આઈઆઈટીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે કોટા એટલે મક્કા-મદીના અને જેરુસલેમ. ઇન્ડિયાનું કોચિંગ હબ. રાજસ્થાનનું એ શહેર કોઈ સીટી નથી બાકી એક વિરાટ હોસ્ટેલ છે. જ્યાં બધા વિદ્યાર્થીઓ જ રહે છે. અહી ઘરો નથી, પેઈંગ ગેસ્ટ હાઉસ છે. અહી રેસ્ટોરન્ટો નથી, મેસ છે અને કેન્ટીન છે. આ એ કોટા છે જ્યાં ઓછા મેમરી પાવરવાળાને તો શહેરમાં ઘુસવા પણ નથી દેતા. જ્યાં વેકેશન નામની પ્રથા જ નથી એ છે કોટા. ચારેબાજુ ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી સિવાય પાંચમો વિષય જ નથી હોતો વાત કરવા માટે. સિક્યોરીટી ગાર્ડ હોય કે રીક્ષાવાળો, બધા આઈઆઈટીની તૈયારી કરતા હોય છે કે કરી ચુક્યા હોય છે. આખું શહેર પરીક્ષામાં ઝળકેલા તેજસ્વી તારલના હોર્ડિંગથી છલકાઈ ગયું છે. અહી સમોસા મળે છે તો એ પસ્તીમાં નહિ, કેમેસ્ટ્રીની ટેક્સ્ટબુકનાં પાનાંમાં. અહીના લોકોને નેવુંથી ૧૦૦ સુધીના દસ આંકડાઓમાં જ રસ છે. એકથી નેવું વચ્ચે લાવતા કોઈ જીવાત્માનું અહી માન નથી.
ઈ. સ. ૨૦૨૩માં રાજસ્થાનના કોટા શહેરમાં ત્રેવીસથી વધુ વિદ્યાર્થીઓએ દુઃખદ રીતે પોતાનો જીવ લીધો. ૨૦૨૪ પૂરું થાય એ પહેલા આપઘાત કરનારા વિદ્યાર્થીઓનો આંકડો ગઈ સાલના આંકડા કરતા વધી ગયો. આજે ૨૦૨૬માં પણ જિંદગીને ઠેબે ચડાવી શાહમૃગ વૃત્તિ દાખવનારો વર્ગ ચિંતાજનક રીતે વધતો જાય છે. ભારતની અંદર એક યુવા ભારત વસે છે, જે ટેક્સ્ટબુકનાં બે પૂઠાં વચ્ચે જ મને કે કમને પોતાના તહેવારો ઉજવે છે. કોટા એ શહેર છે જે તેની કોચિંગ સંસ્થાઓ માટે પ્રખ્યાત છે. કોટામાં ભણવા માટે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે. મમ્મી-પપ્પા બીજા રાજ્યમાં રહેતાં હોય અને એનું બાળક રાજસ્થાનના કોટામાં આપઘાત કરી લે એવા સમાચાર જયારે એ જન્મદાતા પાસે પહોચે ત્યારે માથે કેવું આભ તૂટતું હશે તેની કલ્પના આપણે કરી શકીએ એમ નથી.
કોટા સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓને એન્જિનીયરિંગ અને મેડિકલ પરીક્ષાઓની તૈયારી માટે આકર્ષે છે. તીવ્ર સ્પર્ધા અને સફળ થવાના દબાણને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. આ વાત સરકારથી પણ અજાણ નથી. જે વાલીઓ એના બાળકને અહી ભણવા મોકલે છે તેઓને પણ આ હકીકત ખબર છે. કોટા સિવાય પણ ભારતના બીજા શહેરોમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. રસ્તા ઉપરના અકસ્માત નહિ, પણ રૂમની ચાર દીવાલો મોતનું કારણ બને છે. આ અતિ દુઃખદ વાસ્તવિકતા છે. કોટામાં ઉચ્ચ અપેક્ષાઓ સાથે સ્પર્ધાત્મક વાતાવરણ પણ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બેઠક મેળવવાનું દબાણ લાંબા સમય સુધી અભ્યાસના કલાકો તરફ દોરી જાય છે, જે માનસિક સ્વાસ્થ્ય કટોકટી તરફ દોરી જાય છે. અભ્યાસની તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીની અવગણના થાય છે.
કોટામાં હવે હેલ્પલાઇન નંબર, પોલીસ બૂથ અને કાઉન્સેલિંગ સેવાઓ છે; પરંતુ નિષ્ણાતો માને છે કે મુંઝવણ નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આરામ સાથે અભ્યાસના સમયને સંતુલિત કરવું, સંચારને પ્રોત્સાહિત કરવો અને વિદ્યાર્થીઓને તેમની રુચિઓ શોધવામાં મદદ કરવી એ ઉકેલો સૂચવવામાં આવ્યા છે. માતાપિતાને આગ્રહ કરવામાં આવે છે કે તેઓ તેમનાં બાળકોને રોકાણ/ઇન્વેસ્ટમેન્ટ તરીકે ના જુએ. IIT પ્રવેશ પરીક્ષાને વૈશ્વિક સ્તરે સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે, જેનો સ્વીકૃતિ દર ખૂબ જ ઓછો છે. IIT-JEE જેવી પરીક્ષાઓમાં સફળ થવા માટે તીવ્ર સ્પર્ધા અને દબાણ વિદ્યાર્થીઓ માટે પડકારજનક વાતાવરણ બની જાય છે (અથવા તો કોચિંગ ક્લાસ બનાવે છે). પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન એકમાત્ર ધ્યાન બની જાય છે, જેમાં વિકલ્પો માટે થોડી જગ્યા રહે છે. IIT જેવી સંસ્થાઓની પ્રતિષ્ઠા સાથે સામાજિક અને વાલીઓનું દબાણ યુવા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાઓથી આગળ જોવાનું મુશ્કેલ બનાવે છે.
વિદ્યાર્થીઓની સુખાકારીને ધ્યાનમાં લીધા વિના સફળતા પર ભાર મૂકે તેવો માહોલ બનાવવાનો ભાર અને તે સિસ્ટમ, માતાપિતા અને સમાજ ત્રણેય ઉપર સવાર છે. કોચિંગ ક્લાસ અને તીવ્ર સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પુનઃમૂલ્યાંકનની જરૂર છે. શિક્ષણ પ્રણાલી અને સમાજે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ અને દબાણ ઘટાડવાના વિકલ્પો પૂરા પાડવા જોઈએ. વધતા જતા આપઘાતના કિસ્સાઓ દ્વારા યુવાધનનું ક્યારેય ન પૂરી શકાય એવું નુકસાન થઇ રહ્યું છે. આશા મહત્ત્વની છે અને જ્યારે વિદ્યાર્થીઓ આશા ગુમાવે છે ત્યારે કોટા જેવી દુઃખદ ઘટનાઓ બને છે. વિદ્યાર્થીઓને જે પડકારોનો સામનો કરવો પડે છે તે ઓળખવા, માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને સંબોધવા અને વધુ સંતુલિત અને સહાયક શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન આપવું આવશ્યક છે.


