આખરે આખા દેશની જેના પર નજર હતી એ બિહારની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પ્રગટ થઈ ગયા છે, જેમાં એનડીએને ચિક્કાર બહુમતી બહુ સરળતાથી પ્રાપ્ત થઈ છે. આને કારણે તેજસ્વી યાદવની પ્રતિભા અને તેની રાજકીય કારકિર્દી આડે ઘટાટોપ વાદળો આવી ગયાં છે અને તેનું ભવિષ્ય ફરી ઢંકાઈ ગયું છે. મોટાભાગના એક્ઝિટ પોલની આગાહી આ ન હતી જે પરિણામો આવ્યાં છે. સૌથી મોટી દહેશત તે હતી કે જ્યારે મતદારો ભારે ધસારા સાથે ઉછળીને મત આપતા હોય ત્યારે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન જવાની શક્યતા વધારે હોય છે. પણ આ વખતે એવું થયું નથી. ચૂંટણીનાં પરિણામો એટલે કે મત ગણતરી શરૂ થાય એ પહેલાં જ બિહારમાં ચોતરફ તેજસ્વી યાદવ અને નીતિશકુમાર વચ્ચે પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું હતું. જેમાં નીતિશના ફોટા સાથે લખ્યું હતું કે ટાઈગર અભી જિંદા હૈ.
સન ૨૦૧૦માં જ્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે એનડીએએ અંદાજે ૨૧૦ બેઠકો જેવી જંગી બહુમતી મેળવી હતી. આ વખતે પણ સરેરાશ એવો જ વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રશાંત કિશોરની પાર્ટીના ૨૪૦ જેટલા ઉમેદવારો હતા. એમની જન સૂરજ પાર્ટીએ બિહારમાં એક નવી આબોહવા ઊભી કરી હતી. પોતે પોલિટિકલ રિસર્ચ કરનારા નિષ્ણાત છે અને બિહારના રાજકીય પ્રગટ અને આંતર પ્રવાહો ઉપર તેમની પોતાની સારી એવી પકડ છે. પરંતુ પરિસ્થિતિ એ ઊભી થઈ કે એમને એક પણ બેઠક પ્રાપ્ત ન થઈ અને એમાં કોને ડિપોઝિટ પાછી મળી અને કોની ડિપોઝિટ ગઈ એ જ હવે એમને માટે રિસર્ચનો વિષય રહ્યો. વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં કહ્યું હતું કે આટલું બધું અજવાળું છે તો ફાનસની શું જરૂર છે? તેમના જાહેર સભાનાં આ વચનો સાચા પડયાં છે અને ફાનસ હવે ટમટમ જેવું થઈને ઝાંખુ પડી ગયું છે.
આગામી ચોથી ડિસેમ્બરે તેજસ્વી યાદવ પર અદાલતમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. જમીનના બદલામાં નોકરી આપવાનું જે કૌભાંડ છે તેમાં તેજસ્વી યાદવ ઘણા ઊંડા કળણમાં ફસાઈ ગયા છે અને હવે સંયોગો સંપૂર્ણ રીતે એની વિપરીત થઈ ગયા છે. હવે અદાલતનો જે ચૂકાદો આવશે તે તેજસ્વી માટે આ ચૂંટણીનાં પરિણામોના આઘાત કરતા પણ વધુ મોટો આઘાત હશે. જોકે આ સંદર્ભમાં એના પરિવારના ઘણા લોકો જેલમાં જઈ શકે છે. ખુદ લાલુપ્રસાદ યાદવ પણ અત્યારે જેલની સજા ભોગવી જ રહ્યા છે, પરંતુ એમાંથી તેઓ અત્યારે જામીન ઉપર છૂટીને બહાર આવેલા છે, તેમની સજા તો ચાલુ જ છે. જમીનના બદલામાં નોકરી આપવાનું કૌભાંડ છે એ કેસ આ ડિસેમ્બર મહિનામાં જ કદાચ પૂરો પણ થઈ જશે અને એનો ચૂકાદો પણ આવી જશે. જે કદાચ લાલુપ્રસાદના પરિવારને બિહારના રાજકારણમાંથી કાયમ માટે અભરાઈ પર ચડાવી દેશે.
એટલે કે સમગ્ર બિહારમાંથી લાલુપ્રસાદનું રાજનૈતિક અસ્તિત્વ ખતમ થઈ જશે. તેજસ્વી યાદવમાં આવતી કાલનું બિહાર જોવાવાળા લોકોનો એક નાનકડો સમુદાય હતો અને મીડિયાએ પણ તેજસ્વી યાદવને રાષ્ટ્રીય સ્તરે ઘણો બધો ઉપસાવ્યો હતો. કેટલોક સમય તેમ લાગતું હતું કે એ એનડીએ ને પછાડી દેશે અને નીતિશ કુમારે ઘરે બેસવાના દિવસો આવશે. પરંતુ નીતિશ કુમારે પોતાના સુદીર્ઘ અનુભવોને કામે લગાડીને બાજી જીતી લીધી છે. નીતિશ કંઈ ભાજપનું પ્રિય પાત્ર નથી. પરંતુ બિહારમાં હિન્દુવાદ ચાલતો નથી. બિહારી મતદાર અભણ હશે પણ એનામાં સમજ સહેજેય ઓછી નથી. દરેક જીવિકા દીદીઓને ૧૦,૦૦૦ રૂપિયા આપવાવાળી જે વાત કરી તેણે કમસે કમ ૪૦ ટકા મહિલા મતદારોને એનડીએ તરફ વાળી લીધા, કારણ કે બિહારની કુલ મહિલા મતદારોમાં ચાલીસ ટકા બહેનો જીવિકા દીદી યોજના સાથે સંકળાયેલા છે.
એલજેપી પાર્ટી સાથે નરેન્દ્ર મોદીએ નીતિશને જે સુલેહ કરાવી આપી તેનો પણ પરિણામ પર પ્રભાવ છે. નીતિશ-ચિરાગ બન્ને વચ્ચે ઝીણી અહંકારની ટક્કર હતી અને એ તો રહેશે. પરંતુ ભાજપે એમની વચ્ચે એક પ્રાસંગિક સેતુ ઊભો કરી દીધો એટલે ધૂમાડો શમી ગયો. ઉપરાંત બિહારમાં દારૂબંધીનો કડક અમલ થયો એ પણ નીતિશની લોકપ્રિયતાનું એક કારણ છે. સુશાસન બાબુ તરીકેની એમની છાપ આ ચૂંટણીમાં અમૃત સંજીવની પૂરવાર થઈ છે. બિહારમાં વિકાસની જે ઝલક જોવા મળી એમાં પ્રજાને વિશ્વાસ બેઠો અને એને કારણે જનાદેશ એનડીએ તરફ આવ્યો.


