mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બેંગ્લોર ખાલસા થશે .

Updated: Mar 15th, 2024

બેંગ્લોર ખાલસા થશે                                   . 1 - image


બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડએ શહેરમાં ૨૦% સુધી પાણી કાપની જાહેરાત કરી છે. આજથી એટલે કે ૧૫, માર્ચથી અમલમાં આવનારા આ નિર્ણયઅનુસાર બોર્ડ દ્વારા આપવામાં આવતા કાવેરી પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થશે. કાવેરીનું પાણી શહેરના તમામ વિસ્તારોમાં પહોંચતું નથી. પાણી કાપનો આ નિર્ણય ઘણા વિસ્તારોમાં પહેલેથી જ અમલમાં છે. બેંગ્લોરે ભારતીય મહાનગરોના જળ સંકટનું નેતૃત્વ લીધું છે. અગાઉના વરસોમાં ઉનાળાના દિવસોમાં કુલુ-મનાલિમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે સ્થાનિક વ્યવસ્થાતંત્ર પાસે પાણી પુરવઠો ન હતો. ટૂંક સમયમાં દેશના બીજા શહેરો પણ બેંગ્લોરની લાઈનમાં ઊભા રહી જવાના છે. કારણ કે સરેરાશ ભારતીય શહેરી નાગરિક તેની જરૂરિયાત કરતાં પાંચગણા પાણીનો વેડફાટ કરે છે. બેંગ્લોરના નાગરિકો શોપિંગ મોલ અને સરકારી બસસ્ટેન્ડનો સુલભ શૌચાલય તરીકે મફતમાં ઉપયોગ કરતા થઈ ગયા છે.

બેંગ્લોરમાં હવે આ ઉનાળાના આરંભે જ કેટલાક લોકોએ પોતાની ઓફિસને જ પ્રાતઃકર્મનું નિમિત્ત બનાવી લીધી છે. પરિસ્થિતિ આગળના વરસોમાં આનાથી વધુ ભયાનક નીવડવાની છે. પરંતુ જે બહેરાશ માનવજાતને વળગી છે એ એને પર્યાવરણ વિશે કોઈ સત્ય કાને પડવા દેતી નથી. અત્યાર સુધી પર્યાવરણના પ્રશ્નોને કારણે સર્જાતી વિધવિધ દુર્ઘટનાઓ પ્રજા જાણતી હતી પરંતુ એની કોઈ નકારાત્મક અસર એને થતી ન હતી. પરંતુ હવે મહાનગરોના લોકોની રોજિંદી જિંદગીને વિઘ્નયુક્ત કરવાનું, ડિસ્ટર્બ કરવાનું કામ પ્રકૃતિએ શરૂ કર્યું છે. એટલે હવે બરાબરની ખબર પડવાની છે. જે માણસ પાઠ ન ભણે એને બોધપાઠથી ગોથે ચડાવીને ધરાર ભાન કરાવવું એ પ્રકૃતિનો સિદ્ધાંત છે. ભારતના આઈટી કેપિટલ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત આ બેંગ્લોર શહેરમાં પાણી પુરવઠાની સ્થિતિ એવી છે કે છેલ્લા કેટલાક સમયથી મોટા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો તેની અછતની ફરિયાદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આવી રહેલ પોસ્ટ અનુસાર, ઘણા પોશ રહેણાંક વિસ્તારોના લોકો તેમના ઘરને પડતા મૂકીને નજીકના ગ્રામ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે ને ત્યાંથી અપડાઉન અથવા વર્ક ફ્રોમ હોમ સ્વરૂપે જીવનનિર્વાહ ચલાવે છે. આઈટી કંપનીઓ સોફ્ટવેર બનાવીને બેંગ્લોરને ન્યાલ કરે છે પણ આ કંપનીઓ પાણી બનાવી શકતી નથી એ નગરજનોને હવે ખબર પડી છે. જ્યારે અધિકારીઓ લોકોને પાણીનો ઓછો ઉપયોગ કરવા વિનંતી કરી રહ્યા છે, ત્યારે ટેન્કરના ભાવની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી રહી છે. પરંતુ કિંમતો પહેલાથી જ ધરખમ વધી ગઈ છે. ઘણા વિસ્તારોમાં ૧૨૦૦૦ લીટરના પાણીના ટેન્કરની કિંમત ૨૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે થોડા દિવસો પહેલા સુધી તે ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા હતી. આજની સ્થિતિ ચાલુ રહે તો બેંગ્લોર ખાલસા કરવું પડશે

આ સંકટને સ્થાનિક કહીને ટાળી શકાય નહીં. સૌ પ્રથમ, આ કોઈ એક શહેર વિશે નથી, પરંતુ દેશના સૌથી મોટા ઔદ્યોગિક કેન્દ્ર બેંગ્લોર વિશેની હકીકત છે. બીજું, આવા સંકટનો સામનો કરી રહેલું આ એકમાત્ર શહેર નથી. ઘણા મોટા શહેરોમાં ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાય છે. ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો એ એક કાયમી સમસ્યા બની રહી છે. ખાસ વાત એ છે કે આ સમસ્યા પાછળ સંસાધનોની અછત કરતાં મેનેજમેન્ટની ભૂલોની ભૂમિકા વધુ જવાબદાર ગણવામાં આવે છે. જો આપણે બેંગ્લોરની જ વાત કરીએ તો ઈ. સ. ૧૯૬૧ સુધી અહીં કુલ ૨૬૨ તળાવો હતા, જેમાંથી હવે ૮૧ જ રહ્યા છે. આ ૮૧ તળાવોમાંથી માત્ર ૩૩ જ જીવંત હોવાનું કહેવાય છે. તે પણ એટલા માટે કે આ એવા પ્રતિબંધિત વિસ્તારોમાં છે જ્યાં જમીનનો ઉપયોગ અન્ય કંઈ પણ હેતુ માટે થઈ શકતો નથી. આડેધડ શહેરીકરણ અને પાણીનો બગાડ કરવાની વૃત્તિ આપણા શહેરોની સમગ્ર ઇકોસિસ્ટમને અસર કરી રહી છે.

સૌથી મહત્વની બાબત એ છે કે આ પરિસ્થિતિથી બચવા માટેના ઉપાયો માત્ર અસ્તિત્વમાં જ નથી પરંતુ તે દરેકને ખબર પણ છે. પાણીનું રિસાયક્લિંગ, ટ્રીટમેન્ટ પછી તેનો પુનઃઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ પર ધ્યાન આપવું એ જએવા ઉપાય છે જેનો ઉલ્લેખ સરકારોની જળ નીતિઓમાં કરવામાં આવ્યો છે. દેખીતી રીતે, સરકારોએ મજબૂત ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે અને આના પર યોગ્ય અમલીકરણ નિશ્ચિત કરવું પડશે. પર્ર્યાવરણ શબ્દ આપણા દેશમાં સરકારી પરિભાષા છે. સરકાર સિવાય જાણે કે સામાન્ય પ્રજાને એની સાથે કોઈ સંબંધ નથી. દુનિયા છેલ્લા એક સો વરસોથી પ્રકૃતિને સહકાર આપવાની વાત કરે છે અને પ્રાકૃતિક સંસાધનોનું બેસૂમાર હનન કરે છે. 

Gujarat