અમેરિકા-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ હવે લશ્કરી લક્ષ્યોથી આગળ વધીને ઊર્જા અને માળખાગત સુવિધાઓ પર હુમલાઓ સુધી વિસ્તરી ગયો છે. પુલો, રિફાઇનરીઓ અને ગેસ સુવિધાઓને નિશાન બનાવવાથી વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી છે. હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીએ તેલના ભાવમાં વધારો થવાનું અને વૈશ્વિક ફુગાવા અને મંદીનું જોખમ વધાર્યું છે, જ્યારે શાંતિ પ્રયાસો માત્ર ટ્રમ્પની ચાલાકી પ્રમાણેના ચાલુ છે. જગતને બેવકૂફ બનાવીને દુ:ખી કરવામાં ટ્રમ્પ કુશળ છે. તેમને પાગલ કહેનારાઓ વિશે અભ્યાસ કરવાની જરૂર ઊભી થઈ છે, કારણ કે આ શખ્સ પાગલ તો નથી. જે રીતે તેઓ ઈરાનને ઉશ્કેરવામાં સફળ નીવડયા છે તે જ રીતે તેઓ એ દેશનું નિકંદન કાઢવામાં પણ કંઈ બાકી નહિ રાખે. અમેરિકન યુદ્ધના મોરચા ખટપટથી ભરેલા હોય છે. અમેરિકાની કેટલીક ચાલબાજી સમજતા ઈરાનને થોડા વધુ વરસોની જરૂર પડશે.
યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવાથી સંપૂર્ણપણે માળખાગત સુવિધાઓનો નાશ કરવા તરફ આગળ વધી ગયો છે. છેલ્લા સપ્તાહમાં બંને પક્ષોએ પુલ, રિફાઇનરીઓ અને ઊર્જા માળખાગત સુવિધાઓ પર હુમલો કર્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમના ઈરાનના નવા શાસન સાથે સારા સંબંધો છે. પછી, રાષ્ટ્રને સંબોધનમાં, તેમણે ઈરાનને પાષાણ યુગમાં પાછા મોકલવાની ધમકી આપી હતી, અને હવે ધ્યાન શાંતિ પ્રયાસોથી વિનાશ તરફ વળ્યું છે. યુએસએ તેહરાન નજીક એક પુલ પર બોમ્બમારો કર્યો હતો, જ્યારે ઈરાને કુવૈત અને યુએઈમાં ઊર્જા માળખાને નિશાન બનાવ્યું હતું. તેણે પશ્ચિમ એશિયામાં યુએસ સંપત્તિનો નાશ કરવાની ધમકી આપી છે.
પરંતુ સમગ્ર વિશ્વ જોખમમાં છે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાની નાકાબંધીથી અને એના પર ડબલ લોક જેવી અમેરિકાની નાકાબંધીથી વૈશ્વિક તેલ પુરવઠામાં લગભગ ૨૦% ઘટાડો થયો છે. એવું માનવામાં આવે છે કે જો યુદ્ધ સમાપ્ત થાય છે, તો પણ પુરવઠો સામાન્ય થવામાં થોડા મહિના લાગી શકે છે. જોકે, જો ઊર્જા માળખા પર હુમલો થાય છે, તો પુન:પ્રાપ્તિમાં વર્ષો લાગી શકે છે. કુવૈત, કતાર અને સાઉદી અરેબિયાની તેલ અને ગેસ સુવિધાઓ અને ઈરાનના દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્રને આ યુદ્ધમાં પહેલાંથી જ નોંધપાત્ર નુકસાન થયું છે. કતારના ઉર્જા મંત્રી શેરીદા અલ-કાબીએ ગયા મહિને જણાવ્યું હતું કે તેમના દેશની નિકાસ ક્ષમતા ૧૭% ઘટી શકે છે. હાલમાં, દેશો પોતાના વ્યૂહાત્મક ભંડાર જાળવી રાખે છે, અને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીની અપીલ પર, સભ્ય દેશો તેલ ભંડાર છોડવા માટે સંમત થયા છે.
દરમિયાન, ભારતે તાજેતરમાં તેલ માર્કેટિંગ કંપનીઓને ક્રૂડ ઓઇલના વધતા ભાવોના દબાણથી બચાવવા માટે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો છે. જોકે, હુમલાઓ ચાલુ રહેશે, તો આ કટોકટીના પગલાં પણ અપૂરતા સાબિત થશે. દરમિયાન, ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ રૂપિયા ૨૦૦ સુધી પહોંચવાનો અંદાજ છે. ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા તેલ પર નિર્ભર છે, અને આ તેલ ઘણા દેશોની અર્થવ્યવસ્થામાં ફાળો આપે છે. આ પ્રક્રિયામાં વિક્ષેપ મંદી અને ફુગાવાના બેવડા ફટકા તરફ દોરી જશે, જેની અસરો પહેલાથી જ દેખાઈ રહી છે. ઘણા દેશો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ જરૂરી છે, આ યુદ્ધ પણ ટૂંક સમયમાં બંધ થવું જોઈએ.
ટ્રમ્પના દરરોજનાં નિવેદનો વિરોધાભાસી હોય છે. ગઈકાલે એમણે કહ્યું કે યુદ્ધનો અંત નિકટ છે. આનો અર્થ દરેક દેશે પોતાની રીતે શોધવો પડશે. ચાલુ યુદ્ધે સૈન્ય વડાને હાંકી મૂકનારા ટ્રમ્પ માટે યુદ્ધ પછીના કામની યાદી બહુ લાંબી છે. એ કોઈને જંપ લેવા દેશે નહિ. દુનિયાને થોડા વરસો પાછળ લઈ જવાની ટ્રમ્પની પ્રતિજ્ઞાા નિશ્ચિત ટાઈમ લાઈન પ્રમાણે જ ચાલે છે. અમેરિકા જેવા દેશની આવતા બેચાર વરસમાં જે દશા થવાની છે એનો દોષ ખાડીના દેશોને લાગશે. પ્રેસિડેન્ટને નહિ. આ ચકડોળમાં ઘણા દેશો બેઠા છે. યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી ખરેખર તો કોઈ મુક્ત નથી. બધા પર બંધનો છે અને વધતા જવાના છે. મુક્તિદાતાનો દુષ્કાળ રહેવાનો છે. ભારત સરકાર માટે નિત્યની કસોટી છે. ઈરાની પ્રજાને અને એની સરકારને ગુજરાતનું શંજાણ બંદર યાદ છે. એટલે ઈરાન સરકાર ભારત પરત્વે અસામાન્ય ઉદારતા દાખવે છે.


