બ્રાઝિલમાં વિરોધનું રાજકારણ

Updated: Jan 13th, 2023


નેતાઓનાં પ્રવચનો લોકપ્રિય હોવાનું હાથવગું કારણ છે કે સાંભળનાર વક્તા તેનો ચાહક છે. લગભગ દરેક નેતા અદભુત વક્તા હોવો જોઈએ અને હોય છે. તેની વાગ્ધારા અસ્ખલિત વહેવી જોઈએ; વાણીની ધારા અખંડ રહે અને રસિક રહે એ માટે નેતાની વાત પ્રયત્ન વિના સમજાય એવી હોવી જોઈએ. બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ચૂંટણીમાં કારમી હાર પામીને ઈવીએમ પર ચેડાં થયાનો આક્ષેપ લગાવ્યો. તેમના શબ્દો એટલા વેધક હતા કે બોલસોનારોના સમર્થકો ચૂંટણી પરિણામનો વિરોધ કરવા મેદાનમાં ઉતરી આવ્યા. તોફાનીઓએ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો તરફથી મળેલી ભેટ-સોગાદો અને બ્રાઝિલના વારસા સમા અમૂલ્ય ચિત્રો, શિલ્પો અને અન્ય કલાકૃતિઓનો પણ નાશ કર્યો. પેલેસની કાર્પેટને પણ આગ ચાંપી દીધી. કટ્ટરપંથી ગુંડાઓએ ઘોડેસવાર પોલીસોને પકડીને જમીન પર પછાડી દીધા. આ રીતે લોકશાહીને જ શરમમાં રાખી દે તેવું રાષ્ટ્રવિરોધી કૃત્ય કરાવી બોલસોનારોએ પોતાની સત્તાલાલસા છતી કરી છે.

બોલસોનારાના સમર્થકો આપમેળે આવ્યા ન હતા. તેમની ઉશ્કેરણી કરવામાં આવી હતી, જેનાથી તેમણે રીતસર સંસદની ઈમારત પર આક્રમણ કર્યું હતું. આ દરમિયાન એક મહિલા પત્રકાર તેમની ઝપટે ચડી તો તેને પણ વિરોધીઓએ બેરહમ ઢોરમાર માર્યો. બ્રાઝિલના ઈતિહાસમાં આ સૌથી કલંકિત દિવસ બની રહ્યો. પ્રમુખપદની ચૂંટણીમાં દેખીતો પરાજય થયા પછી પણ મતગણતરીમાં મોટા પાયે ગરબડના આક્ષેપો કરી બોલસોનારોએ રાજગાદી છોડવાનો અને સત્તાની સોંપણીનો પ્રથમ તો ઈનકાર કર્યો હતો. જોકે વૈશ્વિક મીડિયાએ તેની ગંભીર નોંધ લેતા બોલસોનારોએ મૂંગા મુખે નવા રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને રાજગાદી સોંપી દેવી પડી. ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ જ રીતે સત્તા છોડવી ગમી ન હતી. ટ્રમ્પના ટેકેદારોએ પણ ઉત્પાત મચાવ્યો હતો.

બોલસોનારોને વિશ્વસનીયતા કે નીતિમત્તા સાથે દૂર સુધી લાગતુંવળગતું નથી. માત્ર બ્રાઝિલને ફરી મહાન બનાવવાનાં સૂત્ર અને પક્ષીય ભંડોળ ભરોસે નાણાંકીય બળના સહારે પ્રજા પર ભૂરકી છાંટવામાં તેઓ સફળ રહ્યા હતા. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડવામાં વ્યસ્ત હતો તેવી જ રીતે કોરોના વાઇરસ મહામારીમાં લાખો પ્રજાજનો જીવ ગુમાવી રહ્યા હતા ત્યારે બોલસોનારો ગોલ્ફ રમવા જતા રહ્યા હતા. આનાથી તેમની મનોદશા છતી થઈ હતી. બોલસોનારો કાંચિડો રંગ બદલે તેનાથી વધુ ઝડપે પોતાના રાજકીય સાથીઓ બદલતા રહ્યા છે. તેમના વિચારોમાં કોઈ સાતત્ય ન હોવાથી વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામાં આપનારાની સંખ્યા કેટલી છે તે પણ હવે કહી શકાય તેમ નથી.

બોલસોનારોનું માનસ જક્કી વેપારી કે બિઝનેસમેનનું છે. તેમણે લોકડાઉનની તબીબી નિષ્ણાતોની ભલામણ ફગાવી દીધી હતી. જોકે ભીંસ પડી ત્યારે મિસ્ટર મોદીને યાદ કરીને વિનામૂલ્યે વેક્સિન મોકલવાની વિનંતી કરવામાં પણ તેમણે નાનપ અનુભવી નહીં. આજે સ્થિતિ એવી છે બ્રાઝિલની સર્વોચ્ચ અદાલત બોલસોનારોને ચૂંટણી પરિણામ બાદ આચરવામાં આવેલી આ હિંસાના દોષી ઠેરવી કેદખાને પુરવા ચાહે છે, પરંતુ અત્યારે બોલસોનારો અમેરિકામાં બાઈડેનના છત્ર તળે આરામ ફરમાવી રહ્યા છે. વિશ્વ સમક્ષ એવું ચિત્ર રજૂ કરે છે કે તેમની તબિયત નાદુરસ્ત છે. જોકે, બ્રાઝિલનાં તોફાનોમાંથી બચવા અન્ય કોઈ છટકબારી ન મળતા હવે સ્વાસ્થ્યને સ્વતંત્રતા પામવાનું શસ્ત્ર બનાવીને તેઓ વિશ્વસમાજ સમક્ષ 'બિચારા' બનવા માગે છે. તો શું તેમની હાર પર પ્રજા ચૂંટણી પરિણામથી નાખુશ થઈને રાષ્ટ્રને આગ લગાડવા નીકળી હતી?

લોકશાહી રાષ્ટ્રોમાં પ્રજાને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ પ્રજા એકજૂથ થઈને એક સરખાં શસ્ત્રો સાથે સંસદ ભવનમાં આવી ચડે આવું તો ભાગ્યે જ જોવા મળે છે. હુમલામાં પણ પ્રજાની એકસૂત્રતા કેટલી! પોલીસ ટીયરગેસ છોડે તો વળતા પ્રહાર સ્વરૂપે બોમ્બ ફેંકે. એટલું તો સમગ્ર બ્રાઝિલ જાણે છે કે બોલસોનારોના આદેશ પર તેમના ગુંડાઓએ ઉત્પાત મચાવ્યો છે, પણ તેના આવા હીન કૃત્યથી લોક્શાહી પર લાંછન લાગ્યું છે. બોલસોનારો વિપક્ષમાં હતા ત્યારે તેમણે પ્રવર્તમાન રાષ્ટ્રપતિ લુલાનો જોરશોરથી વિરોધ કર્યો હતો અને સત્તા મેળવ્યા બાદ જે કાયદો ઘડાયો તેમાં માત્ર તીક્ષ્ણ નહોરની જ બાદબાકી હતી. આ બાદબાકીનો જ તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો છે. બ્રાઝિલ આજે અંધાધૂંધીના યુગ ભણી ધપી રહ્યું છે. બ્રાઝિલના લોકો પરિવર્તન ઝંખે છે. તેમને ગરીબી અને બેરોજગારીમાંથી મુક્તિ જોઇએ છે ત્યારે હવે નવા રાષ્ટ્રપ્રમુખ લૂલાની એક નાની સરખી ભૂલ પણ બોલસોનારોના સમર્થકોને ઉશ્કેરવા માટે નિમિત્ત બને તેમ છે. હવે તરંગી તઘલખ જેવા બોલસોનારો કઈ દિશામાં જશે અને તેના સમર્થકોને ક્યાં લઈ જશે તે તરફ જ સૌની નજર રહેલી છે. 

    Sports

    RECENT NEWS