સત્તા સામે શાણપણ .
દિલ્હીના મુખ્યમંત્રી અને અન્ના હજારેના ભૂતપૂર્વ સાથીદાર અને આજકાલ ગુજરાતની ગાદી પર દૂર દૂરથી સમળીની જેમ ચકરાવા લેતા રાજનેતા અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો વધી ગઈ છે. ધરતીની અંદર જાતે ખાડો કરીને આઠ મહિના સુધી સતત અજ્ઞાાતવાસમાં રહેતા સુષુપ્ત દેડકાઓ પણ ચોમાસા દરમિયાન બહાર નીકળીને ઉદ્યમી બની જાય છે. કોંગ્રેસનો એ નિષ્ક્રિયતાકાળ બારમાંથી તેર મહિનાનો થઈ ગયો છે એ મેગ્સેસે એવોર્ડ વિજેતા કેજરીવાલ જાણે છે. માટે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મૃતઃપ્રાય સ્થિતિનો લાભ લેવા તેમણે દિલ્હી-અમદાવાદ વચ્ચે અપડાઉન શરૂ કર્યું છે. ગુજરાત ભાજપમાં ભલા માણસ ગણાતા ભૂપેન્દ્ર પટેલની સાલસતાનો લાભ ઉઠાવવા અને પાટીલ તથા અન્ય તમામ ભાજપી નેતાઓ વચ્ચે રહેલી ખાઈનો પૂરતો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરી રહી છે, પણ ભાજપ તેના અમુક મૂળભૂત મૂલ્યો નહીં છોડે તો કેજરીવાલના આક્રમણ સામે જીતી જશે.
તો પણ ઘણાં વરસો પછી આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારે રસપ્રદ નીવડશે. પોતે સત્તામાં ન હોય ત્યારે શાસક પક્ષના કૌભાંડો ઉજાગર કરવા અને પોતે સત્તામાં હોય ત્યારે વિરોધપક્ષને દસે દિશાઓમાંથી કનડવું એ ભાજપના મૂલ્ય સિદ્ધાંતોમાં ટોચ ઉપર આવે છે. કેજરીવાલને તેનો અનુભવ વારંવાર થઈ રહ્યો છે. વર્ષો પહેલાં તેઓ જ્યારે ગાંધીનગર આવેલા ત્યારે તેમની ગાડીને રોકવામાં આવી હતી. આ વખતે તેઓ તેમના સાથીદારો સાથે રિક્ષામાં બેઠા હતા તો પણ પોલીસે તેમને ઘેરી રાખ્યા અને સ્વતંત્રતાથી ફરવા ન દીધા. રિક્ષાચાલકને ત્યાં ભોજન લેનારા કેજરીવાલ મીડિયા સામે 'તાનાશાહી નહી ચલેગી'નો નારો લગાવ્યા રાખે છે અને ગુજરાત પોલીસ ઉપરથી આવેલા ઓર્ડરો મુજબ તેનું કામ કર્યે રાખે છે. પોલીસ જે દલીલ કરે છે તે સુરક્ષાની છે. એની સામે કેજરીવાલ એક સામાન્ય કોર્પોરેટર જેવો ઉશ્કેરાટ બતાવી સસ્તી લોકપ્રિયતા લેવા જાય છે. કેજરીવાલ જેવા નેતા પોતાની ઉચ્ચ વિચારશીલતા કે વિઝનને કારણે મત લેવા નીકળવાને બદલે નાટયકલાનો આશ્રય લે તે કેવું?
કેટલાક લોકો ચોક્કસ પગથિયાં ચડી આગળ વધ્યા પછી પણ તેમનામાંથી છોકરમત ઓછી થતી નથી. કેજરીવાલ પણ જુનિયરિઝમનો શિકાર છે. પુખ્તતા અઘરું આસન છે, આસાન નથી. ભાજપ જ વિરોધ પક્ષોને લોકો પાસે જતા રોકે છે એવું નથી. ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલું છે. ભારતની પૂર્વ તરફ જઈએ તો બંગાળમાં સ્થિતિ સાવ વિપરીત છે. ત્યાંનાં મુખ્યમંત્રીને કરવામાં આવતાં સંબોધનમાં કાનાનો ફરક કરવો પડે એમ છે, કારણ કે તેઓ દીદી થઈને પણ એ દાદાગીરી કરે છે અને આખા રાજ્યનો તથા રાજ્યના અધિકારીઓનો તેમને સાથ છે. 'ખેલા હોબે' - મમતા દીદીના આ શબ્દો સત્તા પક્ષને પડકાર માટે નથી ફેંકવામાં આવ્યા. એ સરળ બંગાળી શબ્દોનો ભાવાનુવાદ વડાપ્રધાન મોદી જેવા સાંગોપાંગ રાજકારણી જ કરી શકે. મમતાદીદીએ ગર્ભિત ધમકી આપી કે આવો મેદાનમાં; અને સાચે જ કોલકત્તાના રસ્તાઓ યુદ્ધના મિની મેદાનમાં ફેરવાઈ ગયા.
પોલીસની ગાડી સળગી, પથ્થરમારો થયો, ટિયરગેસના શેલ છૂટયા. છેલ્લે ભાજપના મોટા મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી અને સુવેન્દુ અધિકારી, જે બંગાળની વિધાનસભાના વિરોધપક્ષના મુખ્ય નેતા છે, તેની તો ધરપકડ જ થઈ ગઈ. ભાજપના જનરલ સેક્રેટરી જગન્નાથ ચટ્ટોપાધ્યાયના સુકાનીપદ હેઠળ બંગાળ ભાજપના કાર્યકર્તાઓએ બેરિકેડ પણ તોડી. ભાજપના રાષ્ટ્રીય સ્તરના વાઇસ પ્રેસિડેન્ટ દિલીપ ઘોષની હાજરી પણ હતી. મમતાદીદીના પાવર સામે વિરોધ પક્ષમાં બેઠેલા ભાજપનું કશું જ ચાલ્યું નહીં. ગુજરાત અને બંગાળ ઉપરાંત રાજસ્થાનમાં સ્થિતિ પણ અલગ નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે. અશોક ગેહલોત એ માત્ર રાજસ્થાનના મુખ્યમંત્રી નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની એક મોટી ભૂલ પણ છે. એ ભૂલ ગાંધી પરિવારને કેટલી ભારે પડશે એ આગામી મહિનાઓમાં ખ્યાલ આવી જશે.
ફક્ત જનતામાં જ નહીં, પણ ખુદની કોંગ્રેસ પાર્ટીમાં પણ અપ્રિય એવા અશોક ગેહલોતના એક સલાહકારનું નામ છે બાબુલાલ નાગર. સલાહકાર ખોટો હોય તો આખું રજવાડું જતું રહે છે જે દરેક ભારતીય શકુની - દુર્યોધનની વાર્તા પરથી જાણે છે. બાબુલાલ નાગરે કથિત રીતે એવું કહ્યું કે 'રાજીવ ગાંધી અમર રહે' અને 'અશોક ગેહલોત ઝિંદાબાદ' સિવાયનો કોઈ ત્રીજો નારો લગાવવામાં આવશે તો એની ધરપકડ કરી લેવામાં આવશે. પોતાના સલાહકારે વાટેલો ભાંગરો સુધારતાં મિસ્ટર ગેહલોતે સુધારો કર્યો કે ફક્ત 'રાજીવ ગાંધી અમર રહે' એવો એક જ નારો લગાવો.