અનુદાનિત - સ્વનિર્ભર સંઘર્ષ
રાજ્ય કે કેન્દ્ર સરકારને હાલક ડોલક થઈ રહેલા વિદ્યાક્ષેત્રની વર્તમાન વિકટકાલીન નીતિ સ્પષ્ટ રીતે ઘડી આપવામાં કોઈ રસ નથી. એટલે વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓ, તમામ સંચાલકો એમના જાણે કે શત્રુ હોય એવા વિધાનો તરતા મૂકી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કોલેજો બે પ્રકારની છે, સેલ્ફ ફાઈનાન્સ એટલે કે સ્વનિર્ભર અને ગ્રાન્ટ ઈન એઈડ એટલે કે સંપૂર્ણ સરકારી ગ્રાન્ટના પૈસા પર ચાલતી અનુદાનિત કોલેજ. નવું શૈક્ષણિક સત્ર કેલેન્ડરના ફરફરતા પાના સાથે પુરપાટ આગળ વધી રહ્યું છે.
અત્યારે જે વિદ્યાર્થી આવી સરકારી અનુદાનિત કોલેજમાં એડમિશન લેવા જાય એને એ સંસ્થાના ક્લાર્ક કહે છે કે ફોર્મ ભરો અને મેરીટ લિસ્ટમાં નામ આવે ત્યારે ફી ભરી દેજો. રાજ્ય સરકાર તરફથી ફી અંગે એમને કોઈ નવું માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. એની સામે સ્વનિર્ભર કોલેજો એડમિશન આપતી વખતે સ્પષ્ટ કહે છે કે અનુકૂળતા પ્રમાણે હપ્તાવાર ફી ભરી દેજો.
સ્વનિર્ભરની તુલનામાં સરકારી અનુદાનિત કોલેજોની ફી ઓછી હોય છે પરંતુ તેમાં ભણતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક ક્ષમતા કેળવી શકતા નથી. એટલે કે એ સંસ્થાઓની મર્યાદા ઓળંગી જવા માટે જ સ્વનિર્ભર સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. સંસ્થા ચલાવવા માટેના જે નિયમો સરકાર સ્વનિર્ભર માટે રાખે છે એ નિયમોનું સરકારી અનુદાનિત કે સરકારની પોતાની કોલેજોમાં પાલન થાય છે ખરું ? બિલકુલ નહિ.
કારણ કે હાથીના ચાવવાના દાંતનો લાભ અનુદાનિત કોલેજોને મળે છે જે કરોડોની ગ્રાન્ટ ચાવી જાય છે અને બતાવવાના દાંત સ્વનિર્ભરને સરકારના દંતશૂળ જેમ ભોંકાય છે. બહુત બેઈન્સાફી હૈ યે ! રાજ્યના શિક્ષણ પ્રધાન હાલતા ને ચાલતા સ્વનિર્ભર સંસ્થાઓ માટે ઉટપટાંગ નિયમો તરંગોની જેમ રજૂ કરતા રહે છે પરંતુ તેઓ તેમના સત્તાકાળ દરમિયાન સરકારી અનુદાન મેળવતી સંસ્થાઓ વિશે તો સદાય મૌન પાળે છે.
સેલ્ફ ફાઈનાન્સ કોલેજોનો કન્સેપ્ટ આપણે ત્યાં ઈ. સ. ૧૯૯૭-૯૮ ના વરસો દરમિયાન આવ્યો જ્યારે આનંદીબેન પટેલ શિક્ષણ પ્રધાન હતા. આ કન્સેપ્ટને અને સરકારી ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને કોઈ લેવાદેવા ન હતા. પરંતુ પછીથી સરકારી ગ્રાન્ટ લેતી એટલે કે અનુદાનિત કોલેજોએ પણ ગેરકાયદે સ્વનિર્ભર ક્ષેત્રમાં ઝંપલાવ્યું. આજે રાજ્યની મોટાભાગની અનુદાનિત કોલેજોમાં પાર વિનાના સેલ્ફ ફાઈનાન્સ વર્ગો ચાલે છે.
સરકારી ગ્રાન્ટથી તૈયાર થયેલી સાધન સંપન્નતા પર જ તેઓ સેલ્ફ ફાઈનાન્સ ચલાવે છે. આને કારણે ગુજરાતના શિક્ષણ જગતમાં અનુદાનિત અને સ્વનિર્ભરની અજાયબ ખિચડી થઈ ગઈ છે. સરકાર ખુદ સંદિગ્ધતાનો ભોગ બની ગઈ હોવાને કારણે ખરેખર તો ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓનો જ વ્યાપારિક ચહેરો છતો થયો છે.
રાજ્યની મોટાભાગની અનુદાનિત કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને માળખાકીય સુવિધા વચ્ચે મેળ નથી. એટલે કે જો કોઈ દિવસ બધા જ વિદ્યાર્થીઓ હાજર રહે તો અરધાએ તો મેદાનમાં બેસીને ભણવું પડે. પાકગ, સેનિટેશન, લાયબ્રેરી, સ્ટાફ આ બધાની પુનઃ તપાસ જરૂરી છે.
ખરેખર તો અનુદાનિત કોલેજોએ ચિક્કાર પગાર અને સહાયક ભંડોળ લઈને જે વેઠ ઉતારી, એને કારણે જ નવા સ્વનિર્ભર વડલાઓ ઊભા થયા જેનો છાંયો અધિક અને શીતળ હોવાથી પ્રજા એ તરફ દોડી ગઈ. હવે રાજ્ય સરકારની નીતિ એ વડલાઓ પર કરવત ફેરવવાની છે.
એટલે દરેક થોડા થોડા દિવસે તેઓ ફૂંક મારીને વાલીઓ અને સ્વનિર્ભર સંચાલકો વચ્ચે બલનની નવી દીવાલ ચણી રહ્યા છે. એને કારણે ગંભીર પરિસ્થિતિ એ સર્જાઈ છે કે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયા પરત્વે નિષ્ક્રિય છે અને રમત રમતમાં તેમના હાથમાંથી વરસ સરી જઈ શકે છે.
કેન્યાની સરકારે એના દેશમાં એક શૈક્ષણિક વરસ સસ્પેન્ડ કરી દીધું છે. કારણ કે ત્યાં કોરોના પરાકાષ્ઠાએ છે. આપણે ત્યાં તો ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. તેમ છતાં હજુ વાલીઓ અને વિદ્યાર્થીઓનો મોટો વર્ગ અસમંજસમાં છે. રાજ્ય સરકારે સંચાલકો અને વાલીઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરીને સત્ર, પરીક્ષા, શૈક્ષણિક ફી, ડિજિટલ વર્ગ શિક્ષણકાર્ય અને પરીક્ષણ-મૂલ્યાંકનની અભિનવ, અનિવાર્ય નૂતન પ્રણાલિકા અંગે સાર્વત્રિક યુનિફોમટી જળવાય એ રીતે પોલિસી સ્પષ્ટ કરવાની તાતી જરૂર છે.
આ કામ ખરેખર તો મહામહિમ્ન કુલાધિપતિ અને કુલપતિઓનું છે પરંતુ તેઓ સમયના વિફરેલા વહેણને ઓળખવામાં થાપ ખાઈ ગયા છે એટલે રાજ્ય સરકારે જ તૂતક પર ચડીને સુકાન સંભાળી આખા વિદ્યાજહાજને સાંયોગિક વમળમાંથી બહાર લાવવાનું રહે છે. હજુ સમય છે. અષાઢ મહિનાનો અવરોહ ચાલુ છે અને શ્રાવણના આરોહણ પહેલા સારસ્વત ક્ષેત્રમાં એક સૂર અને એક તાલ હોય તો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો રોડમેપ ફરી સુઘડ અને સ્વયંસ્પષ્ટ નીવડે.