Get The App

અન્યનું તો એક વાંકું...

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
અન્યનું તો એક વાંકું... 1 - image

વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્યના સંદર્ભમાં ભારતીય પ્રજાને કરકસરયુક્ત જીવનશૈલી અપનાવવા માટે અને કોરોના કાળની સ્વયંશિસ્તનું પાલન કરવા વિવિધ પ્રકારના સાત મુદ્દાઓની સલાહકારી જાહેર કરી છે. દેશના વડા તરીકે, સમગ્ર ભારતીય સમુદાયના મોભી તરીકે તેઓએ ચોક્કસ સમયને સમજવા માટેની જવાબદારી અદા કરી છે, પરંતુ તેમની આ સલાહકારી  સોશિયલ મીડિયામાં બૂમરેંગ સાબિત થઈ છે અને લાખો લોકોએ વડાપ્રધાનની આ સૂચનાઓની સામે પ્રતિસલાહકારી જારી કરી છે. આને કારણે દેશના સોશિયલ મીડિયામાં ભારે ઊહાપોહ મચી ગયો છે, જાણે કે પ્રજા પાસે મોટો દારૂગોળાનો ભંડાર હતો અને એનડીએ સરકારે ચિનગારી ચાંપી! અને એક સાથે અનેક હુમલાઓ ચાલુ થયા.

લોકોએ સરેઆમ કહેવાનું ચાલુ કર્યું કે પહેલા તમારી મોટરકારોના કાફલા ઓછા કરો. અમે તો અમારા પૈસે ગોલ્ડ ખરીદીએ છીએ અને અમારા પૈસા મોટરકાર દોડાવીએ છીએ, પરંતુ તમે તો પ્રજાના પૈસા વિરાટ કાફલાઓ લઈને નીકળો છો. ટ્રાફિક જામ કરો છો. રેલીઓ માટે સરકારી બસો દોડાવો છો ને સંખ્યા બતાવવા બિચારા ગ્રામજનોને તોડાવો છો તો એ બધું પહેલા બંધ કરો. એમાં કાપ મૂકો. એને કારણે દેશના ઘણા ટોચના નેતાઓએ આ વિરોધી દાવાનળને ઠારવા તાત્કાલિક પોતાના કાફલાઓનો છેદ ઉડાડવો પડયો અને વડાપ્રધાને પોતાની માત્ર બે જ મોટર કારોના 'કાફલા' વાયરલ કરવા પડયા. ત્યારે આ ઉકળતા પાણી કંઈક શાંત થયા.

કવિ દલપતરામે શૃગાલમુખમાં મુખમાં સુંદર અંતિમ કાવ્યપંક્તિ મૂકી છે - વાંકદેખા ઊંટને કહેવામાં આવે છે કે - અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે. સોશિયલ મીડિયામાં લોકોએ મોકો ઝડપીને સરકારી મશિનરીના દુરુપયોગ વિશે બેફામ લખ્યું છે. કોઈએ કહ્યું કે નામદાર, તમે તો કહેતા હતા કે કોંગ્રેસ આવશે તો તમારું મંગળસૂત્ર નહિ રહેવા દે, પણ હવે તો આપ ખુદ મંગળસૂત્ર ખરીદવાની ના કહો છો. કેમ આમ? વડાપ્રધાન મોદીએ જ્યારે આ સલાહ-સૂચનોની જાહેરાત કરી ત્યારે એને કલ્પના ન હતી કે લોકો તરફથી કડક પ્રતિક્રિયા આવશે. સોશિયલ મીડિયામાં જે ધમાલ મચી એથી દેશના તમામ રાજનેતાઓ રીતસર ડઘાઈ ગયા અને ચારેબાજુથી જેમ આગ બૂઝાવવા ફાયર ફાઈટરો દોડાવવા પડે એમ ઉપરાઉપરી જાહેરાતો થવા લાગી, જેમાં કોઈ કહે કે હું બસમાં મુસાફરી કરીશ ને કોઈ કહે કે હવે હું માત્ર મારી એક જ મોટરમાં જઈશ ને એમ સતત રિપેરિંગ ચાલુ થયુ. 

જ્યાં સુધી પાંચ રાજ્યોમાં ચૂંટણી હતી ત્યાં સુધી બધું બરાબર હતું, એમ? ૭૫ દિવસથી ચાલતા અખાતી યુદ્ધ અંગે ભારતને કોઈ મોટી તકલીફ ન હતી ને એકાએક જ કેન્દ્ર સરકાર ભાનમાં આવી, એમ? સોશિયલ મીડિયા કે જે મોદીના પ્રચાર ભંડારનું મુખ્ય વાજિંત્ર છે એ જ હવે આ કિસ્સામાં  શઘછ સરકારની વિરુદ્ધ વાગે છે. સરકાર અતિશય વ્યાકુળ થઈ ગઈ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય અખાતી યુદ્ધના પોણા સો દિવસ પછી સરકારને જે ડહાપણની દાઢ ફૂટી છે તેમાં લોકોની પ્રતિક્રિયાથી હવે એ દાઢમાં દુઃખાવો શરૂ થયો છે. પરિસ્થિતિને થાળે પાડવી આસાન નથી. કારણ સ્પષ્ટ દેખાય છે કે જ્યાં સુધી એનડીએ સરકારને પોતાના ચૂંટણી લક્ષી સ્વાર્થના ગિરિ શિખરો ઓળંગવાના હતા ત્યાં સુધી તેઓને તળેટીમાં રહેલી પ્રજાની પીડા તરફ ધ્યાન આપવાનું યોગ્ય લાગ્યું નહીં, અને હવે તેઓએ તમામ સંયોગોને ઉલ્લંઘીને ચોક્કસ સફળતાઓ હાંસલ કરી એટલે પૂછવા આવ્યા કે કેમ છો મજામાં?

રાજનેતાઓના ચરિત્ર ખુલ્લા થઈ ગયા છે અને આમ પણ પ્રજા બધું મનોમન તો સમજતી જ હોય છે, પરંતુ ભારતીય પ્રજાપતિ નથી જેટલી પહેલીવાર આ વખતે એનડીએ સરકાર લોકાભિમુખ સરકાર નથી, પરંતુ ચૂંટણી અભિમુખ સરકાર છે. વધુમાં વધુ તે સ્વપક્ષ અભિમુખ સરકાર છે. એ બધી બાબતોની પુનઃ પ્રતીતિ આ સાત પ્રકારની સલાહકારીએ કરાવી છે. સારા વિકલ્પના અભાવે આગળ વધતો ભાજપનો રથ સોશિયલ મીડિયામાં થંભી જતો દેખાય છે. ચૂંટણીના વિજય પછીનો આ એક નોંધપાત્ર અને ગંભીર પરાજય છે. આર્થર કોએસ્લર કહે છે કે પરાજય સારો નથી, પરાજયનું વ્યસન થઈ જાય છે. એટલે ભાજપ સરકારે આ સાત સલાહકારીના આઘાત-પ્રત્યાઘાતમાંથી જ  પોતાની એક આખી સ્વતંત્ર શ્રીમદ ભાગવત ગીતા તારવી લેવાની રહેશે અને એ પ્રમાણેની રાજકીય જીવન શૈલીને નવા રંગ અને રાગમાં ઢાળી લેવાની રહે છે.