For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેરળમાં સ્વૈચ્છિક લોકડાઉન

Updated: Aug 14th, 2021

Article Content Image

દેશમાં સામસામાં બે પ્રકારના પ્રવાહો જોવા મળે છે. એક તરફ કોરોના વાયરસના સંયોગોની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના નાગરિકોના ટોળેટોળા ઉત્સવોના આનંદમાં બહાર છલકાવા લાગ્યા છે. કુલુના સ્થાનિક સત્તાવાળાઓએ પ્રવાસીઓના પ્રવેશ પર જ પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં લોકો છેક કુલુમનાલિ સુધી દોડે છે અને હેરાન થઈને પાછા આવે છે. આવા ભીષણ સંજોગોમાં ગુજરાતી પરિવારો આબુની સહેલગાહે ઉપડી ગયેલા છે. જાણે કે કોરોના જેવું કંઈ છે જ નહિ. દેશના ટોચના શહેરોમાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે. તો બીજી તરફ દેશના કેટલાક ગામડાઓ અને અમુક શહેરોના ચોક્કસ વિસ્તારો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને એનું પાલન કરવા લાગ્યા છે. કોઈ પણ રીતે કોરોનાને અંકુશમાં લેવા માટે જેઓ સભાન છે તેમને માટે આયુષ્યની રેખા લંબાઈ શકે છે. લોકોને કોરોનાની ઉપેક્ષા કરવાનું શિક્ષણ રાજનેતાઓ આપે છે. તેઓ અવારનવાર પોતાના કાર્યકરોના ટોળાઓ એકત્રિત કરે છે. 

કોરોનાની બીજી લહેરમાં એવા હજારો કાર્યકરો પણ માર્યા ગયેલા છે પરંતુ એનું અલગ આંકડાશાસ્ત્ર જાહેર થયું નથી. કેરળ માટે માત્ર સરકાર પરનો આધાર કોઇ કામનો નથી. ભારતમાં કેરળ ત્રીજી લહેરના સંક્રમણનું નેતૃત્વ કરે છે. જ્યાં સામુદાયિક રીતે એક સમાન વિચારધારા શક્ય છે, તેવા વિસ્તારો અને તેવા ગામડાઓ નવેસરથી પોતે નક્કી કરેલા સમયગાળા માટે લોકડાઉનનું પાલન કરવા લાગ્યા છે. કેરળના ઘણા ગ્રામવિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રયોગ સફળ નીવડયો છે. કારણ કે કેરળના ગામડાઓમાં અનેક સરપંચો તો ડોક્ટર કે એન્જિનિયર છે અને છતાં પોતાના બાપદાદાની વારસાગત ખેતીવાડી સંભાળે છે. આમ પણ કેરળમાં અભણ માણસ શોધવો બહુ મુશ્કેલ છે. ભારતમાં કોરોનાનો પ્રવેશ કેરળથી થયો તો પણ વારંવાર કેરળે કોરોનાના કેસનો આંકડો શૂન્ય પર લાવી દીધેલો છે. અત્યારે ભલે આ રાજ્ય ફરી રોગચાળામાં ફસાઈ ગયું છે પણ કેરળના અનુભવ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન બહુ કીમિયાગર ઉપાય છે

આ એક નવો પ્રવાહ છે જે દર્શાવે છે કે લોકો હવે પોતાની જાતને ઘરમાં વધુ સલામત માને છે. પરંતુ આવો સમુદાય બધો અને બધે નથી. કારણ કે લોકડાઉન એક લક્ઝુરિયસ જીવનશૈલી છે. એ કંઈ આમજનને પોસાય નહિ. બેઠાંબેઠાં જીવન શી રીતે નભે ? હશે એકાદ ટકા લોકો કે જેઓ વરસ બે વરસ રોટલો રળે નહિ તો ચાલે. અને રોજનું લાવીને રોજ ખાનારા અને મહિને લાવીને રોજ ખાનારા વચ્ચે અંતર બહુ ઓછું છે. એટલે હાથપગ બંધાઈ જાય એ નાના માણસને ન પોસાય. આતંકવાદને કારણે કાશ્મીરે વારંવાર જુદા જ અર્થમાં લોકડાઉન જેવા સન્નાટાનો અનુભવ કર્યો છે. આપણે જે સ્થિતિમાં થોડાક દિવસો પણ પસાર થતાં ન હતા, એમાં કાશ્મીરીઓએ દાયકાઓ વીતાવ્યા છે. તેઓ કેવી યાતનાઓમાંથી પસાર થયા હશે ! તેઓનામાંથી બધા જ ભલે નિર્દોષ ન હોય પરંતુ સતત બંધ રહેતી બજારો વચ્ચેનું ભયગ્રસ્ત જનજીવન કેવું હોય !

આ તરફ ગુજરાતમાં તો સાતમ-આઠમની રજાઓમાં હરવા-ફરવાના તમામ સ્થળોએ ધૂમ ગિરદી જોવા મળવાની છે. પહેલા લોકડાઉન વખતે જે મંદિરો બંધ રાખવામાં આવ્યા એના પટાંગણમાં પણ કેટલાક સ્થાનોએ તો લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા. આ વખતે મંદિરો ખુલ્લા છે અને ભક્ત-ભગવાન વચ્ચે લોકડાઉન નથી. એટલે હૈયે હૈયું દળાય એવી ભીડ થવાની છે. ભીડ જ વાસ્તવમાં કોરોનાને આપવામાં આવતું નિમંત્રણ છે. કોરોના એક રાતોરાત આવી પડેલી આફત છે. લોકો છેલ્લા ત્રણેક વરસથી તેની સાથે કામ પાડી રહ્યા છે. પરંતુ વિવિધ પ્રયાસો કર્યા હોવા છતાં સરકાર કોરોના સંબંધિત શિસ્તના પાઠ પ્રજાને ભણાવી શકી નથી અને એ જ કારણ છે કે સંક્રમણ અને મૃત્યુના આંકડાઓ સતત ઊંચે જતા રહે છે. ત્રીજી લહેરની નોબત વાગી રહી છે. અમેરિકામાં નવા કેસોનો આંકડો લાખ-દોઢ લાખનો થતો જ રહે છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે ત્રીજી લહેરમાં હર્ડ ઈમ્યુનિટી શક્ય જ નથી. 

ભારત જેવો વિરાટ અને અતિશય જનસંખ્યા ધરાવતો દેશ હર્ડ ઈમ્યુનિટીની પ્રતિક્ષા કરી શકે નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નિરીક્ષણ પ્રમાણે ડેલ્ટા વેરિયન્ટ સામે હર્ડ ઈમ્યુનિટીની શરૂઆત પણ દુનિયાના કેટલાક દેશોમાં ત્રણ વર્ષ પછી થશે. ઉપરાંત બીજી લહેરે સાબિત કર્યું છે કે ભારતીય પ્રજાનું સરેરાશ સ્વાસ્થ્ય પણ એવું નથી કે કોરોના વાયરસનો પ્રતિકાર કરવાની શક્તિ આપોઆપ જ ભારતીય માનવ શરીરોમાં વિકસી જાય. આપણી સફર બહુ લાંબી છે.

Gujarat