આફ્રિકા-અમેરિકા હવે સરખા
હિન્દુસ્તાની ફિલ્મી જગતના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાનાની ફિલ્મ ગુલાબો સીતાબો મોટા પડદાને બદલે એમેઝોન નામની એક એપ્લિકેશન ઉપર રિલિઝ કરવામાં આવી જેને અડધી દુનિયાએ ફોનની નાની સ્ક્રીન ઉપર જોઈ. કોરોના વાયરસે ન્યૂ નોર્મલ નામની નવી સિસ્ટમ લોકોના દિમાગમાં ઇન્સ્ટોલ કરી દીધી છે.
પરંપરાઓ તૂટી છે અને નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. દુનિયાની નીતિરીતિ બદલાઈ રહી છે. સામાજિક અને વ્યાવહારિક આદર્શોનો નકશો બદલાઈ રહ્યો છે. મહામારી ફક્ત લોકોના જીવ નથી લેતી પણ લોકોની નૈતિકતા ઉપર પણ તરાપ મારે છે.
આપણો સમાજ છેલ્લા પાંચેક હજાર વર્ષથી અમુક ઘરેડથી ચાલ્યો આવે છે. સમાજનો હજારો વર્ષ જૂનો ચહેરો કોરોનાને કારણે બદલાઈ રહ્યો છે. માસ્ક પહેરેલો સમાજ હકીકતમાં બેનકાબ થઈ રહ્યો છે. ચોરી કે લૂંટફાટનના નવા પેંતરાઓ સામે આવી રહ્યા છે. સંવેદનશીલતા એક આદર્શ બની ગઈ છે.
રોજ રોજ નજર સામે આવતી અમુક ખબરો માણસને માનવતા શોધવા માટે મજબુર કરી દે છે. લોકોની માલમિલકતની સુરક્ષા ઉપર પ્રશ્નચિહ્નન મૂકવું પડે તેવી પરિસ્થિતિ ઠેર ઠેર ઉભી થઈ ગઈ છે. સામાજિક અને માનસિક અસંતુલનનો દૌર ચાલુ થઈ ગયો છે. લોકડાઉન દરમિયાન અમુક મેટ્રો શહેરની ઇમારતોની અગાસીને તાળા મારવા પડયા છે. જો આવું જ ચાલશે તો માણસ માણસ વચ્ચેનો ભરોસાનો નબળો પડી ગયેલો સેતુ સાવ તૂટી શકે છે.
પોતાની ભૂખ બીજાનો કોળિયો છીનવીને મટાડવામાં આવતી હોય એવી સ્થિતિ કોઈ પણ સમાજ માટે હાનિકારક છે. રાજધાની દિલ્હીમાં પાકિટમારની સંખ્યા વધી છે અને ઘણા પકડાઈ રહ્યા છે. એ બધા પાકિટમારો નાનીમોટી નોકરી કરતા હતા અને તેમનો કોઈ ગુનાઇત ભૂતકાળ ન હતો.
લોકડાઉને તેમની રોજગારી છીનવી અને તેઓ અનૈતિક રસ્તા તરફ વળ્યાં. એક વખત પોલીસ ચોપડે નામ ચડી ગયા પછી શું પહેલાનો સમય પાછો લાવી શકાતો હોય છે? આવું ફક્ત દિલ્હીમાં જ નહીં પણ દેશના અનેક શહેરો ને ગામોમાં થઈ રહ્યું છે. ન્યૂ નોર્મલ કહેવાતા દૌરમાં ન્યૂ એબનોર્માલિટી પ્રવેશી ચુકી છે. આ તો હજુ શરૂઆત છે. મોટી અને કઠિન સફર હવે શરૂ થઈ રહી છે.
શરૂઆતમાં સિનેમાનું ઉદાહરણ પણ એટલે લીધું કે ફિલ્મ અને ટીવી નિર્માણ ક્ષેત્ર, દેશના લાખો લોકોને પ્રત્યક્ષ રોજગારી આપે છે. પરોક્ષ રોજગારીનો હિસાબ તો કરોડો લોકોના બેન્ક અકાઉન્ટ સુધી પહોંચે.
જો સિનેમાઘરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂ નોર્મલના ખાનામાં આવી જાય તો એ લાખો લોકોનું શું જેની ખાધાખોરાકી આ ફિલ્મ-ટીવી ઇન્ડસ્ટ્રીના આધાર પર હતી? ૧૯૮૦ ના દશકમાં મુંબઈમાં પણ સ્થાનિક મંદીનો સામનો કરવાની ઘડી ઉત્પન્ન થઈ હતી જ્યારે દત્તા સામંતની આગેવાની હેઠળ શ્રમિકોએ હડતાળ કરી હતી અને કાપડના મિલ માલિકોએ ફેકટરીને તાળા મારવા પડેલા.
એની અસર થોડા સમય પૂરતી રહી હતી પણ કોરોના દત્તા અને લોકડાઉન સામંતની અસર લાંબા ગાળા સુધી રહેશે એવું લાગે છે. ફિલ્મ ઉદ્યોગ બંધ થશે કે તેનો રસ્તો બદલાશે તો નિમ્ન અને મધ્યમવર્ગનો એક મોટો સમુદાય ખૂબ તકલીફમાં મુકાશે એ નક્કી છે.
ભારત જ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એવું નથી આખી દુનિયાની સ્થિતિ ચિંતાજનક છે. બધા અસંતુષ્ટ છે. અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇડની હત્યાના કારણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ બંકરમાં છુપાઈ જવું પડે એ ઘટના નવા યુગની જોખમી એંધાણી છે. હવે આ મામલો યુરોપના દેશો સુધી પણ પહોંચ્યો છે. ગઈકાલે અમેરિકન પોલીસની ગોળીએ વધુ એક અશ્વેત નાગરિકના પ્રાણ લીધા છે.
માંડ ઠરવા આવેલી જ્વાળા ફરી ભડકી છે. કોરોના અને લોકડાઉન કે મર્યાદિત છૂટછાટના આવા સમયે અપરાધ અને ગુનાખોરોની સંખ્યા વધી જાય છે. અમેરિકન ન્યૂઝ ચેનલો એવા વીડિયો સમયાંતરે આપતી રહે છે જેમાં લોકો એક મોલને લૂંટી રહ્યા હોય. આવી દુર્ઘટનાઓ ફક્ત અમેરિકા પૂરતી સીમિત નથી. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે પહેલા જ કહેલું કે લોકડાઉન અરાજકતા વધારશે. એ સંગઠનના અધિકારીઓને એમ હતું કે આફ્રિકામાં સ્થિતિ વણસશે એને બદલે અમેરિકામાં વરવા દ્રશ્યો સર્જાયા.
કોરોનાએ અમેરિકાને આફ્રિકાની સમકક્ષ લાવી દીધું છે. એક સમય હતો જ્યારે ગુનાખોરીમાં આફ્રિકાના જોહનિસબર્ગ જેવા શહેરો ખૂબ ખતરનાક શહેરો ગણાતા. આજે અમેરિકા અને આફ્રિકા બંને ખતરનાક દેશો બની ગયા છે. દુનિયાના ધનાઢય શહેરોમાંના એક શિકાગોની સ્થિતિ બહુ કફોડી છે.
ગયા મહિને એ શહેરમાં અઢાર જેટલી હત્યાઓ થઈ. આવું છેલ્લા ઘણા વર્ષોમાં થયું ન હતું. યુરોપના લોકોને ચિંતા છે કે અમેરિકાની ગુનાખોરીનો ચેપ તેમને ન લાગે. યુરોપ તો આમ પણ આર્થિક ચક્રવાતમાં હતું. હવે કોરોનાએ તેના આર્થિક મૂળિયા ઉખાડીને ફેંકી દીધા છે. આર્થિક એજન્સીઓના ખાતરીપૂર્વકના દાવા છે કે યુરોપમાં અભૂતપૂર્વ મંદી આવશે.