મૃત્યુનો મહિમા કેટલાક વિશેષ અભિગમથી જુઓ તો ક્યારેક જિંદગીથી પણ ક્યાંય અધિક ઊંચાઈએ છે. એ ઘટના માણસની જિંદગીનો એક મહિમાવંત વળાંક છે. સર્વધર્મના શાસ્ત્રોમાં મૃત્યુ એક પવિત્ર પ્રસંગ છે. એ આકસ્મિક હોય અને આઘાતજનક પણ હોય. સ્વજનના મૃત્યુને પરિજનોનું મન ક્યાંય સુધી સ્વીકારી શકતુ નથી.
કોઈ પણ સમાજમાં એવી મજબૂત માન્યતા રહી છે કે પરિવારના કોઈ સભ્યની સેવા ત્યાં સુધી કરવામાં આવે, જ્યાં સુધી તેના પ્રાણ કુદરતી રીતે અનંતયાત્રાએ ન જાય. ખાસ કરીને ભારતીય સમાજમાં આ મુદ્દા અંગે ઊંડો લાગણીસભર અભિગમ રહ્યો છે. ઘણી જગ્યાએ તો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી પણ, દુનિયાના કેટલાક દેશોની આદિજાતિમાં તેને ફરી જીવંત થવાની આશામાં વર્ષો સુધી ઘરમાં જ રાખવામાં આવ્યા હોય.
પરંતુ જ્યારે કોઈ પ્રિયજન એવી સ્થિતિમાં પહોંચી જાય કે જ્યાંથી સામાન્ય જીવનમાં પાછા ફરવાની શક્યતા જ ન હોય, ત્યારે બદલાતા સમય સાથે કાયદાની હદમાં તેને મુક્તિ આપવાની ચર્ચા પણ શરૂ થઈ છે. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૩ વર્ષથી કોમામાં રહેલા એક યુવાન માટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ (Passive Euthanasia)ને મંજૂરી આપવાનો નિર્ણય, ભારતના જીવનના અંતિમ તબક્કાની સારવાર અંગે વિકસતા ન્યાયશાસ્ત્રમાં એક નવો વળાંક છે. અસાધ્ય સ્થિતિમાં કૃત્રિમ જીવનરક્ષક સાધનો દૂર કરવાની મંજૂરી આપતો આ નિર્ણય, અદાલત દ્વારા પહેલેથી નક્કી કરાયેલી પ્રક્રિયાનો પહેલો વ્યવહારુ અમલ છે. આ મામલો એવા દર્દીઓના પરિવારો સામે ઊભી થતી દુઃખદાયક દ્વિધાને સપાટી પર લાવે છે, જેઓના સાજા થવાની કોઈ વાસ્તવિક શક્યતા નથી અને જે માત્ર તબીબી સહાયથી જ જીવંત રાખવામાં આવે છે.
આ કેસમાં તબીબી બોર્ડોએ નિષ્કર્ષ આપ્યો છે કે સતત સારવારનો કોઈ તબીબી હેતુ રહ્યો નહોતો. તે માત્ર જૈવિક અસ્તિત્વને લાંબો સમય સુધી ખેંચવાની વ્યવસ્થા માત્ર હતી. તેમ છતાં, આ મુદ્દે અદાલતની મંજૂરી એક કઠોર સત્યનો સ્વીકાર કરે છે કે જીવનનું ગૌરવ મૃત્યુમાં પણ વિસ્તરવું જોઈએ. ભારતમાં ઇચ્છામૃત્યુ અંગે કાનૂની પ્રગતિ ધીમી રહી છે. આ મુદ્દે પ્રથમ વખત અરુણા શાનબાગ કેસમાં ગંભીર ધ્યાન અપાયું હતું. વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટએ સંવિધાનની કલમ ૨૧ હેઠળ જીવનના મૂળભૂત અધિકાર સાથે ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર પણ સ્વીકારતા આ મુદ્દો મહત્ત્વના તબક્કે પહોંચ્યો હતો. હકીકતમાં, ઇચ્છામૃત્યુ સાથે જોડાયેલી દ્વિધા તેના અમલની પ્રક્રિયા અંગેની અનિશ્ચિતતાને કારણે રહી છે. જેના કારણે પરિવારો અને ડૉક્ટરોને જટિલ પ્રક્રિયા અને કાનૂની ચિંતાઓનો સામનો કરવો પડે છે.
તાજેતરના નિર્ણયથી પણ માત્ર ન્યાયિક માર્ગદર્શિકાઓ પર નિર્ભર રહેવાની મર્યાદાઓ સ્પષ્ટ થઈ છે. એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ અદાલતે પણ નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ, લિવિંગ વિલ અને જીવનના અંતિમ નિર્ણયોને નિયંત્રિત કરનારા વ્યાપક કાયદાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આવા કાયદામાં નૈતિક સંવેદનશીલતા અને પ્રક્રિયાત્મક સ્પષ્ટતા વચ્ચે યોગ્ય સંતુલન હોવું જરૂરી છે. આ પ્રક્રિયા નબળા દર્દીઓને દુર્વ્યવહારથી સુરક્ષિત રાખે અને સાથે સાથે પરિવારો તથા તબીબી વ્યાવસાયિકોને કાનૂની પરિણામોના ભય વિના નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે તે પણ મહત્ત્વનું છે. આ માટે સ્પષ્ટ પ્રોટોકોલ, પારદર્શક તબીબી મૂલ્યાંકન અને દર્દીની સ્વાયત્તતાનું સન્માન જરૂરી છે. અંતે નિષ્કર્ષ એ છે કે જ્યારે સારવાર શક્ય ન હોય, ત્યારે માત્ર તબીબી ઉપાયોથી દર્દીની પીડાને લાંબી ખેંચવી યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટની અસરકારક સલાહને ધ્યાનમાં રાખીને દેશના નીતિનિર્માતાઓએ માનવીય કાનૂની માળખું બનાવવાની દિશામાં ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, જે અનિવાર્ય પરિસ્થિતિમાં વ્યક્તિને ગૌરવ સાથે જીવવા અને મરવાની પરવાનગી આપે. દેશમાં આ મુદ્દે સંવેદનશીલ કાયદો બનાવવાની તાત્કાલિક જરૂરિયાત અનુભવાઈ રહી છે. સાથે સાથે એવો કાયદો બનાવતી વખતે માનવીય સંવેદના અને કાનૂની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી રહેશે. તેમજ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ સ્વાર્થી તત્ત્વો પોતાનાં સંકીર્ણ હિતો માટે કોઈ વ્યક્તિ પર દબાણ બનાવી ઇચ્છામૃત્યુ માટે પરિસ્થિતિ ઊભી ન કરી શકે. વિશ્વના ઘણા વિકસિત દેશોમાં પણ આવી આશંકાઓને કારણે ઇચ્છામૃત્યુને કાનૂની સ્વીકૃતિ આપવાથી અંતર રાખવામાં આવે છે. આ મુદ્દો અત્યંત જટિલ છે અને તેની યોગ્ય વ્યવસ્થા માટે કાનૂની સ્પષ્ટતા તથા કડક દેખરેખ બંને જરૂરી છે.


