Get The App

આ અબ લૌટ ચલે .

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
આ અબ લૌટ ચલે                                       . 1 - image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તીવ્ર દબાણ અને મધ્ય પૂર્વીય દેશોના પ્રયાસોને પગલે, ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અમલી બને છે. આ કરાર કેટલો સમય ચાલશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે કરાર પછી પણ ઇઝરાયલે ગાઝાના કેટલાક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. એ કહેવું મુશ્કેલ છે કે શું ટ્રમ્પ ખરેખર ગાઝાના લોકો માટે ન્યાય ઇચ્છે છે કે સમાધાન મેળવવાના તેમના પ્રયાસો નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટેના વધારાના ફાંફા હતા? ટ્રમ્પ જેવા તુઘલખની મુદત રાષ્ટ્રપ્રમુખ તરીકે તો ચાર વરસથી ઓછી હોવી જોઈએ પરંતુ આ વિનાશકારી શાસકને સમજવા માટે ઈતર દુનિયાને ચાર અને એના પછીના આ ચાર વરસ ઓછા પડી રહ્યા છે. ખરેખર, નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત અને યુદ્ધવિરામની જાહેરાતની તારીખો એકસરખી હતી એ વિધિની વિચિત્રતા અને ટ્રમ્પ માટે દુઃખદ યોગાનુયોગ હતો.

નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની ટ્રમ્પની ઉત્સુકતાએ વિશ્વની નંબર વન મહાસત્તાના નેતાની મજાક તો પૂરેપૂરી ઉડાવી લીધી છે. તેમ છતાં, ગાઝામાં શાંતિ પ્રયાસોની સફળતા આવકાર્ય છે. જો કે, ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસ પર આ કરાર સુધી પહોંચવા માટે ભારે દબાણ કર્યું. દબાણ હેઠળ થયેલ આ કરાર કેટલો સમય ચાલશે તે કહેવું મુશ્કેલ છે. કરાર પછી પણ, ઇઝરાયલી બોમ્બમારો એક દુઃખદ મુદ્દો છે. સમય જ કહેશે કે હમાસ ૨૦-મુદ્દાના કરારનું પાલન કેટલો સમય કરશે. કરારની શરતોમાં હમાસનું નિઃશસ્ત્રીકરણ અને ગાઝામાં તેના વહીવટી હસ્તક્ષેપનો અંત સામેલ છે. જે આ કરારનો સૌથી અઘરો હિસ્સો છે. આરબ દેશોના દબાણ હેઠળ વાટાઘાટોના ટેબલ પર આવેલું હમાસ આ શરતોનું પાલન કેટલા સમય સુધી કરી શકશે તે ખરે જ કલ્પનાનો વિષય છે. ટ્રમ્પે સમાધાન નહીં કરે તો તેનો નાશ કરવાની ધમકી આપ્યા બાદ તે વાટાઘાટોના ટેબલ પર આવ્યું હતું.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષ લાંબા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ આ શાંતિ યોજના રજૂ કરી હતી. હિસ્સેદારોએ ઇજિપ્તમાં યોજાયેલી વાટાઘાટોમાં તેને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેના કારણે આ મુશ્કેલીગ્રસ્ત પ્રદેશ અને પશ્ચિમ એશિયામાં શાંતિની આશા જાગી હતી. ખરેખર, આ સંઘર્ષ માત્ર ગાઝા જ નહીં પરંતુ લેબનોન, યમન અને ઈરાનને પણ ઘેરી લીધું હતું. હકીકતમાં, આ સંઘર્ષ બે વર્ષ પહેલાં શરૂ થયો હતો જ્યારે હમાસના આતંકવાદીઓ ૭ ઓક્ટોબરે ઇઝરાયલમાં ઘૂસી ગયા હતા અને વિનાશ મચાવ્યો હતો. તે હુમલામાં ૧,૨૦૦ ઇઝરાયલી અને કેટલાક વિદેશીઓ માર્યા ગયા હતા, અને હમાસના હુમલાખોરોએ ૨૫૦ લોકોને ગાઝામાં બંધક બનાવ્યા હતા. ઇઝરાયલના બદલો લેવાના હુમલાઓમાં ૬૫,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવે છે.

આજે, ગાઝા એક ભૂતિયા ખંડેર શહેરમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે લાખો લોકોને વારંવાર ભાગી જવાની ફરજ પડી છે. હવે તેઓ પાછા ફરવા લાગ્યા છે પરંતુ ચોતરફ ખંડેર અને એક પુરાતત્ત્વીય સાઈટ હોય એવા દૃશ્યો દેખાય છે. વિડંબના એ છે કે, હમાસના ક્રૂર હુમલાઓના જવાબમાં ઇઝરાયલે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હોવા છતાં, આ હુમલાઓનો ભોગ સામાન્ય પેલેસ્ટિનિયન નાગરિકો બન્યા. મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલો અને તમામ જાહેર સેવાઓનો નાશ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ પુષ્ટિ આપી છે કે ગાઝામાં લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા હતા કારણ કે ઇઝરાયલે રાહત પુરવઠાના તમામ માર્ગો પણ બંધ કરી દીધા હતા. ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા દેખરેખ હેઠળના કથિત રાહત વિતરણ કાર્યક્રમ દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં હજારો પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા. આખરે, આ સંઘર્ષ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સંઘર્ષમાં પરિણમ્યો. હુતી બળવાખોરો સાથેના સંઘર્ષ બાદ, લડાઈ ઈરાન સુધી ફેલાઈ ગઈ.

હુતી હુમલાઓએ સમુદ્ર માર્ગે વૈશ્વિક વેપારને ગંભીર અસર કરી. જો કે, હવે જ્યારે ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ માટે સંમત થયા છે, ત્યારે કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો કરવા જોઈએ. જો કે, વર્તમાન પરિસ્થિતિને જોતાં, એ આગાહી કરવી મુશ્કેલ છે કે શું ઇઝરાયલ, જે ખૂબ જ આક્રમક વલણ દર્શાવી રહ્યું છે, ભવિષ્યમાં ચૂપ રહેશે. હમાસે વીસ ઇઝરાયલી બંધકો અને માર્યા ગયેલા લોકોના મૃતદેહ પરત કરવા સંમતિ આપી છે. બદલામાં, ઇઝરાયલ હજારો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરે તેવી અપેક્ષા છે, જેમાં કેટલાક હમાસ લડવૈયાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોની વાપસી પણ એક પૂર્વશરત છે.