ફરી એકવાર પંજાબ દેશ અને વિદેશમાંથી કાર્યરત ગુનાહિત ગેંગ અને આતંકવાદીઓનું નિશાન બન્યું છે. સામાન્ય અને ખાસ લોકોને નિશાન બનાવતી સંગઠિત ગુનાહિત ગેંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. એવું નથી કે પંજાબને પાટે ચડાવવા કોઈએ મહેનત કરી નથી. પરંતુ સુધારણા થતી નથી અથવા સકારાત્મક પ્રયત્નોનો પ્રભાવ નહિવત છે. દેશના સ્વાભિમાન અને શૂરવીરોની આ ભોમકાને ન જાણે કોની નજર લાગી ગઈ કે વારંવાર દેશવિરોધી પ્રવૃત્તિઓના પગરણ આ પ્રદેશમાંથી મળી આવે છે. પંજાબી પ્રજા ખુદ તો આજે પણ ખડતલ છે અને દેશ પર ન્યોચ્છાવર છે પરંતુ જે ચપટીક આતંકવાદીઓ છે એમણે પંજાબને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. તાજેતરમાં અલગતાવાદી સંગઠનના સક્રિય આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાનું અમેરિકાથી પ્રત્યાર્પણ એ વાતની યાદ અપાવે છે કે રાજ્યમાં ઉગ્રવાદી વિચારધારાનો પડછાયો કેટલો ઊંડો છે.
આરોપીઓએ લગભગ ૧૪ ગ્રેનેડ હુમલા કર્યા હતા. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે કામ કરનાર આરોપી પાસિયાનું ભારત પરત ફરવું વધુ ગહન તપાસમાં મદદરૂપ સાબિત થશે. આનાથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનના સત્તા મથકોના કાળા કારનામાઓ ફરી એકવાર સામે આવવાની આશા પણ જાગી છે. આ એપિસોડના ખુલાસાથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે વિદેશમાંથી ભારત વિરોધી શક્તિઓ દ્વારા પંજાબને કેવી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, રાજ્યમાં ગુંડાઓ દ્વારા કરવામાં આવતી હિંસામાં ખતરનાક વધારો જોવા મળી રહ્યો છે. અબોહરના ઉદ્યોગપતિ સંજય વર્માની ધોળા દિવસે હત્યા અને અભિનેત્રી તાનિયાના ડોક્ટર પિતાની મોગામાં તેમના ક્લિનિકમાં ક્રૂર હત્યાએ સ્પષ્ટ કર્યું છે કે ગુનાઈત નેટવર્ક કેટલી સરળતાથી કાર્યરત છે.
હુમલાખોરોએ જાહેરમાં દર્દીનો વેશ ધારણ કરીને અને ડાક્ટર પર ગોળીબાર કરીને ગુનાઈત હિંમતને ઉજાગર કરી છે. આ દર્શાવે છે કે ગુનેગારોને કાયદા અને પોલીસનો ડર નથી લાગતો. સામાજિક વૈજ્ઞાનિકો માટે પણ ગંભીર ચિંતનનો વિષય છે કે રાજ્યનો સમાજ આ ઊંડા દુઃખનો ભોગ કેમ બને છે. ચોક્કસપણે, સમાજમાં આર્થિક અસમાનતાઓ અને સામાજિક વિકૃતિઓ ગુના માટે માર્ગ ખોલી રહી છે. બીજી તરફ, રાજ્યના શિક્ષિત યુવાનોમાં બેરોજગારી, ડ્રગ્સનું વ્યસન, અશાંત બાળપણ, ગરીબી, વૈમનસ્ય ભરેલું રાજકારણ અને રાતોરાત ધનવાન બનવાની ઇચ્છાઓ ઘણા પંજાબી યુવાનોને ગુનાની આંધળી ગલી તરફ ધકેલી રહી છે. એવું નથી કે દેશના અન્ય રાજ્યોમાં બેરોજગારી અને અન્ય સામાજિક અસમાનતાઓ નથી. ડ્રગ્સનું વ્યસન રાષ્ટ્રીય કટોકટી બની રહ્યું છે. પ્રશ્ન એ છે કે આપણી સરકાર અને વહીવટીતંત્ર આ ગુનાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં દુર્જનોનો મહિમા આગમાં ઘી ઉમેરવાનું કામ કરે છે. શું સરકાર એ બધું મોનિટરિંગ કરતી નથી?
યુગના અને આ દેશના એ દુર્ભાગ્ય છે કે પંજાબમાં ગુનાનો માર્ગ ઘણા યુવાનોને આકર્ષે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ માર્ગ પરથી પસાર થયા પછી, મુખ્ય પ્રવાહમાં પાછા ફરવું લગભગ અશક્ય છે. ગુનેગાર ફરી ક્યારેય સામાન્ય જીવન જીવી શકતો નથી. પરંતુ આમ હોવા છતાં, સરકાર અને વહીવટીતંત્રે રાજ્યમાં ગુનાને પ્રોત્સાહન આપતી સામાજિક-આર્થિક વિસંગતતાઓને પ્રાથમિકતાના ધોરણે દૂર કરવાની સખત જરૂર છે. ગુનેગારોના ખતરનાક જોડાણોમાં મદદ કરતા વિભાગીય સરકારી લાલચુ પદાધિકારીઓ પર કડક દેખરેખ રાખવાની પણ જરૂર છે.
તે જ સમયે, કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત બનાવવાની જરૂર છે. આ સાથે, શિક્ષણના પ્રયાસોને વિસ્તૃત કરવાની, પુનર્વસન અને ન્યાયિક પ્રક્રિયાઓને ઝડપી બનાવવાની પણ જરૂર છે. આ ઉપરાંત, NIA જેવી કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન પણ રાજ્ય એજન્સીઓને ગુનેગારો પર લગામ કડક કરવામાં મદદ કરી શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે પંજાબમાં ગુનેગારો અને આતંકવાદીઓનું જોડાણ હવે સ્થાનિક રહ્યું નથી. તે માત્ર આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યું નથી, પરંતુ આધુનિક ટેકનોલોજી અને શસ્ત્રોની મદદથી ઘાતક પણ સાબિત થઈ રહ્યું છે. મોટું સંકટ એ છે કે આ ગુનાઓ વૈચારિક રીતે પણ અસ્થિર છે. આ એક મોટો પડકાર છે અને તેનો સામનો કરવામાં જેટલો વિલંબ થશે, પંજાબમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવી તેટલી જ મુશ્કેલ બનશે. ગુનેગારો સાથે વ્યવહાર કરવામાં મજબૂત ગુપ્તચર વ્યવસ્થા અને જાહેર સહયોગ અસરકારક સાબિત થઈ શકે છે.


