ટ્રમ્પજજ-ઓબામા-ટ્વીટયુદ્ધ
છેલ્લા બે-ત્રણ દિવસથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોર નિંદા કરી છે અને કહ્યું છે કે ટ્ર્રમ્પ કોરોના મહામારી સામેનું યુદ્ધ લગભગ હારી ચૂક્યા છે અને અમેરિકી પ્રજા ટ્રમ્પની લાપરવાહીથી તંગ આવી ગઈ છે. ભારતીય પ્રજા જે સન્માનથી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જુએ છે એટલા જ માનથી અમેરિકી પ્રજા બરાક ઓબામાને જુએ છે. અમેરિકામાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુનો આંકડો એંસી હજારને પાર પહોંચી ગયો છે. દુનિયાભરના શાસકોની કોરોના સામે લડવાની વ્યૂહરચના અને ટ્રમ્પની ઉતાવળી અને ઊભડક નીતિ વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. બરાક ઓબામાએ કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે ટ્રમ્પ પ્રશાસનના પ્રયાસો અપૂરતા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાત તબીબોએ અગાઉ એવું કહ્યું છે કે કોરોના નવો વાયરસ છે એટલે એનું અહંકારનું સ્તર બહુ ઊંચું છે એટલે આસાનીથી એના પર અંકુશ મેળવી શકાશે નહિ. જો કે અમેરિકી દૈનિકોએ આ વિધાન પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે એની સામે ટ્રમ્પના અહંકારનું સ્તર પણ ક્યાં ઓછું છે ?
ટ્રમ્પના ટ્વીટર હેન્ડલ પર બરાક ઓબામા સામે ઝેર ઠાલવતા એક એક દિવસમાં ચાલીસ-ચાલીસ ટ્વીટ મેસેજ પ્રસારિત થવા લાગ્યા છે. અમેરિકામાં આ સપ્તાહના અંત સુધીમાં કોરોના વાયરસ સંક્રમિત કેસ પંદર લાખ જેટલા થવા આવશે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને લેફ્ટનન્ટ જનરલ કક્ષાની રેન્ક ધરાવી મિલિટરી ઈન્ટેલિજન્સ સેવાઓ આપી ચૂકેલા એવા માઈકલ ફ્લિન સામેના એક આપરાધિક કેસને પાછો ખેંચવા અમેરિકી ન્યાય મંત્રાલયમાં ટ્ર્રમ્પના ઈશારે ચાલતી હિલચાલને ઓબામાએ થોડા સમય પહેલા જ ખુલ્લી પાડી હતી અને કહ્યું હતું કે હવે તો અમેરિકી ન્યાયતંત્ર પણ જોખમમાં છે.
માઈકલ ફ્લિન અમેરિકા ખાતેના તત્કાલીન રશિયન રાજદૂત સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા અને અમેરિકી જાસૂસી સંસ્થા એફબીઆઈને એમણે એ સંબંધ અને પ્રત્યાયનની બાબતમાં ગેરમાર્ગે દોરી હોવાનો તેમના પર આરોપ છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના માનવંતા પદ પરથી એમણે એક જ મહિનાના ટૂંકાગાળામાં ઈ. સ. ૨૦૧૭માં રાજીનામું આપી દેવું પડયું હતું. અમેરિકાના દુશ્મન દેશ રશિયાના વડા વ્લાદિમિર પુતિન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તીની આ માઈકલ એક મજબૂત કડી માનવામાં આવે છે. ઓબામાએ માઈકલ પરનો કેસ પાછો ન ખેંચાય એ માટે ઊહાપોહ મચાવ્યો ત્યારથી ટ્રમ્પ અને ઓબામા વચ્ચે ટ્વીટવાર ચાલી રહ્યું છે જે હવે પરાકાાએ પહોંચ્યું છે.
આ ખેલ આમ તો અમેરિકી રાષ્ટ્ર પ્રમુખની આવનારી ચૂંટણી સુધી લંબાતો રહેવાનો છે. કારણ કે આગામી ચૂંટણીમાં ટ્રમ્પને યેનકેન પ્રકારે પછાડવા ઓબામા બહુ સક્રિય દેખાય છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેન મહદ અંશે ટ્રમ્પની સામે મેદાનમાં ઉતરશે. રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી આગામી ત્રીજી નવેમ્બર ૨૦૨૦ના રોજ યોજાવાની છે. ઓબામાએ આગામી ચૂંટણી માટે બાઈડેનને જીતાડવા માટે મતદારોને એડવાન્સ અપીલ કરી છે.
બરાક ઓબામાએ સ્પષ્ટ રીતે કહ્યું કે દેશની ભીતર જ કોઈને શત્રુ તરીકે જોવા એ અમેરિકાનું કલ્ચર નથી. તેમનો ઈશારો ન્યૂયોર્ક સહિતના કેટલાક રાજ્યોના અમેરિકી ગવર્નરો અને મેયરો તરફ છે જેના પ્રત્યે ટ્રમ્પ કિન્નાખોરી દાખવે છે. અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન પાસે હજુ કોરોના સામે લડવાની કોઈ નિયત વ્યૂહરચના નથી. અમેરિકી નાગરિકો ઝડપથી કોરોનાનો શિકાર થઈ રહ્યા છે. કોર્પોરેટ સેકટરમાંથી બેરોજગાર થયેલા કર્મચારીઓ અને કામદારોની હાલત અત્યન્ત ખરાબ છે.
કોરોનાના વાતાવરણ વચ્ચે પણ યુવક-યુવતીઓ નવી જોબ મેળવવા ભટકી રહ્યા છે. વિદેશથી આવીને અમેરિકામાં વસતા અને સ્થાયી થયેલા લોકો ભવિષ્યના ભૂખમરાના ભયથી પોતાને વતન દેશ પાછા ફરવા લાગ્યા છે. છાને પગલે અમેરિકી વર્ક ફોર્સના આ ખાલસા થવાના દિવસો છે. જે બુદ્ધિધન અમેરિકાએ વિશ્વભરમાંથી એકત્રિત કર્યું હતું તે હવે મેળો પૂરો થતાં જનસાગર જેમ વિખેરાય એમ વિખેરવા લાગ્યું છે.
જે લોકો અમેરિકા છોડીને વતન દેશ જાય છે ત્યાં જઈને તેઓ ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ બેફામ બોલે છે. વંદે ભારત મિશનના પહેલા રાઉન્ડમાં અમેરિકાથી સ્વદેશ આવેલા ભારતીયો અને ભારતીય મૂળના લોકોએ મીડિયા સાથે કરેલી વાતચીતનો સ્વર પણ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર માટે બહુ નકારાત્મક છે. આનું એક પરિણામ એ આવ્યું છે કે વિશ્વનેતાનો રૂઆબ લઈ ફરતા ટ્રમ્પની દુનિયાભરના દેશોમાં આકરી ટીકા થવા લાગી છે. હકીકત એ છે કે દરેક અમેરિકન હવે દેશ છોડવા ચાહે છે.
કારણ કે વચ્ચે એકાદ દિવસ કોરોનાના કેસ ઘટે તો પછીના દિવસે ત્રણગણી ઝડપે વધે છે. દુનિયાના કુલ કોરોના સંક્રમિત કેસોમાં ત્રીજા ભાગના કેસો તો એકલા અમેરિકામાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તબીબી વૈજ્ઞાાનિકોના મત પ્રમાણે આવનારા દિવસોમાં વિશ્વના અરધોઅરધ કેસ માત્ર અમેરિકામાં હશે.