Get The App

મણિપુરમાં સમાધાનકારક શાંતિ .

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
મણિપુરમાં સમાધાનકારક શાંતિ                      . 1 - image

હિંસાગ્રસ્ત મણિપુરનું સંકટ બે વર્ષથી વધુ સમયથી અસાધ્ય લાગતું હતું. એના ઘણાં કારણો હતાં. સામુદાયિક આંતર વિગ્રહ એનું મુખ્ય કારણ હતું. જનજાતિઓમાં હવે એવા કોઈ નેતા રહ્યા નથી કે જે તેઓને સમજાવે કે મહાનગરોની આધુનિક સંસ્કૃતિના આક્રમણ સામે તેમણે સંપીને રહેવું કેટલું જરૂરી છે. દરિદ્રતા સાથે આવતાં ઈતર સંકટોમાં એક વૈમનસ્ય પણ છે. હવે  કેન્દ્ર સરકાર અને રાજ્યના બે મુખ્ય જૂથો વચ્ચે થયેલા ઓપરેશન સસ્પેન્શન કરારથી મુશ્કેલીગ્રસ્ત મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અને સામાન્યતા જાળવવાના પ્રયાસોને મજબૂત બનાવવાની આશા જાગી છે. વિવિધ સ્થાનિક નેતાઓ પણ સર્વનાશની દશા જોઈને કંઇક કૂણા પડયા છે. આ વખતનો પ્રયાસ રાજ્યની પ્રાદેશિક અખંડિતતાને સુનિશ્ચિત કરશે એમ લાગે છે.

કરાર પછી, સંવેદનશીલ વિસ્તારોમાંથી નિયુક્ત શિબિરોને ખસેડવા અને રાજ્યમાં લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પણ એક કરાર થયો છે. મણિપુરની પ્રજા માથે સમળીની જેમ સતત ચકરાવા લેતી પોલીસ ટુકડીઓ હવે સંકેલાઈ રહી છે. ધોરિમાર્ગો ખુલ્લા થવા લાગ્યા છે ને પુરવઠા સાંકળ ફરી ચાલુ થઈ ગઈ છે. આ જ સમયે, એ પણ મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે આ ઉત્તરપૂર્વીય રાજ્યની મુલાકાત લઈ શકે છે. વિપક્ષ લાંબા સમયથી ડિમાન્ડ કરી રહ્યો છે કે વડાપ્રપ્રધાન મણિપુરની મુલાકાત કેમ નથી લેતા. મે ૨૦૨૩માં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી વડાપ્રધાનની આ સંવેદનશીલ રાજ્યની પહેલી મુલાકાત હશે. ભૂતકાળમાં, વિપક્ષ સતત આરોપ લગાવતું રહ્યું છે કે કેન્દ્રએ મણિપુરને પોતાના ભાગ્ય પર કે ભગવાન ભરોસે છોડી દીધું. વિપક્ષે ડબલ એન્જિન સરકાર દરમિયાન રાજ્ય પર સતત ગેરવહીવટ અને પક્ષપાતપૂર્ણ શાસનનો આરોપ પણ લગાવ્યો.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે શાસક ભાજપે રાજ્યમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા હોવા છતાં, એન. બિરેન સિંહને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખ્યા હતા. વધુમાં, તેમના પર મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તટસ્થતા ન દાખવવાનો અને હિંસા પ્રત્યે અસંવેદનશીલ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં, વિપક્ષના દબાણ વચ્ચે, તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. ત્યારથી, રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ કાર્યરત છે. તાજેતરના મહિનાઓમાં પ્રમાણમાં શાંતિનું એક મુખ્ય કારણ એ છે કે રાજ્યના અધિકારીઓની અપીલના જવાબમાં ઘણા આતંકવાદીઓએ લૂંટાયેલાં શસ્ત્રો કાયદા અમલીકરણ એજન્સીઓને પરત કર્યા છે. સરકારના અધિકારીઓએ તબક્કાવાર લોકોનો વિશ્વાસ જીત્યો છે.

ચોક્કસપણે, તાજેતરના કરારને મણિપુરના હિતમાં લેવાયેલું એક આવકાર્ય પગલું કહેવામાં આવશે. હજુ કેટલાક જટિલ મુદ્દાઓ જોકે ઉકેલવાના બાકી છે. આ ઝુંબેશમાં વિવિધ હિસ્સેદારોને સામેલ કરવાની જરૂર છે. રાજ્યના એક પ્રભાવશાળી નાગરિક સમાજ જૂથ, કુકી-ઝો કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે તે મેઇતેઈ અને કુકી-ઝો વિસ્તારો વચ્ચેના બફર ઝોનમાં અનિયંત્રિત અથવા મુક્ત હિલચાલના પક્ષમાં નથી. એ મણિપુરમાં નાગાઓના સર્વોચ્ચ સંગઠને ભારત-મ્યાનમાર સરહદ પર મુક્ત હિલચાલ અને વાડ નાબૂદ કરવાનો વિરોધ કર્યો છે. અહીં ઘુસણખોરોની સમસ્યા ગંભીર છે. બંગાળની પ્રજાએ મમતા બેનરજીની વોટબેન્ક તરીકે આગંતુક વિદેશીઓ કે બાંગ્લા લોકોને સ્વીકારી લીધાં એવી ભૂલ મણિપુરની પ્રજા કરે એવી નથી. મણિપુરને ખબર જ છે કે દર એક વિદેશી ઘુસણખોર તેના અધિકારો પરનું ગંભીર આક્રમણ છે.

જનજાતિઓના પ્રમુખ સંગઠને રાજ્યમાં તમામ વિસ્તારોમાં વેપાર પ્રતિબંધ લાદવાની ચેતવણી પણ આપી છે. રાજ્યમાં વંશીય સંઘર્ષનું મુખ્ય કારણ બહુમતી મેઇતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેળવવાની માંગ રહી છે. આ માંગથી ઉદભવતા સંઘર્ષને ઉકેલવા અને કુકી અને નાગા લોકોનો વિશ્વાસ પાછો મેળવવા માટે પ્રાથમિકતાના ધોરણે પ્રયાસો કરવાની જરૂર છે. મોદી સરકારે સામાન્યતા તરફ આગળ વધવા માટે હવે કોઈ સમય બગાડવો જોઈએ નહીં. મણિપુરીઓ પહેલેથી જ આ રાહત માટે લાંબા સમય સુધી રાહ જોઈ ચૂક્યા છે. કુકી-ઝો કાઉન્સિલે રાષ્ટ્રીય ધોરિમાર્ગ-૨ ખોલવાનો અલગથી નિર્ણય લીધો છે તે સારું છે.