આપણે એવા દેશના નાગરિક છીએ કે પરિવારના બાળક સામેથી તમારી નજર હટી તો બાળક ગુમ થયું સમજો. જે દંપતીઓ આજે પણ જાહેરમાં કે ઘર નજીકના રસ્તાઓ પર પોતાના લઘુ વયના સંતાનો પર નજર રાખતા નથી તેમણે તેમની જિંદગીના હવે પછીના તમામ વરસો પૂરેપૂરા અફસોસમાં પસાર કરવાના આવે છે. પાટનગર નવી દિલ્હીમાં અને દેશમાં આવા અફસોસ કરતા પરિવારોની સંખ્યા અનુંક્રમે હજારો અને લાખોની થવા જાય છે. કેન્દ્રની એનડીએ સરકારની અ-ભાનતાની એ પરાકાષ્ઠા છે કે બાળકો, કિશોરીઓ અને યુવતીઓના સતત ગુમ થવાના કિસ્સાઓમાં સતત વધારો થતો હોવા છતાં કેન્દ્ર અને રાજ્યોની સરકારોમાં આ અંગેની બેહોશીમાં જરા પણ ઘટાડો થતો નથી.
પાછલા દિવસોમાં દિલ્હીમાં અચાનક રીતે લોકો ગુમ થવાના બનાવોએ નીતિ-નિર્ધારકો અને અદાલતો સહિત સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનાઓ પર ટકોર કરતા દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સૂચના આપી છે કે દેશના વિવિધ વિસ્તારોમાં બાળકોના સતત ગુમ થવાના બનાવોમાં ક્યાંક દેશવ્યાપી ગેંગોનો હાથ તો નથી ને તેની તપાસ કરવામાં આવે. સમસ્યા કેટલી ગંભીર છે તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ વર્ષ૨૦૨૩માં સમગ્ર દેશમાંથી અંદાજે આઠ લાખ લોકો ગુમ થયા હતા, જેમાં મોટા ભાગે બાળકો, મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે. સ્પષ્ટ છે કે ગુમ થયેલા લોકોની વધતી સંખ્યા ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને જ બતાવે છે, જેના કારણે ગુનેગાર તત્વો પોતાના કાવતરામાં સફળ થઈ જાય છે. આ જ વર્ષે જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં માત્ર દિલ્હીમાંથી જ આઠસો લોકો ગુમ થવાના સમાચારોએ દેશવાસીઓની ચિંતા વધારી છે.
દેશવાસીઓમાં આ બાબતે પણ ચિંતા અને રોષ છે કે આ ગંભીર ગુનાઈત સંકટના ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર અને રાજ્ય સરકારોના સમન્વયથી કોઈ વ્યાપક અભિયાન કેમ ચલાવવામાં આવતું નથી. વિસંગતિ એ છે કે રાષ્ટ્રીય સ્તરે એવો કોઈ પ્રામાણિક આંકડો ઉપલબ્ધ નથી, જેમાંથી રાજ્યવાર કેટલા લોકો પરત આવ્યા અને કેટલા હજુ ગુમ છે તે જાણી શકાય. આ સંકટનો સામનો કરવા માટે રાજ્યવાર એકીકૃત માહિતી ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિએ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું છે કે રાજ્યો તરફથી ગુમ થયેલા બાળકો અને સંબંધિત કાર્યવાહી અંગેના અંતિમ આંકડા ઉપલબ્ધ નથી. હકીકતમાં, આ પહેલીવાર નથી કે સર્વોચ્ચ અદાલતે ગુમ થયેલા બાળકોના આંકડા એકત્ર કરવા કહ્યું હોય. અદાલતે ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ કેન્દ્ર સરકારને છેલ્લા છ વર્ષના દેશવ્યાપી આંકડા રજૂ કરવા જણાવ્યું હતું.
અદાલતે આ સંદર્ભમાં રાજ્યો સાથે વધુ સારો સમન્વય સ્થાપિત કરીને પ્રામાણિક માહિતી એકત્ર કરવાની પણ સૂચના આપી હતી. એટલું જ નહીં, ગુમ થયેલા બાળકોની શોધખોળ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરવા પણ આદેશ આપ્યા હતા. આ દિશામાં અપેક્ષિત પ્રગતિ ન થવી આપણા તંત્રની પ્રણાલીકૃત ખામીઓને જ છતી કરે છે. જો સમગ્ર દેશમાંથી લાખો લોકો ગુમ થવાના આંકડા સામે આવી રહ્યા છે, તો શક્ય છે કે તેના પાછળ કોઈ સંગઠિત ગેંગ કાર્યરત હોય. સાથે સાથે આ પણ તપાસવાની જરૂર છે કે ગુમ થયેલા લોકોના મામલામાં ગુનેગારોની કાર્યપદ્ધતિમાં ક્યાંક સમાનતા તો નથી ને? ભૂતકાળમાં માનવ તસ્કરીના કેસો સમયાંતરે સામે આવતા રહ્યા છે, જેમાં યુવતીઓને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ધકેલવાના આક્ષેપો પણ લાગ્યા છે. પરંતુ આ સંકટનો ઉકેલ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશના તમામ રાજ્યોમાંથી પ્રામાણિક આંકડા એકત્ર કરવામાં આવશે. તેના વ્યાપક અભ્યાસથી ગુનાખોરીની વાસ્તવિક તસ્વીર સામે આવી શકશે.
સાથે જ જરૂરી છે કે રાજ્ય સરકારો પણ પોતાના દાયિત્વને ગંભીરતાથી નિભાવે. આ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી સહન ન થવી જોઈએ. ઉપરાંત દેખરેખ માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી પણ નક્કી થવી જરૂરી છે. દેશના કાયદો-વ્યવસ્થા પર વિશ્વાસ જાળવવા માટે આ ઘટનાઓને શાસન-પ્રશાસનના સ્તરે ગંભીરતાથી લેવી જરૂરી છે. અહીં આ બાબતની પણ તપાસ થવી જોઈએ કે કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યોમાં બાળકોના ગુમ થવા અંગેના આંકડા નોંધવા માટે બનાવવામાં આવેલા પોર્ટલમાં નિયમિત રીતે માહિતી કેમ દાખલ કરવામાં આવતી નથી. આ વિસંગતિ છે કે સરકારોએ જે જવાબદારી પોતાના સ્તરે ઈમાનદારીથી નિભાવવી જોઈએ, તેના માટે દેશની સર્વોચ્ચ અદાલતને વારંવાર યાદી આપવી પડે છે.


