For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભોળા ભગત ગડકરી .

Updated: Mar 15th, 2023

Article Content Image

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આશ્ચર્યજનક રીતે મોદી વિરોધી પ્રવાહમાં આગળ વધી રહ્યા છે. હવામાન તો એવું છે કે તેમના મનમાં વડાપ્રધાન થવાનો ખુશનુમા ખયાલ કોઈએ પ્લાન્ટ કરેલો છે. હવે તેઓ ભાજપમાં જ ટ્રોજન હોર્સની વ્યાખ્યાની બહુ નજીક પહોંચી ગયા છે. મિસ્ટર ગડકરી પોતે જોકે વ્યક્તિગત રીતે એવા નથી કે વડાપ્રધાનની રેસમાં ઉતરે. તેમનો પોતાનો અગ્રતાક્રમ પણ હમણાં સુધી તો એવો ન હતો, પરંતુ હવે તેઓ ઝડપથી વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને જાણે કે આક્રમક તલવારની ધારથી કાપવા માટે ઉતાવળા થયા છે.

આખો દેશ અત્યારે ભાજપના મુખ્ય મંચની બાજુના એક નાના પેટામંચ પર આ નાટક જોઈ રહ્યો છે. અગાઉ પણ તેમણે એવા નિવેદનો કરેલા જ છે કે જેનાથી ભાજપમાં ક્ષોભજન્ય સ્થિતિમાં મુકાય. અગાઉ તેમણે નાગપુરમાંથી કરેલું વ્યાખ્યાન વડાપ્રધાન મોદીના સિદ્ધ આસનને ઝૂલતા મિનારામાં રૂપાંતરિત કરનારું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મોદીના વિકલ્પ અંગે જાણે કે સત્તાવાર સ્વાધ્યાય ચાલુ થયો હોય એવું દેખાય છે. ભાજપમાં જ એક મોટો વર્ગ છે કે જે હવે નીતિન ગડકરીને ભાવિ વડાપ્રધાન અથવા તો મિનિમમ નાયબ વડાપ્રધાન તરીકે જુએ છે. ગડકરીના આજકાલના સ્વૈરવિહારી વ્યાખ્યાનો ભાજપમાં ગુપ્ત રીતે ટોચના નેતૃત્વની જે કટોકટી ઊભી થઈ છે તેનો દિગદિગંતમાં છડી પોકાર કરે છે.

આ ક્રમ જો કે ઘણા સમયથી ચાલે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શરૂઆતમાં નરેન્દ્ર મોદીને આધીન હોય એવા કિસ્સા જોવા મળતા હતા. કેટલોક સમય તો એવું લાગતું હતું કે વડાપ્રધાન મોદી રીતસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગળી ગયા છે. પરંતુ છેલ્લા બે મહિનાથી સંઘના વડા મોહન ભાગવત વિવિધ મુદ્દાઓ પર સરકાર તરફ આકરું વલણ દાખવીને ભાજપની જે રીતે ટીકા કરવા લાગ્યા છે એ બતાવે છે કે સંઘ અને ભાજપ વચ્ચે પહેલા જે પુલ હતો તે હવે સાવ તૂટી તો નથી ગયો, પરંતુ આપણા દેશના 'મહાન' એન્જિનિયરોએ બનાવેલા અન્ય પુલોની જેમ જર્જરિત થઇ ગયો છે. મનોહર પરિકર જ્યારે સંરક્ષણ પ્રધાન હતા ત્યારે સંઘનો એના તરફનો ઝુકાવ સ્પષ્ટ દેખાતો હતો. એક તબક્કે તો પરિકર વડાપ્રધાનની લગોલગની સત્તા ભોગવતા હોય એવું દેખાતું હતું. વડાપ્રધાન મોદીને એની ગંધ આવતા પરિકરને મનોહર રીતે કુશળતાપૂર્વક ગોવા પરત મોકલી દેવામાં આવ્યા. સંજોગોને બહાનું બનાવીને ચોક્કસ લોકોને વિદાય આપવાની કળામાં ભારતીય ઉપખંડમાં નરેન્દ્ર મોદીનો જોટો જડે એમ નથી.

કેન્દ્રીય મંત્રીમંડળમાંથી એ સમયે હયાત પરિકરની વિદાય પછી સંઘે નીતિન ગડકરી પર પોતાની પસંદગી ઉતારી હતી અને એ તો સ્વયં સ્પષ્ટ છે કે તેઓ હવે જે કંઈ બોલે છે એમાં માત્ર મોદીનો નામોલ્લેખ જ બાકી રહી ગયો હોય છે. એ સિવાય તો જાણે કે કોંગ્રસનો કોઈ રાજનેતા ભાજપ વિરુદ્ધ બોલતો હોય એવા એક પછી એક સનસનાટીભર્યા તીર તેઓ આજકાલ મોદી પર ચલાવી રહ્યા છે. માત્ર મોદી માટે જ ગડકરીએ કહ્યું કે જુઠ્ઠા વચનો અને સપના દેખાડનારને પ્રજા મારશે. વળી તેઓ મોદીની ટીકા કરતી વેળાએ પોતાને સેવન્ટી એમ. એમ. સ્ક્રીન પર રજૂ કરવાનું ભૂલતા નથી. તેમણે અનેકવાર કહ્યું છે કે હું તો જે કહું છું તે કરીને જ બતાવું છું. પરોક્ષરીતે ગડકરીએ એમ પણ કહ્યું કે ઈ. સ. ૨૦૧૪માં વચનો આપનારાઓએ સમગ્ર ભારતીય પ્રજાને એપ્રિલ ફૂલ બનાવી હતી.

તેઓ દેખાય છે એવા કોઈ ભોળા ભગત નથી. હા તેઓ નિખાલસ ચોક્કસ છે, પરંતુ તેમની નિખાલસતા ગણતરીપૂર્વકની હોય છે. ભાજપના આંતરિક તંત્ર ઉપર એમની ગજબની પકડ છે. તેઓ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઉપરાંત તેમને બીજીવાર અધ્યક્ષ બનાવવા માટે ભાજપે પોતાનું બંધારણ બદલાવ્યું હતું. આજે પણ એમનો ચાહક વર્ગ બહુ મોટો છે. અત્યારે તેઓ જે પ્રકારની રમત રમી રહ્યા છે તેની પાછળ શું ગણતરી છે તે કહેવું મુશ્કેેલ છે. તેમણે પોતાના ભાષણો દ્વારા પોતાની જ ઉપર અનિશ્ચિતતાની એક નવી તલવાર લટકાવી છે.

Gujarat