Get The App

સંભવામિ યુગે યુગે...! .

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
સંભવામિ યુગે યુગે...!                                          . 1 - image

એક ક્ષણ જે ભવિષ્યમાંથી આવે છે અને હજુ તો એને માણો કે જાણો ત્યાં એ વર્તમાનમાં થઈને ભૂતકાળમાં પ્રવેશી જાય છે. ક્ષણોની આ કીડિયાળી હારમાળા સતત ચાલતી જ રહે છે. વળી, એ એકબીજા સાથે અડોઅડ કડીબદ્ધ પણ છે. યુગયુગોના અંધકાર અને ઉજાસનું એણે વહન કર્યું છે. કૃષ્ણ વર્તમાનનો પુરસ્કર્તા છે. અને એને કારણે જ એ ભૂતકાળ અને ભવિષ્યનો ઉચ્છેદક પ્રજ્ઞાપુરુષ છે. ભવિષ્યની માયા હોય એટલે કે ફળની ઈચ્છા હોય એ વર્તમાનને શું જાણે ને શું માણે? એ જ રીતે ભૂતકાળને અંતઃકરણમાંય સાથે રાખીને ફરનારાઓ વર્તમાનને તો ઓળખી જ ન શકે. કૃષ્ણને પુનર્જન્મમાં બિલકુલ રસ નથી. એનું કારણ સંસારમાં દુઃખની જે વ્યાપ્તિ છે એને તે જાણે છે. કોઈ પણ જીવના કોઈ પણ જન્મને તેઓ દુઃખ જ માને છે. ગીતામાં એમણે સ્પષ્ટ કહ્યું કે મારા ધામ સિવાય એટલે કે કૃષ્ણલોક સિવાયના બધા જ લોક ખરેખર વિષાદલોક છે.

ફળની ઈચ્છા એટલે જ ભવિષ્યની લાલસા. જો એનો છેદ ઉડી જાય તો વર્તમાન પૂરેપૂરો ભોગવવા મળે છે. દરેક મહાપુરુષને એમ હોય છે કે મારી વાત હું સહુને કહેતો જાઉં તો ઘણાંકનો ઉદ્ધાર થઈ જાય. કૃષ્ણ કક્ષાના અવતારી પુરુષને પણ આ મોહ તો છે જ. વિદ્વાનો એને પરમતત્ત્વની માનવજાત પરની કરૂણા કહે છે. અર્જુનના બહાને આખા જગતને સંબોધન કરવાનો મોકો અને કુરુક્ષેત્રની યુદ્ધ પૂર્વેની પ્રશાન્તિ કૃષ્ણ હાથમાંથી સરી જવા દે એમ નથી. એકની એક વાત ઘૂંટી ઘૂંટીને છતાં પુનરાવર્તન ન થાય એ રીતે કૃષ્ણે અઢાર રીતે અર્જુનને કહી છે અને એ જ તો ગીતા છે. વર્તમાનમાં વિદ્યમાન રહેવું અને પ્રતિક્ષણ સ્વયંમાં સભાન રીતે હયાત રહેવું એ એક અજાયબ કૃષ્ણબોધ છે. જિંદગીને એના અખિલ સ્વરૂપમાં પામવી અને રસનિ આયુષ્ય ભોગવવું એ દ્વારિકાધીશની કુશળતા છે.

કૃષ્ણને દરેક સમયમાંથી બહાર નીકળતા આવડે છે એટલે એને ભૂતકાળ વળગી શકતો નથી. આપણામાંથી સમય તો એના સ્વભાવ પ્રમાણે પસાર થઈ જ જાય છે પણ આપણે બધા જ સમયમાંથી નીકળી શકતા નથી. જે સમયમાંથી ન નીકળી શકો એ ગળે વીંટળાઈ ગયેલો ભૂતકાળ છે. લોકો કેટકેટલા ભૂતકાલીન સમયખંડોને હિમશીલાની જેમ પોતાની સાથે તાણી લઈ જઈને પ્રવાહમાં તરે છે. એ સમયખંડ કે એ સ્મરણને છોડી દો તો આગળની સફર આસાન થશે, પણ માણસજાતને એ બહુ ગમી ગયેલો ભાર છે, એને ઊંચકે નહિ તો એને જાણે કે માથું જ ન હોય એવું લાગતું હશે. કૃષ્ણે માણસજાત માથેના એ ભૂતકાલીન પોટલાઓ જોઈ લીધા છે. અર્જુનના વિષાદનું એક કારણ ભૂતકાલીન સ્મૃતિ છે. એને ખંખેરવામાં જ સમય પસાર થાય છે.

કૃષ્ણ અને અર્જુન તો જુગજુના મિત્રો છે. કૃષ્ણ અરધું વેણ ઉચ્ચારે તો આગળ બોલવું જ ન પડે એટલું અર્જુન સમજે છે. છતાં આટલી બધી દલીલો કૃષ્ણે કરવી પડે? મેદાનમાં ઉભય સેનાના ભીષણ રથયોદ્ધાઓ રૂપે વર્તમાન પહોળે પાટલે પથરાઈને પડયો છે. પડયો જ હોય છે, પણ ન તો એ આપણને દેખાય છે કે ન તો આપણને એની તમા છે. હારવાનાં આ જ કારણો છે. ધનુષ્યનો ટંકાર કરી યુદ્ધે ચડતા પહેલાંનો એક એવો અર્જુન વેદ વ્યાસે બતાવ્યો છે જે જગતે જોયો જ નથી. લડતા પહેલાં જ હારી ગયેલા મહારથીનું એ દર્શન એટલે કરવા જેવું છે કે એમાં જ તો આપણા એક સાવ સામાન્ય મનુષ્ય તરીકેના સર્વ અસામાન્ય અને અકારણ પરાજયોનું આખું દર્શનશાસ્ત્ર સમાયેલું છે. સહજાનંદ સ્વામીએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિના ઈતિહાસમાં પહેલીવાર કૃષ્ણ અને અર્જુનને સમાન આસન આપ્યું છે. તેમણે નર-નારાયણ દેવની આરાધના કરવાનું કહ્યું છે. 

નર છે તો નારાયણ છે એ પણ વાત એમાં છે. દુનિયામાં સંઘર્ષ વિના જ પરાજય સ્વીકારીને ગહન ગર્તામાં સરી પડેલાઓને કૃષ્ણ એક જ વાત કહે છે કે ગઈકાલ આજે કામમાં આવે એમ નથી. આ સાવ નક્કોર 'આજ' છે અને જે છે તે પણ આ જ છે. આજને એટેન્ડ કરો. ફૂલલેન્થ એટેન્ડ કરો. એ માટે 'આજ'માં વેરાયેલી ગઈકાલ પર સાવરણી ફેરવવી પડે. આજમાંથી ગઈ કાલની ગંધ બાદ કરો પછી જે વધે તે વર્તમાનની સુગંધ છે. કૃષ્ણ પાસેથી ગઈકાલ બાદ કરવાની કળા શીખવા જેવી છે. વૃંદાવનની માયા કોને ન હોય? તો પણ કૃષ્ણે એકવાર યમુના ઓળંગીને મથુરામાં પગ મૂક્યો પછી કદી પણ ગોકુળ તરફ જોયું પણ નથી. ભૂતકાળ તરફ જોવાની બાબતમાં અંધત્વ કેળવવા જેવું છે. કૃષ્ણની તો થિયરી અને પ્રેક્ટિસ બન્ને ભૂતકાળ તરફ ન જ જોવાની છે. એટલે જ એ વચન આપે છે સંભવામિ યુગે યુગે.