યુદ્ધવિરામનો ભંગ કરવો એ પાકિસ્તાનની પ્રાચીન ટેવ છે અને એ દુનિયા આખી જાણે છે. પોતાના પગ પર કુહાડો મારવામાં પાકિસ્તાન સૌથી વધુ નિષ્ણાત છે. પરિસ્થિતિ હજુ ઘણી પ્રવાહી છે. પાકિસ્તાનની આયુષ્ય રેખા ભારતની સંયમશીલતા પર નિર્ભર છે. એક પછી એકૂદુષ્ટતા અને મૂર્ખતાથી પાકિસ્તાનનો ઇતિહાસ છલોછલ છે. ઉત્તમ માનવતત્ત્વની કટોકટી એક દેશને કેવા ઊંડા ખાડામાં ઉતારે છે તેનું સાક્ષાત દ્રષ્ટાન્ત પાકિસ્તાન છે. પાકિસ્તાનમાં આતંકવાદી માળખા પર ભારતના હુમલાઓ અંગે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા ચિંતાજનક રહી છે, પરંતુ તેનો સ્વર હળવો અને આરોપ વગરનો રહ્યો છે. આ સૂચવે છે કે વિશ્વના મોટાભાગના દેશોની રાજધાનીઓ પહેલગામ હુમલાના જવાબમાં ભારત પાસેથી આવી જ કાર્યવાહીની અપેક્ષા રાખી રહી હતી અને ધારી પણ રહી હતી. સંયમ અને સંવાદ અને રાજદ્વારી પદ્ધતિ દ્વારા ઉકેલ લાવવાની હાકલ કરવામાં આવી છે, પરંતુ કોઈપણ દેશે હુમલાઓને ટાળવા માટે ભારત પર દબાણ લાવવા કોઈ કોશિશ કરી નથી તે અન્ય દેશોની એક પ્રકારની સંમતિ અને ભારતનું સમર્થન છે.
૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાથી શરૂ થયેલા સંકટ દરમિયાન નવી દિલ્હીએ વિદેશી રાજદૂતોને જે રીતે બ્રિફ કર્યા અને વડા પ્રધાન, વિવિધ મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા વિશ્વભરના તેમના સમકક્ષોને કરેલા કોલ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. ભારતે જગતને એક પરિપક્વ મેસેજ મોકલ્યો છે કે ભારત એવા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે જેમના પર તે પાકિસ્તાન પાસેથી આવી કાર્યવાહીની અપેક્ષા રાખતો હતો, ખાસ કરીને પહેલગામ હુમલાના બર્બર ઘટનાક્રમ પછી. ભારતે વિશ્વ સમુદાયને ખાતરી આપી છે કે કોઈપણ નાગરિક, આર્થિક કે લશ્કરી સ્થળ પર હુમલો કરવામાં આવશે નહીં.
ઉપયોગમાં લેવાયેલા પ્રતીકવાદને પણ અવગણી શકાય નહીં - કાર્યવાહીના સાક્ષી બે અલગ અલગ ધર્મોની મહિલા અધિકારીઓ હતા, જે એક પ્રગતિશીલ, બહુલવાદી અને દ્રઢ રાષ્ટ્રની છબી રજૂ કરે છે. યુદ્ધ વિરામના ભંગથી સ્પષ્ટ થાય છે કે તણાવ વધતો જ રહેશે. યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવા માટે નવી દિલ્હી અને ઇસ્લામાબાદનો સંપર્ક કર્યો છે, અને સાઉદી અરેબિયા અને ઈરાનના વિદેશ પ્રધાનોની ભારત મુલાકાત પણ આમાંની કેટલીક ચિંતાઓ તરફ નિર્દેશ કરે છે. પાકિસ્તાનના મિત્રો ઓછા હોવા છતાં, તેના ચીન, તુર્કી અને મલેશિયા જેવા સાથી દેશો છે. જેઓ ગીધને જેમ મરણોન્મુખ પશુઓ પ્રિય હોય છે એમ પાકિસ્તાન પ્રિય છે. આ વાત ખુદ પાકિસ્તાન સમજે એમ નથી. કારણ કે પાકિસ્તાનના સુકાનીઓ પાસે આર્થિક કટોકટીની જેમ બૌદ્ધિક કટોકટી પણ છે.
ઈ. સ. ૨૦૧૯ માં, પુલવામા આતંકવાદી હુમલા બાદ, ભારતે ઉત્તર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ વખતે ભારતનો પ્રતિભાવ વધુ તીક્ષ્ણ અને વધુ દ્રઢ રહ્યો છે. મુરીદકે અને બહાવલપુર પંજાબમાં છે, જે પાકિસ્તાનના શાસક વર્ગનું કેન્દ્ર છે. આ વર્ગ આતંકવાદ પર બેવડી રમત રમી રહ્યો છે. દાયકાઓથી, પાકિસ્તાન પરમાણુ બ્લેકમેલની છત્રછાયા હેઠળ, ભારત સામે યુદ્ધના સસ્તા હથિયાર તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે. ભારત આનો યોગ્ય જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. પહેલા બાલાકોટ અને હવે ઓપરેશન સિંદૂર, એ સ્પષ્ટ છે કે આર્થિક અને રાજદ્વારી પગલાં ઉપરાંત, ભારત તેની સામે આતંકવાદી હુમલાની સ્થિતિમાં ખુલ્લો લશ્કરી જવાબ પણ આપી શકે છે. ભારતનો આ અગાઉ કરતાં વધુ આક્રમક અને વીરોચિત ચહેરો છે જેને વિશ્વ હવે સ્વીકારે છે. દાયકાઓથી એકધારા આતંકવાદી નાના-મોટા હુમલાઓમાં શહાદત વહોરાના ભારતીય સૈનિકોને પરમ સન્માન આપવાની દેશની આ રીત પર ભારતીય પ્રજા શાસકનો અને સૈન્યનો ઉત્સાહ વધારી રહી છે તે આપણા દેશની એકતા અને અખંડિતતાની ગવાહી છે.
અને એ જ તો વિકસિત રાષ્ટ્રોની ઈર્ષ્યાનું પ્રમુખ કારણ છે. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના જવાબમાં ખુલ્લી લશ્કરી કાર્યવાહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વ્યૂહરચનામાં લાંબાગાળાનું અને હવે અનિવાર્ય એવું પરિવર્તન દર્શાવે છે. આનાથી પાકિસ્તાનનું વર્તન બદલાશે કે કેમ તે અનિશ્ચિત છે. પરંતુ લોકમાનસમાં પ્રવર્તમાન સરકાર વિશે એવી છબી અત્યારે સ્પષ્ટ છે કે ભારત હવે આ યુદ્ધ અધૂરું છોડશે નહિ. ભારતે અન્ય દેશો સુધી પહોંચ્યું છે અને વૈશ્વિક શક્તિઓએ પાકિસ્તાનને જવાબદારીપૂર્વક કાર્ય કરવા માટે દબાણ કરવા માટે તેમના નોંધપાત્ર પ્રભાવનો ઉપયોગ કર્યો છે તો પણ પાકિસ્તાન પર કોઈને વિશ્વાસ નથી. યુદ્ધ વિરામના ભંગ દ્વારા પાકિસ્તાને સ્વયં પોતાનું પોત દર્શાવીને કહ્યું છે કે ખરેખર તે પોતે વિશ્વાસપાત્ર નથી.


