ચોતરફ વરસાદી પ્રલય વચ્ચે હિમાચલ પ્રદેશમાં હવે ડહોળાયેલાં જળ વચ્ચે પીવાના પાણીની તંગી સર્જાઈ છે. આવું દેશના અનેક પ્રદેશોમાં છે. ઇતિહાસમાં પહેલીવાર સિમલામાં પાણીની એવી કટોકટી સર્જાઈ કે લોકોએ ટેન્કરો સામે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડયું. સિમલામાં સ્થાનિક જનસંખ્યા પૂરી બે લાખ પણ નથી, પરંતુ ચાર-પાંચ લાખ નાગરિકો પ્રવાસે આવતા હોય છે. ગયા વખતે શિયાળામાં હિમવર્ષા પણ નહિ જેવી થઈ હતી. ઉત્તર ભારતની મોસમ બદલે એટલે કે દરેક ઋતુ તેનો નિયત ક્રમ બદલાવે તે લાંબા અરસામાં સમગ્ર દેશ માટે ચિંતાજનક સંકેત છે. અત્યારે તો નદીઓ પૂરપાટ બે કાંઠે વહેવા લાગી છે. દેશમાં ચોમાસાની જમાવટ હવે ભારે પડી રહી છે. નર્મદાના વહેણ ધસમસતા ઘૂઘવાટ કરતા આગળ વધી રહ્યાં છે. સંકટ વિસરાઈ જાય છે. સિમલાની પ્રજાએ આ વખતે પીવાના પાણીની જે કારમી તંગી અનુભવી તે આમ તો દેશના અનેક પ્રદેશો દાયકાઓથી સહન કરતા આવ્યા છે પરંતુ સિમલાએ દેશભરના પ્રવાસીઓનું અને પછી જનસમુદાયનું જળસંકટ તરફ ધ્યાન દોર્યું. જોકે ભારતીય પ્રજાની ગણના છુટ્ટે હાથે પાણીનો વેડફાટ-વ્યય કરવામાં થાય છે. હિમાચલ પ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી સુખવિન્દર સુખ્ખુએ સિમલાથી કુલુમનાલિ સુધીના સમગ્ર વિસ્તારમાં પાણીનો પુરવઠો જાળવવા અથાક પ્રયત્નો કર્યા, પરંતુ કારગત ન નવીડયા. છેવટે આ વરસાદ પહેલા હિમાચલ પ્રદેશમાંથી પ્રવાસીઓ ખાલસા થઈ ગયા. હવે આજે તો આમ પણ સ્થિતિ એવી છે કે પ્રવાસનનો લાંબી રિસેસ માટે ઘંટ વાગી ગયો છે.
જમ્મુ અને કાશ્મીરના હિંસાચાર અને અરાજકતાને કારણે ટુરિઝમની મોટી આવક ઢળતા ઢાળે હિમાચલ પ્રદેશને પ્રાપ્ત થવા લાગી હતી. કોંગ્રેસની નવી સરકારે તો શરૂઆતમાં જ રૂપિયા એક હજાર કરોડ રાતોરાત જળસંકટ નિવારવા માટે ફાળવ્યા તો પણ લાખો પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશ છોડવું પડયું અને અપપ્રચારને કારણે પ્રવાસનને ગંભીર નુકસાન થયું. બધી જ ફાઇવસ્ટાર હોટેલ સૂમસામ પડી રહી. જ્યાં બહારના પ્રવાસીઓનો ઘસારો નથી એવા બુંદેલખંડ જેવા અનેક પ્રદેશો દેશમાં આજે પણ એવા છે જેને માટે સરકારે કરોડો રૂપિયાના ફંડ ફાળવવાના બાકી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સાથે હવે હિમાચલ પ્રદેશ પણ પીવાના પાણીની કટોકટી ભોગવવા લાગતા ઉત્તર અને મધ્ય ભારતના બદલાયેલા હવામાનનો નવો સંકટકાળ જાહેર થવા લાગ્યો છે.
પાણીની સમસ્યાને માત્ર વરસાદ સાથે જોડીને અન્ય અનેક પાસાઓની ઊપેક્ષા થઈ રહી છે. વાસ્તવમાં દેશમાં ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઊંડે જવા લાગ્યું છે. કારણ કે કુલ વરસાદી જળ, તેમાંથી થતો સંગ્રહ અને એના વ્યવસ્થાપનની તુલનામાં કુલ વપરાશી જળનું પ્રમાણ બહુ મોટું છે. એની સામે વીતેલા ઉનાળામાં તો નર્મદા સહિતના દેશના સંખ્યાબંધ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા હતા. વપરાશી જળની માત્રા અધિક હોવાને કારણે ભૂગર્ભજળનું દોહન વધી ગયું છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં જળસ્તર ૪૦ મીટરથી વધુ ઊંડે સરી ગયું છે. મધ્ય, દક્ષિણ ગુજરાતમાં પાણીનું સ્તર હજુ ઉપર છે જે પણ આવનારા નજીકના વરસોમાં ઊંડે જશે.
બુંદેલખંડમાં સતત દુષ્કાળની પરંપરા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાણી માટે ત્રણ કન્ટ્રોલ રૂમની રચના કરી છે. એ કેવી આશ્ચર્યની વાત છે કે માત્ર બુદંલેખંડમાં જ પાણી પહોંચાડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે કુલ ૫૬૪ યોજનાઓ અમલી બનાવી છે તોય પાણીની બૂમાબૂમ યથાવત જળવાઈ છે. વિશ્વના દેશોમાં કુદરતી સંસાધનોની સાર્વત્રિક ઘટ વર્તાવા લાગી છે. પીવાના તરોતાજા પાણીની અછત એમાં ટોચના ક્રમે છે. દુનિયાના તમામ મહાનગરોમાં પ્રદૂષણને કારણે અને અછતથી પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. શહેરો ગીચ થતા જાય છે. રોજગારી અને ઔદ્યોગિક મંદીને કારણે શહેરો હવે વિરાટ ગામડાંઓ બની ગયા છે, કારણ કે સરકાર જેટલી સગવડ વધારીને શહેરનું નવીનીકરણ કરે છે એનાથી ત્રિગુણિત ઝડપે શહેરી વસ્તી વધતી રહે છે.
ગ્લોબલ વૉર્મિંગ સહિતના કારણોથી મોસમ બદલાતી રહે છે. વરસાદ હવે આગાહીઓને અનુસરતો નથી. કારણ કે વીજળીક ગતિએ મોસમમાં પલટા આવવા લાગે છે. વૃક્ષનો પ્રચાર છે, પરંતુ પ્રજામાં વૃક્ષનો વિચાર નથી, હજુ જંગલો કપાતા રહે છે, પૃથ્વી પરથી હરિયાળી ચાદર સંકેલાતી જ જાય છે. પાણી માટેના નવા સંસાધનો ઊભા કરવા માટેના પ્રોજેક્ટમાં જ કરોડો રૂપિયા સરકારે વહાવી દેવા પડે એવા સંયોગો રચાવા લાગ્યા છે.


