બજારમાં આજકાલ મંદીનો પવન સુસવાટા મારે છે ને વડાપ્રધાન મોદીની નવી સલાહકારીમાં રોજગારી અંગેનું કોઈ માર્ગદર્શન નથી. ગોલ્ડ ન ખરીદો. ભલે, પણ ગોલ્ડ ખરીદવાની પાત્રતા કેળવાય એવું તો કંઈક જેન-ઝીને શીખવો. શિક્ષણ ક્ષેત્રમાં આ સરકારનું એક યોગદાન એ છે કે એમાં નાણાં ખાતા જેવા બહુ મોટા અખતરાઓ કર્યા નથી. નાણાં ખાતામાં પ્રયોગો કરીને દેશની આર્થિક પોલિસીઓમાં જે ઉથલપાથલ મચાવી એટલી હદે તો શિક્ષણમાં નુકસાન કર્યું નથી. વળી, કૃષિ ક્ષેત્રમાં ભાજપે એફપીઓની રચના સહિતના અનેક સકારાત્મક ક્રાન્તિકારી જે પગલાં લીધાં એ તો ખરેખર લોકહિતકારી છે. નોટબંધી અને જીએસટીમાં તો લોકો સમજે-ન સમજે ત્યાં તો ખતરનાક નુકસાન શરૂ થઈ ગયું હોય જેની પાકી ખબર તો બે વરસ પછી પડે. વડાપ્રધાન મોદીએ એમ માની લીધું કે સંસદના નીચલા ગૃહમાં આપણી પાસે બહુમતી છે અને ઉપલા ગૃહમાં બહુમતી મેનેજ થઈ જાય છે એટલે કૃષિ બિલો પાસ થઈ જશે ને એમ જ થયું, પરંતુ તેઓ એક વાત ત્યારે ભૂલી ગયા હતા કે સંસદની બહાર દેશમાં તો કિસાનોની બહુમતી છે.
છેલ્લાં પાંચેક વરસમાં દેશમાં યુનિવર્સિટીઓનું જે રીતે પતન થતું રહ્યું છે તે આમ તો ખબર ન પડે એવું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય તુલનાત્મક અભ્યાસ પ્રગટ થતા રહેતા ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું સ્તર સ્પષ્ટ થવા લાગ્યું છે. કદાચ વિદેશી સંસ્થાઓ સાથે તુલના કરવી જરૂરી નથી એમ માની લઈએ તો કમસે કમ એટલી તો અપેક્ષા રહે કે વિદ્યાર્થીઓ જે ભણે છે તે તો તેને આવડતું હોવું જોઈએ. ભાજપની એક જૂની થિયરી છે કે શિક્ષણમાં બહુ અપગ્રેડેશનની જરૂર નથી, કારણ કે બધા અભ્યાસમાં તેજસ્વી હશે તો રોજગારી ચાહશે ને? આજે દેશમાં પરિસ્થિતિ એ છે કે ૯૦ ટકા સ્નાતકો તો નોકરી મેળવવા માટે પોતે યોગ્ય છે કે કેમ તે અંગે જ સાશંક છે.
વિવિધ કંપનીઓની ભીતરી હાલત પણ જોવા જેવી છે. જેનામાં કામની આવડત હોય એવા કર્મચારીઓ આસાનીથી મળતા નથી. કોર્પોરેટ જોબમાં ખંધા અને લુચ્ચા માણસોની સંખ્યા વધુ છે. નવી પેઢીનો કોઈ સિતારો સારી રીતે કામકાજ કરતો હોય તો પેલા ખંધા સિનિયરો સહન કરી શકતા નથી. આજકાલ પ્રતિભાસંપન્ન લોકો બહુ ઝડપથી નોકરી બદલાવે છે, કારણ કે જે ઉમેદવારમાં ક્ષમતા છે તે પેલા ખંધા મેનેજરોને આધીન રહી શકે નહિ. દેશમાં સંખ્યાબંધ એચઆર કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. તેમનું કામ કંપનીઓને સારા કર્મચારીઓ શોધી આપવાનું છે. કંપનીઓને સારા કર્મચારી ઉમેદવારો મળતા નથી. આ સ્થિતિ દર્શાવે છે કે જે વિદ્યાર્થીઓને આપણી શૈક્ષણિક પ્રણાલિકા તૈયાર કરે છે, તેમાંથી બહુ જૂજ લોકો જ સ્પર્ધાત્મક રીતે ટકી શકે એવા તૈયાર થાય છે.
એવરેજ એટલે કે નીચલા સ્તરનું જ્ઞાાન ધરાવનારા ઉમેદવારોની સંખ્યા બહુ મોટી છે, તેઓ પ્રાથમિક રીતે તો સર્વજ્ઞાાની હોય છે, પરંતુ તેઓને કોઈ કામ સોંપવામાં આવે તો તેઓ કરી શકતા નથી. વાતોનાં વડાં કરનારો આવો ઘણો મોટો બેરોજગાર વર્ગ આપણા દેશમાં પેદા થયેલો છે, જે હાલ ક્યાંય ચાલે એમ નથી. દેશમાં બહુ જ ઓછા ઉમેદવારો એવા છે જેમનામાં જોબ ફિટનેસ હોય, મહત્ ઉમેદવારો તો જોબ માટે અનફિટ દેખાય છે. દેશમાં બેરોજગારી છે એમ કહીને સરકારનો વાંક બતાવવાને બદલે પ્રજાએ આત્મદર્શન કરીને એમ કહેવાની જરૂર છે કે દેશમાં જોબ ફિટનેસની તંગી છે.
આંતરપ્રિનિયોર સેક્ટરમાં સૌથી સફળ લોકોનો એક કાફલો જોવા મળે છે. હમણાં દિલ્હી યુનિવર્સિટીમાં આંતરપ્રિનિયોર પરિસંવાદમાં દરેક ઉદ્યોગ સાહસિકનો એક અનુભવ સામાન્ય હતો કે જેમને કામ કરવું નથી ને માત્ર પગાર લેવો છે તેવા લોકોની સંખ્યા વધારે છે અને તેઓ જ આપણા વ્યવસ્થાતંત્રમાં મોટા અંતરાયો છે. નવા ઉદ્યોગ સાહસિકો તો જાહેરમાં સત્ય ઉચ્ચારતા રહે છે અને સ્પષ્ટ કહે છે કે, ભારતીય પ્રજા પાસેથી કામ લેવું સુગમ નથી. જો કોઈ એક માણસ પાસેથી કામ લેવાનું હોય તો તેના પર બે માણસોએ દેખરેખ રાખવી પડે. એક તરફ દેશમાં જોબ ન હોવાનો ઉહાપોહ છે અને બીજી તરફ કંપનીઓ અને અન્ય નાનાં-મોટાં કોર્પોરેટ ક્ષેત્રમાં આવતા ઉમેદવારોમાં જોબ ફિટનેસનો ઘોર અભાવ છે. કેટલાક માબાપે એ સમજવાની જરૂર છે કે તેમનો ખોટો સિક્કો ક્યાંય ચાલે એમ નથી. પહેલાં એને ઘસીને ઉજળો કરી સાચો બનાવવાની જરૂર છે.


