એશિયા ખંડ અને એશિયા પેસિફિક દેશોમાં ઓવર-ધ-ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મમાં આવતી ફિલ્મો અને સિરીઝના રેવન્યુ આવતા પાંચેક વર્ષમાં ૫૮ બિલિયન ડોલરને આંબી જશે. સમગ્ર વિશ્વમાંથી અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ૧૫૦ અબજ ડોલર કરતાં વધુ કમાણી કરે છે. આ આંકડો આગામી પાંચ વર્ષમાં બેવડો થવાની શક્યતા છે. ડિજિટલ ટીવી રિસર્ચના ગહન અભ્યાસ પછી આવેલા તારણ મુજબ કોવિડકાળ પછી વાર્ષિક ૫૬% ના વધારા સાથે ઓટીટી પ્લેટફોર્મ બિઝનેસ કરે છે. એશિયાની વાત કરીએ તો ચીન ચાર બિલિયન અને ભારત બે બિલિયન ડોલરની માર્કેટ ધરાવે છે. ચીનમાં આ આંકડો સ્થિર થઈ ગયો છે પણ ભારતમાં તે વધી રહ્યો છે. સાઉથ કોરિયા અને જાપાન પણ ત્રણ - ત્રણ બિલિયન ડોલરની ઓટીટી માર્કેટ ધરાવે છે.
ડિજિટલ ટીવીના સર્વે મુજબ ચીનમાં સોશ્યલ મીડિયાની સાથે હવે ઓટીટી ઉપર પણ પ્રતિબંધ આવી રહ્યા છે, માટે ત્યાં તેની માર્કેટ વહેલા મોડી સીમિત થઈ જશે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને જાપાન જેવા દેશોની માર્કેટ મોટી છે, પણ તેની એક મર્યાદા એ છે કે ત્યાં જન્મદર ઓછો છે. વસ્તી ઓછી હોવાના કારણે મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરતા લોકોની સંખ્યા ઓછી રહે છે. તે દેશોમાં પોટેન્શિયલ માર્કેટ અને પોટન્શિયલ ગ્રોથ એક વર્તુળમાં મર્યાદિત રહેશે. કોરિયા જેવા દેશોમાં ટિકટોક જેવી સેલ્ફ વિડિયો એપ વાપરવા વાળા ઘણા છે માટે પણ ઓટીટી માટે બહુ સ્કોપ નથી. હવે દરેક ઓટીટી પ્લેટફાર્ર્મ કે ચેનલનો ડોળો જગતના સૌથી મોટા ખુલ્લા માર્કે અર્થાત્ ભારત ઉપર છે. ભારત વૈશ્વિક બજાર બની રહ્યું છે.
ભારતમાં વસ્તી છે એનાથી વધુ સેલફોન છે. પણ ઇન્ટરનેટ કનેક્શન દરેક ફોનમાં નથી. હોય તો પણ અમર્યાદિત ડેટા બધા પાસે હોતો નથી. ફાઈવ - જીની સર્વિસ શરૂ થાય તેની ભારતના નાગરિકો જેટલી રાહ જોતા હશે તેનાથી વધુ ઇ-કોમર્સ વેબસાઈટના માલિકો અને ખાસ તો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જોઈ રહ્યા છે. દુનિયામાં અત્યારે ગણ્યાગાંઠયા લોકોને જ અંદાજ છે કે ભારતમાં ફાઇવ-જી શરૂ થશે પછી વૈશ્વિક અર્થતંત્રમાં તેની અસર જોવા મળશે અને ભારત વધુ સશકત બનશે. ફાઇવ-જી શરૂ થતાં થશે પણ તેની પહેલાં વધુને વધુ ભારતીય નાગરિકો પોતાના સેલફોનને પોકેટ થિએટર બનાવી રહ્યા છે.
થોડા સમય પહેલા વર્લ્ડ સિનેમા ડેના દિવસે પંચોતેર રૂપિયાની ટિકિટ હોવાને કારણે સિનેમાગૃહોમાં જે ધસારો જોવા મળેલો એટલી ભીડ તેના પછી એક પણ ફિલ્મ માટે જોવા મળી નથી. એક હજાર કરોડ કરતાં વધુ કમાણીનો દાવો કરનારી ફિલ્મ પણ તરત જ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરી દેવામાં આવી. આ જ બાબત ઓટીટી પ્લેટફોર્મની અસીમ તાકાત દર્શાવે છે. મોબાઈલમાં આવતા આ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ મનોરંજન ક્ષેત્રની વ્યાખ્યાઓ તથા દિશા અને દશા બદલાવી નાખી છે. મોનોપોલી તૂટી છે. સિનેમાએ ભોગવેલું એકહથ્થુ શાસન ડામાડોળ થઈને જમીનદોસ્ત થઈ ગયું છે. દાયકાઓ સુધી સિત્તેર એમએમના માલિકોએ ટીવીની નાની સ્ક્રીનને તુચ્છકાર દ્રષ્ટિથી જોઈ છે. આજે એવો વખત આવ્યો છે કે ટીવીના કરતાં પણ વધુ નાની પાંચ ઇંચની સ્ક્રીનના શરણે આવ્યા વિના છૂટકો નથી. અત્યારે મોબાઈલની સ્ક્રીન રાજ કરે છે.
પ્રોડયુસરોએ મોબાઈલ ફ્રેન્ડલી કન્ટેન્ટ બનાવવું પડે છે. ઓસ્કાર વિનીંગ મુવીઝ પણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવે છે. ઓલ્ડ ક્લાસિકસ પણ આ જ જગ્યાએ જોવા મળે.ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવતા કન્ટેન્ટનું મુખ્ય ઉધાર પાસુ એ છે કે તેની ઉપર કોઈ રોક નથી. મોટા માધ્યમો જે બહોળા જનવર્ગ સુધી પહોંચે છે તેની ઉપર એક ચાળણો હોવો જોઈએ. કંટ્રોલીંગ ઓથોરિટી બોડી હોવી જોઈએ. જો કે સરકાર આ બાબતે જાગૃત નથી એવું નથી પણ તે પોતાના સ્જજજજજજવાર્થ પૂરતી જ જાગે છે. બીબીસીએ ૨૦૦૨ ઉપર ડોક્યુમેન્ટરી બનાવી તો તેનો બહુ ઉહાપોહ થયો. જો કે બીબીસી અચાનક આવા ભુલાઈ ગયેલા વિષયને લઈને કેમ આવે તે એક સવાલ છે. પણ એ કોન્સપાયરેસી થિયરી વાળા રાજકારણને સાઈડ ઉપર મૂકીએ. પણ ઓટીટીની અસર મોટી છે તે હકીકત છે. માટે જ ઓટીટી ઉપર આવતી દ્રષ્યાત્મક નગ્નતા અને નગ્ન ભાષા ચિંતાજનક છે.


