Get The App

અમદાવાદ ફ્લાઈટ કરૂણાન્તિકા .

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ ફ્લાઈટ કરૂણાન્તિકા                                 . 1 - image

આપણા ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી હવાઈ દુર્ઘટના ઘટી છે. આ અભૂતપૂર્વ અકસ્માતના પડઘા આવનારાં વર્ષો નહીં, દાયકાઓ સુધી પડશે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ટેક ઓફ કર્યાની થોડીક જ મિનિટમાં અમદાવાદના સ્થાનિક વિસ્તારમાં જ ક્રેશ થઈ ગઈ તે દુઃખદ અને આઘાતજનક પણ. પ્લેનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, તે જાણીને બધા ગુજરાતીઓને વધુ દુઃખ થયું છે. તેમના સિવાય પણ અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહત્ત્વના માણસો પ્લેનમાં સવાર હતા. મેડિકલ કોલેજની હોસ્ટેલના એક ભાગ ઉપર આ પ્લેન પડયું અને મેડિકલના સ્ટુડન્ટસનો ભોગ લેવાયો આ જાણીને તીવ્ર પીડા થાય તે સ્વાભાવિક છે. બારમી જૂન - ગુરુવારનો દિવસ ગુજરાત નહીં ભૂલી શકે, ભારત નહીં ભૂલી શકે. વડાપ્રધાન સહિત દિલ્હીની કેબિનેટ અમદાવાદ આવી ગઈ અને દુનિયાભરના પ્રમુખ મીડિયા આ પ્લેન ક્રેશને બ્રેકિંગ ન્યુઝ તરીકે બતાવી રહ્યા છે - આ પરથી અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય.

આપણે આધુનિક દુનિયામાં યાતાયાતનાં જુદાં જુદાં માધ્યમો બનાવ્યા છે. આધુનિક ટેકનોલોજીને કારણે વાહન વ્યવહાર વધુ ઝડપી, સુચારુ અને સુરક્ષિત પણ બન્યો છે - એવું વિજ્ઞાાન કહે છે. દરિયાઈ મુસાફરી, રસ્તા પરની મુસાફરી, ટ્રેન વ્યવહાર અને હવાઈ મુસાફરી. ટ્રાન્સપોર્ટેશનના આ મુખ્ય ચાર માધ્યમો ગણીએ તો આંકડા મુજબ સૌથી જોખમી હાઇવે અને રસ્તા છે અને સૌથી સુરક્ષિત હવાઈ મુસાફરી છે. છતાં પણ વિરોધાભાસ એ છે કે ટ્રેન દુર્ઘટના કે રોડ એક્સિડન્ટમાં હજુ પણ મુસાફરના બચવાના ચાન્સ છે, પરંતુ જો પ્લેનનો અકસ્માત થાય તો તેમાં સવાર લોકોના જીવ બચવાની શકયતા શૂન્યવત છે. તેથી જ બધાં એરપોર્ટની સિક્યોરિટી સિસ્ટમ ખૂબ સઘન રાખવી પડે છે. તો પણ દુનિયાભરમાં દર થોડા સમયે પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાઓ બનતી રહે છે. કમનસીબે ભારતની આ વર્ષની સૌથી મોટી દુર્ઘટના ગુજરાતના આકાશમાં સર્જાઈ જેણે સેંકડો લોકોના જીવ લઇ લીધા. પદ્ધતિસરની તપાસનો રિપોર્ટ આવશે ત્યારે વધુ ખબર પડશે કે કોની ભૂલ હતી, શું ભૂલ હતી અને કેવી ભૂલ હતી કે પછી ભૂલ હતી કે મોટા છબરડા હતા. પણ અત્યારે તો નસીબને દોષ આપ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ  વિકલ્પ નથી. 

હવાઈ ઉડ્ડયન ક્ષેત્રના અકસ્માતોના ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો એંશીથી નેવું ટકા દુર્ઘટનાઓ ટેક ઓફ કે લેન્ડિંગ વખતે થતી હોય છે. પ્લેન જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બંધન તોડીને હવામાં તરવા માટે ઉઠતું હોય ત્યારે સૌથી વધુ ફ્યુઅલ વપરાતું હોય છે, એન્જિન સૌથી વધુ કાર્યરત હોય છે અને આખાય પ્લેનની ધૂ્રજારી પણ સૌથી વધુ હોય છે. એવું જ પ્લેનના લેન્ડિંગ વખતે બનતું હોય છે. સૌથી વધુ સાવચેતી પ્લેન હવામાં સ્થિર ઝડપે ઉડી રહ્યું હોય તેના કરતાં ટેક ઓફ અને લેન્ડિંગ વખતે રાખવામાં આવે છે. આ સત્ય જાણતા મુસાફરો પણ ટેક ઓફ વખતે વધુ ગભરાયેલા હોય છે. એક સર્વે મુજબ પ્લેનમાં બેઠેલા મુસાફરો સૌથી વધુ પ્રાર્થના કે ભગવાનને યાદ કરવાની પ્રવૃત્તિ ટેક ઓફ વખતે કરતા હોય છે. ટેક ઓફની ક્રિયા સૌથી વધુ સંવેદનશીલ અને જોખમી છે.

બીજો એક મુદ્દો સામાન્ય નાગરિકે એ પણ નોંધવો જોઈએ કે અમદાવાદ દેશભરનાં ઘણાં મોટાં શહેરો કરતા અલગ પડે છે. ભારતમાં જેટલા પણ મેટ્રો સિટીઝ કે મહાનગરો છે એમાંથી મોટા ભાગનાં શહેરોનાં એરપોર્ટ શહેરના મુખ્ય વિસ્તારથી ખાસ્સા દૂર હોય છે. ઉદાહરણ તરીકે બેંગલુરું એરપાર્ર્ટ, જે બેંગલુરુ શહેરથી એટલું દૂર છે કે આવક-જાવકમાં જ એક કલાક કરતા વધુ સમય નીકળી જાય. ગોવાનું એરપોર્ટ પણ ઘણા કિલોમીટર દૂર છે. હૈદરાબાદ હોય કે રાજકોટ, ઘણા બધા કારણોસર એરપોર્ટને શહેરથી બહુ દૂર ઉભું કરવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ અમદાવાદ શહેરમાં જ છે એમ કહેવાય. રિવરફ્રન્ટને કારણે શહેરના કોઈ પણ છેડેથી મહત્તમ અડધી કલાકની અંદર સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી શકાય છે. એરપોર્ટ આટલું નજીક હોવું એ અમદાવાદની ખાસિયત ગણાય છે. ગુજરાત ટુરિઝમે અમદાવાદ એરપોર્ટની નિકટતાને પ્લસ પોઇન્ટ તરીકે ગણાવી હશે, પણ આ નિકટતા અત્યારે બહુ વસમી પડી. જે વિદ્યાર્થીઓ ડોક્ટર બની રહ્યા હતા, જેમના વાલીઓ રાહ જોઈ રહ્યા હતા કે એમના સંતાનો ડોક્ટર બનીને બહાર આવે એ હોસ્ટેલમાં રહેતા મેડિસ્ટુડન્ટસ પર ઉપર આભમાંથી મોત વરસ્યું. આ વિધિની વક્રતા નથી તો શું છે? આ દુર્ઘટનાના આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે. જિંદગી કેટલી ક્ષણભંગુર છે એ બધાને સમજાશે. મૃતકોના પરિવારજનોને સાંત્વના, સ્વસ્થતા અને શક્તિ મળે તે પ્રાર્થના કરી શકીએ.