કહાઁ સે આયે બદરા..? .
ભારતીય હવામાનમાં આ વખતે ધરમૂળથી પરિવર્તન જોવાનો અવસર છે. આ વખતના આકરા તાપ પછી તરત જ ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે. આમ તો એને વર્ષા પૂર્વેની ઝરમર કહે છે પણ આ તો બહુ વહેલી છે અને અધિક છે. ચૈત્ર બરાબર તપ્યો પરંતુ વૈશાખ અસલ ન રહ્યો. મોસમ પલટો મારે છે. છતાં લોકજીવનમાં જળ કે પ્રકૃતિ તરફના અભિગમમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. એક તરફ ગ્રામવિસ્તારોમાં પાણીની કટોકટી છે તો બીજી તરફ બેફામ પાણી વહાવી દેનારો વર્ગ પણ છે. બિહાર, ઓરિસ્સા અને બુંદેલખંડમાં પીવાના પાણીની જે કારમી તંગી છે એનાથી દેશ અજાણ છે. ક્યારેક એના છુટક ફોટોગ્રાફ મીડિયામાં ચમકે છે ને પછી શમી જાય છે પરંતુ એનો વિષાદ તો વધતો જ જાય છે.
હવામાનની સૌથી મોટી સમસ્યા એ છે કે દેવોની પ્રિય ભૂમિ ગણાતા ભારતમાં કદાચ પહેલીવાર બહુવિધ સ્તરે કુદરત વિમુખ થવા લાગી છે. પ્રજા પોતે પ્રકૃતિથી વિમુખ થઈ એને તો હજુ ત્રણ-ચાર દાયકા જ થયા છે, પરંતુ છેલ્લા એક દાયકામાં કુદરતની ઉપેક્ષા કરવામાં આપણે જે ઝડપ પકડી એને કારણે વિપરીત પરિણામો પણ ઉતાવળે દેખાવા લાગ્યા છે. દેશભરમાં ગ્રીષ્મની આ મોસમ તેનું મૂળ સ્વરૂપ લુપ્ત કરવા લાગી છે.
હવે એક વાત યાદ રાખવાની છે કે દરેક વરસે આપણને એમ લાગશે કે ગયા વરસ કરતાં તો આ વરસે બહુ ગરમી પડે છે. આ ક્રમ તૂટવાનો નથી કારણ કે જળવાયુ ચક્રની આખી સાંકળ આપણે સ્વહસ્તે તોડી નાંખી છે. આ સપ્તાહે ગુજરાતમાં ક્યાંક વરસાદી છાલક દેખાઈ, ક્યાંક બરફના કરા પડયા અને એ જ સમયે અન્ય વિસ્તારોમાં આકાશમાંથી અગનવર્ષા થતી હતી. દેશના અનેક રાજ્યોમાં હજુ કાળઝાળ ગરમી ચાલુ છે. દિવસ પસાર કેમ કરવો એ જ મુખ્ય સમસ્યા છે. વધતા જતા આ તાપમાનની ભારતીય જનજીવન પર ગંભીર અસરો દેખાવા લાગી છે. અનેક રાજ્યોમાં શાળાઓ મોડી ખુલવાની છે. કેટલીક શાળાઓમાં પરીક્ષા બાકી હતી તે હવે ઊઘડતા વેકેશને લેવાશે.
આપણા દેશને દર ઉનાળે ધોમ તડકામાં જ પરીક્ષા લેવાનું દોઢ ડહાપણ કોણે શીખવાડયું છે ? અને હજુ ય એ કોની પ્રતિજ્ઞાા છે કે પંખા પણ ચાલતા ન હોય એવી ખખડધજ શાળાઓમાં બેસાડીને દેશના કરોડો વિદ્યાર્થીઓની ભરબપ્પોરે જ પરીક્ષા લેવી ? દેશના અનેક શહેરોનું ઉષ્ણતામાન છેતાલીસ ડિગ્રીને ઓળંગવા લાગ્યું છે. આ કેવી ભયાનક આપત્તિ છે એનો કદાચ સરકાર અને પ્રજા બન્નેને ખ્યાલ નથી. અને જેને ખ્યાલ છે એ પર્યાવરણવિદોની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. આ વરસે દેશના સરેરાશ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ જવાની દહેશત છે. ભારતીય હવામાન ખાતાએ જાહેર કરેલી વિગત પ્રમાણે છેલ્લા બે દાયકામાં ઈ. સ. ૧૯૦૧ અને ઈ. સ. ૨૦૧૮ એમ બે જ વરસો દરમિયાન ઊંચામાં ઊંચા તાપમાન નોંધાયા છે.
પરંતુ એમ લાગે છે કે આ વરસ કોઈ નવો વિક્રમ લઈને આવેલું છે. હમણાં મોસમની જાણકારી આપનારી જગખ્યાત વેબસાઈટ એલડોરૈડોએ દુનિયાના સૌથી વધુ ગરમ એટલે કે ગરમાગરમ પંદર સ્થાનોનું લિસ્ટ જાહેર કર્યું છે અને દુર્ભાગ્યે એ તમામ સ્થાનો ભારતમાં છે. એમાં જે પંદર સ્થળો છે એમાંથી નવ મહારાષ્ટ્રમાં, ત્રણ મધ્ય પ્રદેશમાં, બે ઉત્તર પ્રદેશમાં અને એક તેલંગણામાં છે. એ વાત તો બહુ જુની છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે આમ થાય છે. હકીકતમાં આપણા શહેરોમાં ચાલતા વિરાટ બાંધકામોને કારણે પવનની ગતિ મંદ પડી ગઈ છે જે હજુ વધુ મંદ થવાની શક્યતા છે. આસ્ફાલ્ટની સડકો અને કોંક્રિટની ઈમારતો ઉષ્માને પોતાનામાં શોષે છે અને પછી ભર બપોરે અને રાતે એને ફરી બહાર ફેંકે છે. મહારાષ્ટ્ર, આન્ધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં અત્યારે જ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. તમામ મોટા ડેમના તળિયા દેખાવાની તૈયારી છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા ગયા સપ્તાહાન્તે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશના એકાણુ ડેમમાં માત્ર પચીસ ટકા પાણી હવે બાકી રહ્યું છે.વળી આ વખતે વરસાદ પૂર્વેની આગોતરી છાલક એટલે કે પ્રિ-મોનસૂન શાવરમાં પણ પચીસ ટકાની ઘટ નિશ્ચિત છે એટલે એ તો વધારાનું નુકસાન છે. એનો અર્થ એ છે કે ચોમાસાની પૂરેપૂરી જમાવટ થાય એ પહેલા તો દેશમાં પીવાના પાણી માટેની કાગારોળ મચી જવાની છે જે હકીકત છે.