સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતની ઓળખ સરીખી એશિયન સિંહની પ્રજાતિ ઘેરા સંકટમાંથી પસાર થઇ રહી છે. રાજ્ય સરકાર અને એના જંગલખાતાએ સિંહને રંજાડતી ઘટનાઓના આરોપીઓ પર કોઇ પગલાં ન લીધાં તેનું આ પરિણામ હવે સપાટી પર આવ્યું છે. ગીરનું જંગલ કે સાસણ ગીર તો એશિયાટિક લાયનની માતૃભૂમિ છે અને આ નામશેષ થવા આવેલી પ્રજાતિનું છેલ્લું વતન છે. છેલ્લા એક વરસથી એક પછી એક સિંહના મૃતદેહો મળતા જે રીતે આંકડો ઉપર જઇ રહ્યો છે તે અંગે વન અધિકારીઓની કોઇ જવાબદારી રાજ્ય સરકારે ફિક્સ કરી નથી. તેઓને સિંહની હયાતી સલામત રાખવાના પગાર આપવામાં આવે છે છતાં જેમનો સમગ્ર ષડયંત્રમાં હાથ છે તે અધિકારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેઓ એમ માને છે કે તેઓનાં કરતૂતો કોઇ જાણતું નથી, જ્યારે કે ગીર પંથકમાં એવાં તત્ત્વો કુખ્યાત છે. રાજ્ય સરકારે હજુ સુધી એમના પર કોઇ પગલાં લીધાં નથી.
હમણાં થોડા સમય પહેલાં રાજ્યસભામાં શૂન્યકાળ દરમ્યાન શક્તિસિંહ ગોહિલે એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર દુર્ઘટનાથી થઈ રહેલાં મુત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અધ્યક્ષે એને બહુ ગંભીરતાથી લીધો હતો એટલે એમ લાગે છે કે કેન્દ્ર સરકાર એ દિશામાં કંઈક નક્કર પગલાં લેશે. એશિયાઈ સિંહ આપણા માટે ગૌરવપૂર્ણ છે અને આપણો વારસો છે. ગીર ફોરેસ્ટની આગવી ઓળખાણ આખી દુનિયામાં છે તે ગીરના જંગલોમાં વસવાટ કરતા દુર્લભ એશિયાટિક સિંહોના કારણે જ છે, જે ગુજરાતનું સૌભાગ્ય અને ગૌરવ છે. ચિંતાનો વિષય છે કે, એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર અકસ્માતોને કારણે મુત્યુ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત ૨૦૨૦ના વર્ષમાં થયેલ સર્વે મુજબ ૬૭૪ સિંહો ગુજરાતના ગીર જંગલમાં છે.
તે ખૂબ જ દુઃખની વાત છે કે, વર્ષ ૨૦૧૮માં ૧૯૩ સિંહ અને વર્ષ ૨૦૧૯માં ૨૦૦ સિંહનું મુત્યુ રેલ્વે લાઈન પર અકસ્માતોના કારણે થયું હતું. જો આ સિંહોને રેલ્વે લાઈન ઉપર થતા અકસ્માતોથી બચાવી લેવામાં આવ્યા હોત, તો આજે કુલ વસ્તીના ૫૦ ટકાથી વધુ સિંહો જીવતા હોત. રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે એશિયાટિક સિંહના મુત્યુ ન થાય તે માટે નિષ્ણાતોનાં સૂચનો અને જે પ્લાન બનાવવામાં આવ્યો હતો તે બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરી સિંહોને બચાવવામાં આવે તો જ રેલવે ટ્રેક પરનો મૃત્યુ આંક ઘટે. બીજી બાજુ સિંહને કોલર આઇડી લગાવવાને કારણે મૃત્યુ આંક ઊંચે જઈ રહ્યો હોવાની થિયરી પણ સામે આવી છે. અંદાજે દોઢેક કિલો વજનના આ કોલર આઇડી સિંહને અનફિટ છે. જોકે વનખાતાએ જાતજાતનાં બચાવનામાં રજૂ કર્યા છે જે ગળે ઉતરે એવા નથી. ગીરનું જંગલ છેલ્લા એક દાયકાથી સિંહ પરિવારોને હેરાન કરવાનો મોજીલો પાર્ટી વિસ્તાર બની ગયું છે.
મૂળભૂત નિયમ એવો હતો કે ગીરમાં સિંહ દર્શન કરવા દિવસે જવાનું અને સંધ્યા ઢળે ને ગિરિકંદરાઓમાં અંધારા ઉતરી આવે એ પહેલા બહાર આવી જવાનું. આજે તો વિવિધ બહાના બતાવીને કે 'રોકડિયા' બહાનાં પરખાવીને અનેક પ્રવાસીઓ જંગલમાં રાત વીતાવવા લાગ્યા છે. સિંહના ઉપરા ઉપરી થતા અપમૃત્યુ એટલી ગંભીર ઘટના છે કે સિંહ ચાહકોએ એની સામે ઊહાપોહ કર્યો છે, પરંતુ આ એ ચાહકો છે જેઓ રાત્રિના સિંહ હદ બહાર આવે તો એનો સો કિલોમીટર સુધી પીછો કરીને મોબાઇલમાં ક્લિપ બનાવે છે. સિંહને ચાહવાની રીત જ આખી પલટાઇ ગઇ છે જેને કારણે સિંહ પર ભીંસ વધતી જાય છે. સિંહના શરીરનું ઉષ્ણતામાન બહુ વધારે હોય છે, એને કારણે બપોરે એને હાંફ ચડે છે. આવા સમયે સિંહ મચ્છુન્દ્રી કે શેત્રુંજી જેવી નદીઓના ભીનાં રેતાળ પટમાં વિશ્રામ કરે છે. આખી બપોર પોતાના પરિવાર સાથે એણે ત્યાં પસાર કરવાની હોય છે.
હવે લોકો છેક અંતરિયાળ એ નદીઓના પટ સુધી પહોંચીને ત્યાં સિંહને છંછેડવા લાગ્યા છે. અત્યારે તળ ગીરમાં સિંહ છે એનાથી ક્યાંય વધુ તો ગીરની બહાર છે. ગીરના જંગલને અલવિદા કહેવાની એની દાયકાજૂની શરૂઆત છે જે સરકાર કે વનખાતાની સમજણની બહાર છે. ગીરના જંગલમાં હવે ચોતરફ રિસોર્ટ બંધાયેલા છે. આ તત્ત્વો દરરોજ રાત્રે સિંહને ચોક્કસ જગ્યાએ માંસાહાર કરવા આવવાની ટેવ વિકસાવે છે. એ માંસ વાસી પણ હોય છે જે સિંહની ઈમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરે છે. સિંહમાં ખતરનાક રોગપ્રતિકારક શક્તિ હોય છે જે આવું વાસી માંસ ખાવાથી ક્ષીણ થઇ જાય છે. પછીથી સિંહને અકાળે વૃદ્ધાવસ્થા આવે છે અને તે શિકાર પણ કરી શકતો ન હોવાથી ખાનગી લાયન શોના આયોજક તત્ત્વોએ વિકસાવેલી કુટેવ પ્રમાણેની ચોક્કસ જગ્યાએ આવતો રહે છે. જેની ત્રાડથી આખું જંગલ કંપી ઊઠે એની હાલત એક માંદા શ્વાન જેવી કરી મૂકનારાં જે તત્ત્વો છે તેની યાદી જંગલ ખાતાના અધિકારીઓ પાસે છે.


