For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચનશૂન્ય શિક્ષકો .

Updated: Jan 14th, 2023

Article Content Image

પોતાનું કલ્યાણ કરવાની કુશળતા જેનામાં છે, એનામાં વાંચન અને લેખનની આવડત હોય છે અને એ કંઈ જન્મજાત પ્રાપ્ત થતી નથી. બાળપણમાં સૌના અક્ષર ગાંધીજી જેવા જ હોય છે. ગાંધીજીની તો પ્રતિભા એટલી વિરાટ હતી કે અક્ષરો તેમની મર્યાદા ન બન્યા, પછી ગાંધીજીએ પોતે જ કહ્યું કે સારા અક્ષર ન હોય એ અધૂરી કેળવણીની નિશાની છે. આપણા દેશમાં સૌથી મોટી ચિંતાનો વિષય આપણા શિક્ષકોનું અલ્પ વાંચન છે. શિક્ષકોનું વાંચવાનું ઠેકાણું ન હોય તો વિદ્યાર્થીઓ વધારાનું તો શું વાંચે? શિક્ષકો વર્ગખંડમાં જે ભણાવે છે એમાં પાઠયપુસ્તકનો ઉલ્લેખ વારંવાર કરે છે, પરંતુ સંદર્ભ પુસ્તકોનો ઉલ્લેખ કરતા નથી.

કોઈવાર શિક્ષક એમ કહે કે ગઈકાલે રાત્રે હું ગુણવંતરાય આચાર્યની નવલકથા 'દરિયાલાલ' વાંચતો હતો એમાંનો એક પ્રસંગ તમને કહુ. આવો કોઈ પ્રસંગ કહેતા માત્ર પાંચ મિનિટ લાગે, પરંતુ કોઇ વાંચતા હોય તો કહે ને? અથવા એમ પણ કહે કે કાલે મારા હાથમાં એક અજબ પુસ્તક આવ્યું એના લેખક રોબર્ટ કાયોસાકી છે. એ પુસ્તકનું નામ છે 'રિચ ડેડ પુઅર ડેડ'. ગરીબ પિતા એવી શું ભૂલ કરે છે કે જેને કારણે એમનાં સંતાનો ગરીબ જ રહી જાય છે અને શ્રીમંત પિતા એવી શું કમાલ કરે છે કે તેમનાં સંતાનો પણ અધિક શ્રીમંત થાય છે. જે શિક્ષકે આ પુસ્તક વાંચ્યું ન હોય એ પછીથી એ સત્ય તો કેમ સમજાવી શકે કે દુનિયાના નેવુ ટકા લોકો જેટલું કમાય છે એટલો જ ખર્ચ કરે છે. એને કારણે તેમનામાં આર્થિક - નાણાંકીય સ્વતંત્રતા કદી આવતી જ નથી. અને જેમની પાસે નાણાંકીય સ્વાતંત્ર્ય ન હોય તેઓ પોતાની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવી શકતા નથી.

પુસ્તકોની દુનિયા અજાયબ છે. જેમ આકાશગંગામાં અગણિત તારાઓ છે અને બ્રહ્માણ્ડમાં અસંખ્ય આકાશગંગાઓ છે એમ પુસ્તકોની કેડીઓ અનંત યાત્રાએ આપણને લઈ જાય છે, પણ એય બધા માટે નથી. જેનામાં આસન સિદ્ધ કરીને બેસવાની આવડત હોય અને જેનું મન ભટકતું ન હોય એની સામે જ પુસ્તક પોતાનું હૃદય ખોલે છે. એ વિશાળ અને ઘટાટોપ વનરાજિ છે. લાયબ્રેરીમાં જાઓ તો નવલકથાની દળદાર ડાળ થડ જેમ ઝૂકેલી હોય. કોઈ કબાટની બહાર આવવા કાવ્યપંખીઓ કાચની પાછળ જ ઉડાઉડ કરતા હોય. પુસ્તકાલયોના કબાટમાં લેખકોની જે સર્જનાત્મક જિંદગીઓ ધબકે છે એ તો એ લેખકો હયાત ન હોય પછી પણ ધબકતી રહે છે, પણ એવા એ મીઠા-મધુરા પરબ પર ખોબો ધરીને જ્ઞાાનવિજ્ઞાાનવારિ ઘટક ઘટક પીનારા હવે ક્વચિત જ મળે છે.

અત્યારે માત્ર સ્વાર્થ માટેનું વાંચન થઈ ગયું છે અથવા તો નાગરિકોનો એક મોટો સમૂહ કારણ વિના રાજકારણની ચર્ચામાં રહે છે. જેમાં લાભ ન હોય કે લોભ ન હોય એવાં પુસ્તકો વાંચીને શું કરીશું એમ માનનારો એક મોટો વર્ગ છે, પરંતુ એની સામે અસલ સંતો-મહંતોની કથા વાર્તાઓ દ્વારા પરમ તત્ત્વ અને કલાતત્ત્વ બંનેનું રસપાન કરનારો વર્ગ પણ એક મોટો વર્ગ છે. સમાજમાં સમજણના અભાવે સુખી લોકોની સંખ્યા ઘટતી જાય છે, કારણ કે સુખને સમજણ સાથે સંબંધ છે, સાધન સંપન્નતા કે સગવડ સાથે નહીં. આનું એક મોટું કારણ એ છે કે વિશેષ વાંચન તરફ પ્રજા હવે બહુ અભિમુખ નથી.

વાંચન આપણને વિચારવાની પદ્ધતિ અને વિવિધ અભિગમ દ્વારા વસ્તુસ્થિતિને સમજવાની કુશળતા આપે છે. કોઈ પણ પ્રકારનું વાંચન કંઈ ને કંઈ જ્ઞાાન આપીને જ જાય છે. વાંચનમાં કોઈ શોર્ટકટ નથી કે કોઈ એવું મેજિક નથી કે તમે પુસ્તકને સ્પર્શ કરો અમે આત્મસાત થઈ જાય. તે માટે સમય આપવો પડે છે. સમય તો સૌ પાસે સરખો જ છે, પણ પુસ્તકો માટે કોઈ પાસે સમય નથી. છતાં વાસ્તવિકતા એ છે કે ટેકનોલોજીનો વિકાસ થયા પછી પુસ્તકોનો પ્રચાર-પ્રસાર પણ બહુ થયો છે. ઓનલાઇન પુસ્તકો પણ એટલાં બધાં છે, જેમાં એક પૈસાનો પણ ખર્ચ કર્યા વિના તમે વાંચી શકો છો ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ મેળવીને મુદ્રિત સ્વરૂપે પણ જોઈ શકો છો. કેટલાકમાં પૈસા ચૂકવવા પડે પણ એ તો પછીની વાત છે.

જે બાળકોએ પોતાનાં માતા-પિતાને ઘરમાં કદી વાંચતા કે લખતા જ જોયાં નથી, એને એમ લાગે છે કે અમારે એકલાએ જ આ બધું વાંચવાનું આવ્યું છે. શાળાએથી ઘરે આવ્યા પછી ઘરમાં તો એને જુદા જ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. આપણને ખબર નથી હોતી અને આપણા હોઠ બંધ હોય છે, પરંતુ બાળકો સાથે તો આપણું વર્તન વાતો કરતું હોય છે. પોતાના ભવિષ્ય માટેનો ઘણો સરસામાન અને સંસ્કાર બાળકો આપણા વર્તનમાંથી પસંદ કરી લેતા હોય છે. વળી એની આપણને શરૂઆતમાં તો જાણ હોતી નથી. હવે જ્યારે જાણ થાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. સદભાગ્યે માતા અને પિતા બંનેમાં વાંચનની અભિરુચિ હોય તો એમના બાળકોની પુસ્તકો સાથે ગાઢ દોસ્તી બંધાય છે.

Gujarat