નેપાળમાં નૂતન પ્રભાત .
લોકમત કે લોકમાન્યતાની ઉપેક્ષા કરવાનું પરિણામ વધુ એક એશિયન નેતા ભોગવી રહ્યા છે જેનું નામ મિસ્ટર ઓલી છે. છતી બહુમતીએ તેમનું પતન થયું છે. તેઓ પ્રજાની નાડ પારખવામાં મૂર્ખ અને પોતાના ઘમંડને સતત ઊંચે લી જવાની કળામાં હોશિયાર પૂરવાર થયા છે તેથી તેમના ગળામાં નિવૃત્તિ હવે ઝેરી સાપની જેમ વીંટળાઈ ગઈ છે. નેપાળની પ્રજા તેમને જેલના સળિયા પાછળ જોવા ઉતાવળી છે. નેપાળની વચગાળાની શરકારના વડા તરીકે સુશીલા કાર્કીએ સુકાન સંભાળ્યું છે જેને સુશીલા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યાયતંત્રના સુદીર્ઘ અને સર્વોપરિતાના પૂર્ણ અનુભવ છતાં તેઓના આભામંડળમાં કેટલાક ચન્દ્રકલંક તો છે જ. તેઓ કંઈ ગંગા ન્હાયેલા નથી. કેટલાક ચૂકાદાઓમાં પક્ષપાતથી તેઓ નેપાળના મીડિયામાં અગાઉ ચકડોળે ચડેલા છે. પરંતુ એ પણ હકીકત છે કે ઉપલબ્ધ વિકલ્પોમાં સુશીલા દેવી એક પ્રગલ્ભ વ્યક્તિત્વ છે અને અત્યારે દેશમાં કાયદો અને વ્યવસ્થાને થાળે પાડવામાં નેપાળને જે દંડ-ભેદની જરૂર છે એમાં તેઓ પારંગત છે.
એટલે જ તેમણે શપથ ગ્રહણ કર્યા કે તરત જ આખા દેશમાંથી કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો અને જનજીવન રાબેતા મુજબનું થઈ ગયું. પ્રજા ફરી પોતાના સ્વપુરુષાર્થમાં ગૂંથાઈ ગઈ ને રાજકાજને વીસરી જવા તૈયાર થઈ. થોડા વિવાદાસ્પદ હોવા છતાં સુશીલા દેવી પર નેપાળની પ્રજાને ભરોસો છે. તેઓ બાંગ્લાદેશની વચગાળાની તથાકથિત નોબેલ સરકાર જેવા નફ્ફટ, દુષ્ટ અને હીન તો નહિ જ નીવડે. ચીન એના ભૌગોલિક એજન્ડામાં સતત આગળ વધે છે. ભારતના શક્ય એટલા વધુ સીમા પ્રદેશોને ગળી જવાની પ્રવૃત્તિ જેને સતત ચાલુ રાખી છે જ્યારે નેપાળમાં પોતાની કઠપૂતળીઓ ગોઠવી દીધી હતી ત્યારથી એ કાર્યક્રમ તો નક્કી જ હતો કે નેપાળની સરહદે પણ ભારતે નવા અનેક સીમા વિવાદોનો સામનો કરવો પડશે. નેપાળમાં ચીનનો વિરોધ કરનારાઓ સતત શહીદ થઈ રહ્યા છે. હજારો લોકો એમના પરિવારથી લાપતા છે. આ વખતના તોફાનોમાં જે કેદીઓ નાસી છૂટયા એમાંના ઘણા ચીન વિરોધી ક્રાન્તિકારીઓ હતા.
નેપાળે ચીનની છાયામાં ભારતને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. પાડોશીઓ હંમેશા સારું ચાહનારા હોતા નથી. સારા પાડોશી મળે તે ભાગ્યશાળી ગણાય છે. પણ ભારતના ભાગ્ય આકરા છે. દરેક પાડોશી વળ ખાય છે. અમથે અમથા કતરાય છે. નેપાળે નવી કરન્સી નોટો લાવીને વિવાદ સર્જ્યો હતો. પડોશી દેશની નવી કરન્સીમાં ભારતના કેટલાક વિસ્તારો તેમાં તેના પોતાના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ચીનાઓએ નેપાળને લાગુ કરેલો રાજરોગ છે. નકશાઓમાં વિકૃતિ લાવીને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તોડફોડ કરવી એ ચીનાઓનો પ્રાચીન ધંધો છે. હવે ચીની ઈશારે એક જમાનાનો મહાન હિન્દુ દેશ પણ એ જ રસ્તે ભેખડે ભરાયો છે. આ ઘટના પછી ભારત-નેપાળ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. હવે ભારત તરફી વિચારધારા ધરાવતા સુશીલા કુર્કી સત્તા પર આવતા કંઈક ફેર પડશે.
નેપાળ એક નાનકડું બચ્ચું છે. વળી એના નેતાઓમાં બૌદ્ધિક સમજણનો દુષ્કાળ છે. નાના સરહદ વિવાદોમાં ભારત કંઈ સીધું યુદ્ધ કરે નહિ. ભારતની આ નીતિ હવે ખુદ ભારતને નડે છે. ખરેખર તો ભારત જેવો વિરાટ દેશ હોય એ જ નાના પાડોશી દેશોની જમીન દબાવતો હોય. પણ અહીં તો અવળી ગંગા વહે છે. શેરીના ભસતા કૂતરાઓ હાથીના પગ નીચેની જમીન આંચકી લેવા ચાહે છે. જે હાલત આજે તિબેટની થઈ છે એ જ દશા આવતીકાલે નેપાળની થતાં રહી ગઈ છે. ભવિષ્યના અખિલ ચીન કે બૃહદ ચીનના નકશામાં તિબેટ અને નેપાળ ચીનના માત્ર એક પ્રાંત હોય એમ ચીન માને છે. જ્યારથી નેપાળમાં રાજાશાહી ખત્મ થઈ અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારથી ચીનાઓએ આરંભેલી કૂચ આજે આખા નેપાળમાં છાને પગલે એટલી છવાઈ ગઈ છે કે ખરેખર નેપાળી પ્રજાએ એનો દેશ ગુમાવી દીધો છે. એ દેશ પાછો મેળવવા માટે જ જેન-ઝી પેઢીએ ક્રાન્તિ કરી છે. પરંતુ આગામી માર્ચમાં થનારી ચૂંટણી કેવો વળાંક લેશે તે કોઈ જાણતું નથી.
પરંતુ આ મનઘડંત નકશાઓ વાસ્તવિકતાને બદલી શકતા નથી. પાડોશી દેશ નેપાળ સાથેની સરહદ પરના કેટલાક વિસ્તારોને લઈને વિવાદ કોઈ નવી વાત નથી, પરંતુ તત્કાલીન નેપાળ સરકારે જે રીતે ૧૦૦ રૂપિયાની નવી નોટ પર નકશો છાપવાનો નિર્ણય લીધો જેમાં આ વિવાદિત વિસ્તારોને તેના દેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે તે ખરેખર ચોંકાવનારી ઘટના છે.