નાગરિકો પર હુમલો, નાગરિકોની ઢાલ
પાકિસ્તાન દ્વારા વર્ષોથી ભારત સાથે પ્રોક્સિ વોર કરવામાં આવી રહ્યું છે અને આજે પણ તે આ જ રણનીતિનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતમાં આતંકવાદી હુમલા કરાવવા, ભારતના નાગરિકોનો ભોગ લેવો, નાગરિકો ઉપર ગોળીબાર કરાવવો અને જ્યારે પોતાના બચાવની વાત આવે ત્યારે પોતાના નાગરિકો અને વિદેશી નાગરિકોને આગળ ધરી દેવાના. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે જે રીતે ટાર્ગેટેડ મિસાઈલ સ્ટ્રાઈક કરી અને ડ્રોન હુમલા દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ તોડી પાડયાં ત્યાર બાદ પાકિસ્તાને આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને હુમલા સામા કર્યા પણ તેણે ભારતીય નાગરિકો અને રહેણાક વિસ્તારોને ટાર્ગેટ કરવાનો નાપાક પ્રયાસ કર્યો.
પાકિસ્તાને ૮મી મેએ રાત્રે ભારતના પંદર જેટલાં શહેરોને ટાર્ગેટ કરીને હુમલા કર્યા હતા. આ ઉપરાંત તેણે સરહદે આવેલા ગામડાંને ટાર્ગેટ બનાવીને ભીષણ ગોળીબાર અને તોપમારો કર્યો હતો. ભારતે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલ તોડી પાડયાં, છતાંય ભારતના સરહદીય ગામડાં અને શહેરોમાં ઠીક ઠીક નુકસાન થયું છે. નવમી મેના રોજ મધરાતે પાકિસ્તાને ભારતીય શહેરો ઉપર કરેલા હુમલામાં ભારતીય નાગરિકોના જીવ જોખમાયા હતા. કેટલાક નાગરિકોનાં મોત થયાં હતાં, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો. સરહદી વિસ્તારમાં આવેલી શાળામાં તોપગોળો પડયો હતો અને બે વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. પંજાબના કેટલાક ભાગમાં થયેલા બ્લાસ્ટને કારણે લોકોને ઈજા થઈ હતી.
પાકિસ્તાનની આ કાયમની પેટર્ન રહી છે. તે ભારતના સરહદી ગામડાઓને ટાર્ગેટ કરીને ગોળીબાર અને હવાઈ હુમલા કરતું રહે છે. બીજી તરફ, તે પોતાના નાગરિકોને પણ છુટ્ટા મુકી દે છે. તેના કારણે જો ભારત વળતો હુમલો કરે અને મોટી જાનહાનિ થાય ને આંતરરાષ્ટ્રીય સ્તરે કાગારોળ મચાવી શકાય. પાકિસ્તાન નાગરિકોનો ઉપયોગ ઢાલ તરીકે કરે છે. તેને ખબર છે કે, ભારત પાસે નૈતિક મૂલ્યો છે અને તે નાગરિકો ઉપર હુમલો નહીં કરે.
પાકિસ્તાને યુદ્ધની સ્થિતિ વચ્ચે એરપોર્ટ ચાલુ રાખ્યા છે, આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ ચાલી રહી છે. લાહોર, કરાચી એરપોર્ટ ઉપર દસથી વધારે વિમાનોની આવનજાવન જોઈ શકાય છે. પાકિસ્તાની અને વિદેશી લોકો એરપોર્ટ ઉપર હાજર છે, પ્લેનમાં હાજર છે અને આ દરમિયાન ભારતની એકપણ મિસાઈલ આ એરપોર્ટ્સ ઉપર કે પછી પ્લેન ઉપર ટકરાય તો ભારત સામે વિક્ટિમ કાર્ડ રમી શકાય. સાતમી મેના રોજ સાંજે ભારત વળતો હુમલો ન કરી શકે તે માટે લાહોર અને દમમ વચ્ચે કોમશયલ ફ્લાઈટ ચાલુ રાખવામાં આવી હતી. પાકિસ્તાને ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી પણ બાકીની ફ્લાઈટ્સ માટે એરસ્પેસ ચાલુ રાખી અને ફ્લાઈટ્સનાં ઓપરેશન્સ પણ ચાલુ રાખ્યાં. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સરહદે સતત તોપમારો, ગોળીબાર અને ડ્રોન હુમલા કર્યા બાદ પણ ચાર દિવસથી પાકિસ્તાનમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચાલુ રહી.
બીજી તરફ પાકિસ્તાને ભારતીય નાગરિકોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવાનું નક્કી કર્યુ હતું. તે દરરોજ રહેણાક વિસ્તારોને ટાર્ગેટ કરતું રહ્યું. તેને ખબર છે કે, ભારત પોતાના નાગરિકોને બચાવવા કંઈ પણ કરી શકે છે. તેઓ લડાઈ રોકીને પણ સામાન્ય નાગરિકોનો જીવ બચાવવાને પ્રધાન્ય આપશે પછી ભલે તે પાકિસ્તાનના હોય કે ભારતના. આ સિવાય સરહદી શહેરોમાં પણ પાકિસ્તાને પોતાનાં નાગરિકોને ખાસ સૂચના આપી નહોતી, બધું જ રાબેતા મુજબ ચાલુ રાખ્યું. તેના કારણે નાગરિકોનું જે થવું હોય તે થાય, પણ સેના અને નેતાઓના પેટનું પાણી હલ્યું નહીં અને હાલવાનું પણ નથી. પાકિસ્તાની નાગરિકો દ્વારા સરહદી વિસ્તાર છોડીને હિજરત કરવામાં આવી છતાં પાકિસ્તાની સત્તાધારીઓએ તેમના તરફ ધ્યાન ન આપ્યું. તેમણે એક કાંકરે બે પક્ષી મારવાની કોશિશ કરી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની આ નીતિ મામલે ભારે ટીકા થઈ રહી છે.
પાકિસ્તાન એવો દેશ છે, જેની પાસેથી ઊંચાં નૈતિક મૂલ્યોની અપેક્ષા રાખવી એ મૂર્ખતા છે. દુનિયા આખીમાં આતંકવાદના જનક તરીકે ખુલ્લા પડી ગયા હોવા છતાં તે બેશરમીથી નનૈયો ભણતું રહે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા લોહીલુહાણ થઈ ગયું હોવા છતાં પાકિસ્તાન 'અમે જીતી ગયા... અમે જીતી ગયા...' એવો કાગારાળ મચાવીને નાચી શકે છે. સારા પાડોશી મળવા ખરેખર નસીબની વાત છે.