Get The App

બેઠો થતો આતંકવાદ .

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
બેઠો થતો આતંકવાદ                                   . 1 - image

દિલ્હી બ્લાસ્ટમાં જૈશ એ મોહમ્મદનો વડો મસૂર અઝહર ઊંડે ઊંડેથી સંકળાયેલો છે. મસૂદના વિવિધ આંતરરાષ્ટ્રીય કનેક્શનમાં એક હમાસ છે. ભારતમાં ઈસ્લામિક સ્ટેટની જાળ સૌથી વ્યાપખ કેરળમાં ફેલાયેલી છે. દિલ્હી બ્લાસ્ટનાં ઘણાં ડાયમેન્શન છે, જે કેન્દ્ર સરકારની એજન્સીઓએ ઉકેલવાના છે. કાશ્મીરનું કનેક્શન જેમ પાકિસ્તાન સાથે છે તેમ કેરળનું અનુસંધાન ભૂગર્ભ રીતે ઈરાક અને સિરિયામાં છેલ્લા અવશેષરૂપ કેમ્પ ધરાવતા ઈસ્લામિક સ્ટેટ સાથે છે. ભારતીય જાસૂસી સંસ્થાઓએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ માહિતી આપી છે કે શ્રીલંકાથી પંદર જેટલા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે કેરળ થઈને ભારતમાં પ્રવેશવા રવાના થઈ ગયા છે. આ હકીકત જાહેર થવાને કારણે હવે તેઓ કિનારો બદલી પણ નાખશે. છતાં દક્ષિણ ભારતના કાંઠાળ રાજ્યોને સરકારે સાવધ કર્યા છે.

થોડા સમય પહેલા શ્રીલંકામાં આત્મઘાતી વિસ્ફોટો કરનારા આતંકવાદીઓ પણ તેમના મિશન પર જતાં પહેલા કેરળમાં રોકાયા હતા. ભારતમાંથી ઈસ્લામિક સ્ટેટમાં લડાયક યોદ્ધા તરીકે જોડાનારા સૌથી પહેલા કેરળના ટેકનિકલ સ્નાતકોની એક ટુકડી હતી. ત્યારથી આજ સુધીમાં ચાલીસેક ટોચના અન્જિનીયરો આઈએસમાં જોડાયા હતા. તેઓ એકાએક જ ગુમ થઈ ગયા હતા. તેમાંના કેટલાક તો પત્ની અને બાળકો સહિત સિરિયા પહોંચ્યા હતા. એ ટ્રેન્ડ ખતરનાક હતો. તેમાંના જ કેટલાક હજુ પણ અખાતી દેશોમાં છુપાઈને ભારતીય ઉપખંડમાં અશાંતિ ફેલાવવામાં સક્રિય છે. તેઓ આતંકવાદીઓની નવી વિકસતી બૌદ્ધિક પાંખના બહુ શરૂઆતના સભ્યો હતા. હવે ડૉક્ટરો એમાં ઉમેરાતાં જાય છે.

એની હયાતી વખતે ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બકરે લંકન હુમલાઓ પછી શેખી મારતા તેના બકવાસમાં જે કંઈ કહ્યું એનો પરોક્ષ અર્ર્થ જ એવો થતો હતો કે ભારતીય ઉપખંડમાં અરાજકતા ઊભી કરવા માટે તેની પાસે આતંકવાદીઓનું પૂરતું સંખ્યાબળ છે. ભારતમાં કાશ્મીર સિવાયના પ્રદેશોમાં આતંકવાદી સંભવિત હુમલાઓ સામેની સાવધાની રાતોરાત કેળવવી સરકાર માટે આસાન નથી. જાસૂસો થોડી અપૂરતી માહિતી આપતા હોય છે અને એને આધારે સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરો સુધી આગોતરા પહોંચવાનું હોય છે. લંકાથી આવી રહેલા પંદરેક આતંકવાદીઓ કોઈ એક બોટમાં ટીમ બનીને આવતા હોતા નથી. તેઓ જુદા જુદા માર્ગે ભારતમાં આવવાની અધિક સંભાવના છે, જેમાં બંગાળનો અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત પણ તેઓ પસંદ કરે એવી દહેશત છે. સરકાર માટે આ પડકાર બનશે. 

આતંકવાદીઓ સામે કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહી એકદમ આક્રમક તબક્કામાં છે ત્યારે જ દક્ષિણમાં આતંકવાદના નવા મોરચા ખુલવાની ભીતિ જાહેર થઈ છે. અગાઉ દક્ષિણ કાશ્મીરના નાનકડા ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે થયેલી સૈન્યની જીવ સટોસટની અથડામણમાં કુખ્યાત આતંકવાદી ઝાકિર મુસાને સૈનિકોએ ભીષણ જંગ ખેલીને મોતને ઘાટ ઉતાર્યો. આ ઘટના સૈન્યની એક મોટી સફળતા હતી. અંસાર- ગઝવત- ઉલ-હિન્દ નામક એક સંગઠન કાશ્મીરમાં સક્રિય છે. આમ તો આ સંગઠન અલ કાયદાની કાશ્મીર શાખા તરીકે ઓળખાય છે. માર્યો ગયેલો આતંકવાદી ઝાકિર મુસા આ સંગઠનનો પ્રમુખ હતો. છેલ્લાં ત્રણ વરસથી એ સૈન્યના નિશાન પર હતો. એના પર ભારત સરકારે રૂપિયા પંદર લાખનું ઈનામ જાહેર કરેલું હતું. ઝાકિરને એ વિસ્તારમાં જ ઢાળી દેવાયો જ્યાં ૨૦૧૬માં બુરહાન વાનીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

બુરહાન હિઝબુલનો એક ટોચના કમાન્ડર તરીકે જાણીતો હતો અને સોશિયલ મીડિયાની મદદથી તેણે એક આંતરરાષ્ટ્રીય જાળ બનાવી હતી. બુરહાનના મોતની ઘટનાની જેમ જ ઝાકિરના મોત સામે પણ કાશ્મીરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો અને દેખાવો થયાં હતાં જેને સેનાધિકારીઓએ ભારે કૂટનીતિથી શાંત કર્યા હતા. ચીન પ્રેરિત અને ફંડિત માઓવાદીઓ પૂર્વોત્તર ભારતથી વાયા દક્ષિણ ભારત હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા છે. સુરક્ષાદળો સાથે અવારનવાર એમનું ઘમાસાણ યુદ્ધ ચાલતું જ રહ્યું છે અને સીઆરપીએફના અનેક જવાનો એ લડતમાં શહીદ થતા રહે છે.

દુનિયાના સૌથી મોટા અને ખતરનાક આતંકવાદી જૂથ ગણાતા આઇએસ એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (અથવા લેવેન્ટ)નું પતન થવાની રાહ અમેરિકા અને રશિયા બન્ને સમાન ઉત્કંઠાથી જુએ છે. આઇએસનો વડો અબુ બકર અલ બગદાદી હયાત છે, ભૂગર્ભમાં છે કે માર્યો ગયો છે તે હજુ પણ નક્કી નથી, પરંતુ અત્યારના આઇએસના પતનનું મુખ્ય કારણ કુર્દ લોકો છે જેમણે સતત લડીલડીને તબાહી મચાવનારા આઇએસને સ્વયં તબાહ કરી નાખ્યું છે. પરતું અન્ય દેશો માટે એ હજુ મોટો પડકાર છે.