Get The App

પ્રજા માટે આત્મદર્શન .

Updated: Aug 15th, 2024

GS TEAM

Google News
Google News
પ્રજા માટે આત્મદર્શન                                    . 1 - image


દરેક સ્વાતંત્ર્ય પર્વ આપણને ઇતિહાસ તો યાદ કરાવે છે, પરંતુ સ્વતંત્રતા જેવી મહાન ઉપલબ્ધિ પછીના આપણા સુદીર્ધ અને વ્યાપક જનજીવનનું મૂલ્યાંકન કરવા પ્રેરણા આપે છે. સરકારનો વાંક હોય છે, પરંતુ આપણી પ્રજા તો બધી જ જવાબદારીઓ સરકાર પર નાંખવા ઉતાવળી છે. માત્ર સ્વચ્છતાના એક જ ત્રાજવે દેશને તોળવા બેસો તો ખ્યાલ આવે કે નાગરિક તરીકેના આપણા અભિવર્તનોની શું હાલત છે! માત્ર ભારતની આ વર્તમાન એનડીએ સરકાર જ નહીં, દુનિયાની મોટા ભાગની સરકારો મીડિયા હાઉસોનું શોપિંગ કરવા નીકળેલી છે. તેઓનું તો કામ જ છે કે પોતાની સ્તુતિ-આરતી ચોતરફ થતી રહે. આઝાદીના અમૃત મહોત્સવની આભા આજે જેટલી સરકાર પક્ષે છે એટલી પ્રજા પક્ષે નથી. જો ભારતીય પ્રજા રાષ્ટ્રપ્રેમમાં પાછી પડશે તો એણે એની બહુ ઊંચી કિંમત ચૂકવવી પડશે.

પ્રજા તરીકે આપણું જાહેર વર્તન સ્વયંદ્રષ્ટિથી જોવા જેવું છે. ભારતીય સમાજનું જ નહીં, આખા એશિયાની પ્રજાનું સામુદાયિક વર્તન કદી અભિનંદનીય લેખાતું નથી. એમાંથી બહાર આવવાની કેટલાક દેશોની પ્રજાએ મથામણ શરૂ કરી છે. કોઈ પણ દેશની નાગરિકતાનું કલ્ચર જોવું હોય તો એમની ટ્રાફિકની શિસ્ત જુઓ એટલે બધી ખબર પડી જાય. કીડીની કે કુંજડીની હાર પાસેથી પણ આપણે કંઈ શીખ્યા નથી. ગ્રીન લાઇટ થવાને વાર હોય ત્યારે સહુના ચહેરા અને મનોભાવ નિરખવા જેવા હોય છે. શું પ્રજાએ શાંત ચિત્ત, પ્રસન્ન મુખમુદ્રા અને ધૈર્ય સદંતર ગુમાવી દેવાની તૈયારી કરી લીધી છે?

ગુજરાતનાં કેટલાક શહેરોમાં અને હૈદ્રાબાદ- સિકંદરાબાદમાં તો નાનકડો અકસ્માત થાય કે તુરત જ પક્ષકારો મૂર્ખતાપૂર્ણ રીતે શક્તિપ્રદર્શન શરૂ કરે છે. તેઓ તેમના સાગરિતોને બોલાવી ધમાલ પણ કરે છે. ક્યારેક નિર્દોષ સજ્જનો પાસેથી 'તોડ' કરીને તેઓની પોતાની ગરીબાઈ દૂર કરવા નાણાં પણ પડાવે છે. દરિદ્રતા અને લુખ્ખાગીરીનો સંગમ હંમેશા ટ્રાફિકમાં તોફાની સ્વરૂપે દેખાય છે. અમેરિકાનું સરવા કાને વિહંગાવલોકન કરો તો ચોતરફ સોરી-સોરી અને થેન્ક્સ-થેન્ક યુ સંભળાશે. સ્વતંત્રતા મળ્યા પછી પ્રજાએ વિકસાવવાની સ્વયંશિસ્તનો એક આખો અધ્યાય આપણે ત્યાં બાકી રહી ગયો છે. નવી પેઢીને તો ખબર જ નથી કે તેમની યુવાની જે રીતે તેમની છે એ વાસંતિક સ્વરૂપે આ રાષ્ટ્રભૂમિ પણ તેમની જ છે. તેઓ જે કાંઈ વિચારશે, ઉચ્ચારશે અને વર્તશે એ પ્રમાણે આ દેશ ક્રમશ: એવો જ બની જશે, પરંતુ તેઓની પાસે એવો કોઈ લક્ષ્ય નિર્ધારક સદગુરુ કદાચ નથી, જે તેમના ખભા પર હાથ મૂકીને ઠપકો આપીને ઊંચા ગિરિશિખરો ભણી આરોહણ કરવા દોરી જાય!

કમસે કમ એકવાર તો ભારતીય પ્રજાએ સરકાર અને રાજકારણીઓને સાઇડ પર મૂકી આત્મદર્શન કરવું હવે અનિવાર્ય છે. આઝાદીના પંચોતેર વરસે આત્મદર્શન જરૂરી છે. એક વખત પણ જો આ પ્રજા પોતાની જાહેર અને સામુદાયિક જવાબદારીઓને સમજતી થાય તો રાજકારણીઓ જેઓ દુર્જન હશે તેઓ આપોઆપ ફેંકાઈ જશે. અને દરેક રાજકારણી દુર્જન હોતો નથી. બારીક નજરે જુઓ તો સ્વાતંર્ત્ર્યોત્તર ભારતની લાખો સમસ્યાઓનો ઉકેલ કોઈ વિદ્વાન, શ્રીમંત કે તપસ્વીએ આપેલો નથી, એ ઉકેલ નાના-મોટા રાજપુરુષોએ જ આપેલો છે. મહર્ષિ અરવિંદ, કે જેમનો પણ આજે સ્વાતંત્ર્ય દિને જન્મદિવસ ઉજવાય છે, તેમણે ભારતીય અને વૈશ્વિક માનવ સમાજના ચૈતસિક વિકાસની વાત કરીને અતિ મનસની અવધારણાને અભિવ્યક્ત કરી હતી.

એક એવો સમાજ જે આધ્યાત્મિક સમજણથી વિકસેલી વિવેકશીલતા દ્વારા મુખરિત હોય અને પારસ્પરિક વિવેકના આધારસ્તંભો પર ઊભો હોય. આપણા પ્રાચીન શાસ્ત્રો અને આધુનિક મીમાંસકોએ ભલે કલ્પના જ કરી હોય તો ય એ કલ્પના એક ખરેખર મહાન ભારતની છે! મેરા ભારત મહાન - આ શબ્દોને આપણે ફિલ્મ સહિતના માધ્યમોમાં કેટલી વાર મજાકમાં પ્રયોજી ચૂક્યા છીએ? શું દુનિયાનો કોઈ દેશ આ પ્રકારે રાષ્ટ્ર પરત્વેની પરિભાષાનો મજાકમાં વિનિયોગ કરતો હશે? દરેક સ્વતંત્રતા પર્વે પ્રજાએ એક દિવસ માટે તો ભલે એક દિવસ માટે, પણ લઘુક વેળા પૂરતું પણ આત્મદર્શન કરવું જોઈએ અને પછી પોતાને જ સદેહે પુનર્જન્મ આપીને પ્રથમ મહાન નાગરિકતાના પંથે પ્રયાણ કરવું જોઈએ. નાના-નાના કરોડો મહાન નાગરિકોના સંમિલિત રૂપવિધાનથી જ કોઈ એક દેશ આખરે મહાન નીવડતો હોય છે!રાજકારણીઓ છે, અનેક પ્રકારના અને બહુરંગી છે તથા તેઓ રહેવાના જ છે. તેઓએ તો સ્વીકારી જ લીધું છે કે, એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે...! રાજકારણીઓ સામે જોઈને પ્રજા એમ ન કહી શકે કે તો પછી એમાં આપણે શું? જે છે તે પ્રજાએ જ તો આખરે ભોગવવાનું આવે છે. 

Tags :