સત્તાધીશોની ઇચ્છાશક્તિની અછત અને અમલવારી એજન્સીઓની બેદરકારીને કારણે ખનન માફિયાઓ આજકાલ દેશમાં છવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં ખનન ચાલે છે ને એમાંથી કરોડો રૂપિયા આ માફિયાઓ ખણન ખણન કરતા તિજોરી ભેગા કરે છે ને પછી એમાં ભાગ પડે છે. એ કાળાં કરતૂતોનાં કાળા નાણાંમાં કોનો કોનો ભાગ હોય છે એ હવે તો આખો દેશ જાણે છે. એમાં કંઈ ખાનગી નથી. ક્યાંક ને ક્યાંક નાગરિકોની ઉદાસીનતા પણ તેના મૂળમાં છે. પંજાબના રૂપનગર (રોપડ) જિલ્લામાં આવેલી શિવાલિક પર્વતમાળાઓમાં થઈ રહેલા વિનાશકારી ખનન એ ભયાનક પરિસ્થિતિ દર્શાવે છે, જેની આકરી સજા આવનારી પેઢીઓએ ભોગવવી પડશે. કારણ સ્પષ્ટ છે કે અંધાધૂંધ ખનનથી શિવાલિક પહાડીઓના પર્યાવરણતંત્રને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. નીતિ અને અમલ વચ્ચેની ખાઈમાં પર્યાવરણ સંબંધિત ગુનાઓ કેવી રીતે અને કેટલી ઝડપથી વિકસે છે એનાં પ્રમાણો અરવલ્લીથી સાતપડા ને હિમાલયથી કુન્નુરની ટેકરીઓ સુધી જોવા મળે છે.
પ્રશાસનના નાક નીચે જ ભારે મશીનોનો ખુલ્લેઆમ ઉપયોગ કરીને ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. આજકાલ પંજાબના પર્વતીય વિસ્તારમાં આખી પહાડીઓને સમથળ કરવામાં આવી રહી છે. પંજાબની આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની કૂણી નજર વિના વિરાટ ફલક પર પહાડોનું નિકંદન કાઢવાનો આવો રાતદિવસનો મહા ઉદ્યમ શક્ય નથી એ પણ સમજી શકાય છે. કેજરીવાલના લિકર લાયસન્સ પ્રકરણ જેવું જ આ એક વિરાટ કૌભાંડ છે. જે હાલત અને 'સમજણ' ગુજરાતના વિરોધ પક્ષ તરીકેના કોંગ્રેસ પક્ષમાં છે એ જ લોકશાહીની કુસંસ્કારિતા પંજાબના વિપક્ષ તરીકે ત્યાંના પ્રદેશ ભાજપમાં છે. ખનન માફિયાના ભાગીદારોની યાદી રાજનેતાઓથી ઉચ્ચાધિકારીઓ સુધીની બહુ લાંબી છે. સામાન્ય પ્રજાને કલ્પના પણ નથી એવી અધધ પ્રજાલક્ષ્મીની આ ખુલ્લેઆમ લૂંટફાટ છે.
આપણા પર્યાવરણ માટે આ ગંભીર પડકાર છે. આ નુકસાન શિવાલિક પહાડીઓના મૂળ પર્યાવરણલક્ષી કાર્યો, જેમ કે ભૂગર્ભ જળનું પુનર્ભરણ, જમીનની સ્થિરતા અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ જેવા જીવનરક્ષક લક્ષ્યોને ગંભીર રીતે અસર કરે છે. વાસ્તવમાં શિવાલિક પર્વતમાળા ભૂ-રચનાની દ્રષ્ટિએ નવી રચાયેલી છે અને સ્વાભાવિક રીતે અસ્થિર છે. કોઈપણ સ્થળે અનિયંત્રિત ખોદકામથી જમીન ધોવાણ ખૂબ ઝડપથી વધે છે, જેના કારણે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થાય છે. આ વિસ્તારોમાં કાંપ જમા થવાની સમસ્યા પણ ગંભીર બને છે. સમય જતા પાણીના નિકાલના રસ્તાઓમાં અણધાર્યા ફેરફારો જોવા મળે છે. સર્વવિદિત છે કે એકવાર આ પહાડીઓને ગેરકાયદે કાપીને સમતલ કરી દેવામાં આવે, તો તેનું મૂળ સ્વરૂપ ફરી પ્રાપ્ત કરવું અશક્ય બની જાય છે.
રમણીય પર્વતમાળાનું કુદરતી સુરક્ષા તંત્ર નીચાણવાળા મેદાની વિસ્તારોને પૂરથી અને પાણીની તંગીથી બચાવે છે. આ વિસંગતિ કહેવાય કે જવાબદાર અધિકારીઓ દલીલ કરે છે કે આ વિસ્તારમાં ખનન પ્રક્રિયા પર્યાવરણ સંબંધિત મંજુરીઓના આધારે કરવામાં આવી રહી છે. સાથે જ તેઓ કહે છે કે આવી મંજુરીઓનું ઉલ્લંઘન કરનારાઓ પર દંડ ફટકારવામાં આવે છે જે હાસ્યાસ્પદ છે. પરંતુ હકીકત ત્યારે સામે આવે છે જ્યારે સ્થાનિક લોકો રાત્રિના સમયે થતા ખનન, નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને મોટા પાયે પહાડી વિસ્તારોમાં પથ્થરમાં ટોટા ફોડવાના આક્ષેપ કરે છે. આવી પરિસ્થિતિમાં અધિકારીઓની તમામ દલીલો ખોખલી સાબિત થાય છે. હકીકતમાં પ્રશ્ન નિયમ-કાયદાની અસરકારકતાનો નથી, પરંતુ અમલવારી એજન્સીઓની ઉદાસીનતા મૂળ સમસ્યા છે.
વસ્તુસ્થિતિથી માહિતગાર હોવા છતાં આ એજન્સીઓ આવાં આપરાધિક કૃત્યો સામે આંખ મીંચીને બેસી રહે છે. ખનન સાથે સંકળાયેલા ઠેકેદારોને આપરાધિક તત્ત્વો અને રાજનેતાઓનું સંરક્ષણ મળવું પણ મોટી ચિંતાનો વિષય છે. તેમાં બે મત નથી કે જ્યારે ગેરકાયદે ખનન સામે જમીનસ્તરે દેખરેખ રાખવાને બદલે માત્ર કાગળ પરની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે ગેરકાયદે ખનનને પ્રોત્સાહન મળે છે. આ ગેરકાયદે ખનન માત્ર પંજાબની શિવાલિક પહાડીઓ પૂરતું સીમિત નથી, સમગ્ર ભારતમાં પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદે ખનન સતત પર્યાવરણ સંબંધિત કાયદાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. વાસ્તવમાં ગેરકાયદે ખનન સામે માત્ર દંડ ફટકારવાને બદલે પ્રતિબંધિત વિસ્તારોનું કડક સીમાકન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે.


