ઇટાલીમાં રહસ્યમય કોરોના
જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સિલ્ક-રૃટ પરાકાષ્ઠાએ ધમધમતો થાય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય છે. બસ્સો વર્ષ પછીના ભવિષ્યના ઇતિહાસકારો આવું પ્રકરણ લખે તો નવાઈ નહીં. ભારત અને યુરોપના દેશો વચ્ચે મરીમસાલાનો સિલ્ક-રૃટ બંધ થયો અને ભારત સુધી પહોંચવાનો દરિયાઈ માર્ગ શોધાયો. અંતે ભારત અંગ્રેજોના તાબા હેઠળ આવ્યું. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં ઇટાલી અને ચાઇના વચ્ચે સિલ્ક-રૃટ એની પરાકાષ્ઠાએ વિકસ્યો હતો. અલબત્ત એ રૃટ હવાઈમાર્ગનો હતો. ઇટાલીના સૌથી ધનિક વિસ્તાર લોમ્બાર્ડી અને ચાઈનીઝ શહેરો વચ્ચે રોજની સેંકડો ફલાઇટની આવનજાવન ચાલુ કરવી પડે એ હદે ચાઈનીઝ કાર્યકરો ઇટાલીના ઉત્પાદન ક્ષેત્રોમાં કામ કરતા હતા. અમુક ઇટાલિયન સત્તાધીશોની વિજ્ઞાાન પ્રત્યેની અણસમજ અને કસમયે અપનાવેલા માનવતાવાદી અભિગમે આખા દેશને કોરોનાના અદ્રશ્ય વાયરસે ઘૂંટણિયે લાવી દીધો.
ઇટાલીમાં છેલ્લા સપ્તાહથી કોરોના કેસની નોંધણીના ઊંચે ચડી રહેલા ગ્રાફમાં સ્થિરતા આવી છે પરંતુ સામેની બાજુ મૃત્યુદર થોડો વધ્યો છે. કહેવા પૂરતી ધરપતની વાત માત્ર એટલી છે કે એક સમયે પરિસ્થિતિ બેકાબુ બની ગયેલી તેને કાબુમાં લેવી હવે અશક્ય લાગતી નથી. પરંતુ વાયરસના ઉદભવસ્થાન ચીન કરતા આજે પણ ઇટાલીની પરિસ્થિતિ બદતર છે. ચાઈનીઝ કાર્યકરો, તેના કુટુંબીજનો અને વિશ્વભરના પ્રવાસીઓના અવિરત આવાગમનને કારણે ઇટાલી પહેલા ચરણમાં યુરોપનું અને જોતજોતામાં સમગ્ર વિશ્વનું 'કોરોના એપીસેન્ટર-દ્વિતીય' બન્યું તેના કરતા પણ વધુ ચિંતાજનક પરિસ્થિતિ હવે સામે આવી રહી છે. પ્રવાસન પર નભતો દેશ ક્યારે બેઠો થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે કારણ કે વિજ્ઞાાનીઓ પણ ચકરાવામાં પડી જાય એવી વિગતો સામે આવી રહી છે.
એવું તો શું થઈ રહ્યું છે ? એ સમજવા માટે ઉદાહરણ માટે ફક્ત એક વ્યક્તિનું ઉદાહરણ લઈએ. ઇટાલિયન ન્યુઝરીડર એલેસાંદ્રો પોલિતી અગિયાર માર્ચના રોજ બધી તકેદારી રાખી હોવા છતાં કોરોના પોઝિટિવ માલુમ પડયો. ત્રીસ વર્ષીય પત્રકારને સહેજ તાવ અને ગળામાં બળતરા સિવાય ખાસ બીજા લક્ષણો હતા નહીં. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ તેને ૧૪ દિવસ માટે અલાયદા રૃમમાં પુરી રાખવો પડયો. એટલા સમયમાં તેના બધા લક્ષણો જતા રાહત. ઇટાલિયન હેલ્થ ઇન્સ્ટિટયુટની ગાઈડલાઇન મુજબ પંદર દિવસ પછી ફરીથી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો તો તેનું રિઝલ્ટ નેગેટિવ આવવાને બદલે પોઝિટિવ આવ્યું. ફરીથી તેને આઇસોલેશન વોર્ડમાં કંટાળાજનક દિવસો કાઢવાનો સમય આવ્યો. પરંતુ રાષ્ટ્રસુરક્ષા અને વાયરસની પ્રાણઘાતક ગંભીરતા સુપેરે સમજતા પત્રકારે હસતા મોઢે આઇસોલેશન પિરિયડ સ્વીકાર્યો. એક અઠવાડિયાના અંતે ફરીથી તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો તો એક પણ લક્ષણ ન હોવા છતાં ફરીથી તેના ટેસ્ટનું રિઝલ્ટ પોઝિટિવ આવે છે. આજ દિવસ સુધી એ યુવાન એક પણ લક્ષણ ન હોવા છતાં આઇસોલેશન વોર્ડમાં છે કારણ કે તે કોરોના પોઝિટિવ છે.
૧૪ દિવસની અંદર કોરોના પોઝિટિવ થયેલા દર્દીના શરીરમાં વાયરસના કોઈ સગડ મળવા ન જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પડેલી માર્ગદશકા મુજબ પણ ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન પિરિયડ પર્યાપ્ત છે. પરંતુ ઇટાલીએ તેના દર્દીઓ માટે ક્વોરન્ટાઇન અવધિ વધારીને ફરજિયાતપણે એક મહિનો લાંબી કરવી પડી છે. આ બાબત ડૉક્ટરો અને વિજ્ઞાાનીઓની સમજની બહાર છે. આવું શું કામ થાય છે એ પ્રશ્ન અત્યારે ગૌણ છે, વધુ મહત્વનો અને ભયનું લખલખું પસાર કરી દે એવો મુખ્ય સવાલ એ છે કે કોઈ પણ લક્ષણ બતાવ્યા વિના અમુક દર્દીઓના શરીરમાં સુષુપ્તાવસ્થામાં પડી રહેલો કોરોના વાયરસ તો વધુ જોખમી કહેવાય. ઘણાં માણસોએ નજીકના જ ભૂતકાળમાં અજાણપણે કોરોના વાયરસના વાહક બનીને બીજા અનેક લોકોમાં એનો ચેપ લગાડયો હોય એવું બનવાજોગ છે કારણ કે અમુક દર્દીઓ લક્ષણોના અભાવે પોતાને દર્દી માનતા જ નથી. કોરોના વાયરસનો આ રાજકારણી સ્વભાવ ઇટાલીમાં પહેલી વખત છતો થયો છે. માથે લટકી રહેલી તલવાર હજુ કેટલા મહિના સુધી ઝળુંબશે તે કોઈ પણ યુરોપિયન કહી શકે એમ નથી.
નિયતિ બહુ ક્રુર હોય છે. ઇટાલીના વિશાળ અને પ્રખ્યાત અખાડા જેવા કોલોઝિયમમાં હજારો વર્ષ પહેલા કાતિલ લડાઈઓ થતી. ગ્લેડીએટર કહેવાતા યોદ્ધાઓના પરસેવા ઉત્તમ સૌંદર્ય પ્રસાધન છે એવું ઇટાલિયન નાગરિકો માનતા જ્યારે રોમન સામ્રાજ્યનો સુવર્ણકાળ હતો. આજે ઇટાલીનું દરેક ઘર અખાડો બની ગયું છે અને દુશ્મન અદ્રશ્ય છે. ફ્રાન્સ પછી સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષતો એ દેશ અત્યારે સ્મશાનવત શાંતિમાં પોઢેલો છે. ખ્રિસ્તીઓના તહેવાર ઇસ્ટર નિમિતે હમણાં નામદાર પોપે સિસ્ટીન ચેપલમાં ચુનીંદા પાદરીઓ સાથે 'સોશ્યલ ડિસ્ટન્સ' જાળવીને ધામક વિધિ કરી. બીજા અમુક સમાજના લોકોની જેમ તે લોકો તેમના ઈશ્વર કોરોના સામે લડી લેશે એવું નથી માનતા તે એક સારી વાત છે.