોમાં કહીએ તો બીજા વિશ્વયુદ્ધ પછીની આ સૌથી મોટી મંદી છે. ૧૯૨૯માં અમેરિકાનું શેરબજાર કડડભુસ થઈ ગયેલું અને લાખો અમેરિકનો ફૂટપાથ પર સુતા સુતા આકાશના તારામંડળ નિરખતા થઈ ગયેલા.
આપણે એ સ્થિતિથી બહુ દૂર નથી. ખગોળશાસ્ત્રનો નરી આંખનો અનુભવ નજીક સરકી રહ્યો છે. તેના પછીના વર્ષે એટલે કે ઇ.સ. ૧૯૩૦ માં આથક મંદીનું મોજું દુનિયામાં ફરી વળ્યું હતુ. વિશ્વ બેંકના આ રિપોર્ટ મુજબ ૧૯૩૦માં જે વૈશ્વિક મંદી આવેલી તેના કરતા પણ અત્યારે આવી રહેલી મંદી વધુ ભયાનક હશે. ભારત તો શું કોઈ પણ દેશ આથક ઓટમાંથી બચી નહીં શકે.
અર્થતંત્રમાં ઓટ જલ્દી આવતી હોય છે અને વધુ સમય રહેતી હોય છે, ભરતીનું આગમન હંમેશા અનિશ્ચિત રહેતું હોય છે અને આવે ત્યારે તે મહેમાન બનીને આવતી હોય છે. બજારમાં હજુ તેજીમંદીના ઉથલા ચાલે છે. સોનું ગણાતું પેટ્રોલિયમ ઊંચે જઈ રહ્યું છે કારણ કે કેન્દ્રની એનડીએ સરકારની દાનત ટોપરા જેવી છે. સોનાના ભાવ કેટલાક સમયથી સ્થિર છે પણ એમાં લેવાલી સાવ ઘટી ગઈ છે. ચાંદી પણ દરેક કાળા વાદળની રૂપેરી કિનાર બનવા આસમાને જઈ પહોંચી છે.
ભારત તો ઘણાં વર્ષોથી અર્થતંત્રની ઓટમાં જ જીવે છે. એટલે આ ઓટથી ભારતે ગભરાવાનું નથી. ભારતના ગામડાંઓ અને ભારતની કૃષિ આ વખતે ઉદ્ધારક બનશે એમાં કોઈ શંકા નથી. જો કે એથી ખેડૂતોનું દાયકાઓથી સરકારના આંગણે ચાલતું રૂદન અટકી જવાનું નથી પરંતુ જગતનો તાત હવે ભારતનો તાત તો બની જ જશે. એ એક જ આશાનું મુખ્ય ઉજાસિત કિરણ છે. કોરોના વાઇરસ આટલું બધું નુકસાન કરી શકશે તે કોઈએ વિચાર્યું ન હતું. સામાન્ય માણસને તો અંદાજ ન આવે પરંતુ સરકાર પાસે જુદા જુદા ક્ષેત્રના ભવિષ્ય પારખી શકે એવા નિષ્ણાતોની એક ટીમ હોય છે.
કઠિન પરીક્ષાઓ પાસ કરીને બનેલા પ્રતિભાવંત આઈએએસ ઓફિસરોનું બુદ્ધિધન હોય છે જે દેશ અને દુનિયામાં બદલાઈ રહેલા દરેક પ્રવાહોથી વિદિત હોય છે. માટે સરકાર પણ ગાફેલ રહી અને સમયસર કડક પગલાં ન લઈ શકી તેનું આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. વિશ્વ બેન્કના રિપોર્ટને બિનપાયેદાર કે વધુ પડતો નિરાશાજનક માનવો એ ભૂલ સાબિત થશે.
ગોલ્ડમેન સક્સ અને નોમુરા જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓએ પણ સ્વતંત્ર રીતે આ જ વાત કરી જે વિશ્વબેન્ક ભારત વિશે કરી રહ્યું છે. ભારતનો આથક વિકાસદર પાંચ ટકાથી નીચે જશે એવું કરતા વધુ એજન્સીઓ કહેતી હોય ત્યારે એ ચિંતાજનક બીના ગણાવી જોઈએ. આ આંકડાઓ અને રિપોર્ટને બાજુ પર રાખીએ તો પણ ચિત્ર સ્પષ્ટ દેખાય છે કે કૃષિ ક્ષેત્ર સિવાય દરેક સેકટરને મંદીએ ઘેરો નાખ્યો છે.
અજગર અને આથક મંદીનો ભરડો પ્રાણઘાતક નીવડતો હોય છે. બધા સેકટરમાં ઘણી કંપનીઓ બંધ થશે અને ઘણા લોકો બેરોજગારીમાં અભિવૃદ્ધિ કરશે. સરકાર પાસે સંસાધનો સીમિત છે માટે આ મર્યાદિત સ્ત્રોતનો ઉપયોગ સમજી-વિચારીને કરવો રહ્યો. આથક નિષ્ણાતો એ વાત પર ભાર મૂકે છે કે અર્થતંત્રના પિરામિડમાં સૌથી નીચેનો પાયાનો પથ્થર મજબૂત હોવો ઘટે. જો સાવ સ્થાનિક સ્તરેથી માંગ ઉઠે તો અર્થતંત્ર ધીમે ધીમે સાજુંનરવું થઈ શકે.