Get The App

પરિવર્તન કે પુનરાવર્તન? .

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
પરિવર્તન કે પુનરાવર્તન?                            . 1 - image

ભારતમાં જે રાજકીય પક્ષો આજ સુધી સત્તારોહણ કરતા રહ્યા છે તેઓ સદાય મતદારોના મનોવિજ્ઞાનના એક્કા હોય છે. તેઓ વાતો તો અનેકરંગી કરે છે, પરંતુ તેમના ખિસ્સામાં એક સાથે વિરાટ સમુદાય ધરાવતા મતદારોના પ્રવાહને પોતાના તરફ વાળી લેવાની કારીગરી હોય છે. આ કારીગરી એટલે પોતાને મત આપવા ન ચાહતા હોય તેના હાથમાંથી પણ જે રીતે કાગડાએ ધારણ કરેલી પુરી શિયાળે ગુરુત્વાકર્ષણની અને સ્તુતિકર્ષણની મદદથી આંચકી લીધી તે રીતે આંચકી લેવાની કળા! ભારતીય મતદારો દિલથી મત આપે છે, દિમાગથી નહિ - એ વાત તમામ રાજનેતાઓ જાણે છે.

વાતો સહુ કરે છે, નેતાઓને સાંભળે છે, પરંતુ ઉમેદવારની યોગ્યતા અંગેના ધોરણો જળવાતાં નથી, એને કારણે આપણી આજ સુધીની તમામ લોકસભામાં બાઘા છાપ મુદ્રામાં પાંચ વરસ અવરજવર કરનારા નેતાઓ જ બહુમતીમાં રહ્યા કરે છે. જ્યાં સુધી લોકોનું પ્રતનિધિત્વ કરતા નેતામાં વજૂદ ન હોય ત્યાં સુધી કોઇ પણ અર્ધયોગ્ય કે અયોગ્ય વ્યક્તિઓ આ દેશ પર શાસન કરી શકે છે. આજકાલના રાજનેતાઓ લોર્ડ મેકોલેથી પણ ચાર પગથિયે નીચે ઊભા છે. મેકોલેએ બ્રિટિશ પાર્લામેન્ટને ભારતને ભણાવવા અંગે કહ્યું હતું કે અભણો પર રાજ કરવું એના કરતાં ભણેલાઓ પર રાજ કરવું વધારે સુગમ અને સરળ રહેશે. એની તુલનામાં આજના આપણા રાજનેતાઓ પોતાના વિજેતા નીવડવાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા બેસે છે ત્યારે બુદ્ધિજીવીઓને સાઇડમાં રાખીને એ જ વિચારે છે કે આપણા મતવિસ્તારમાં અભણ એટલે કે જ્ઞાતિ-જાતિની તાણમાં તણાઇ જાય એવા મતદારોની સંખ્યા કેટલી છે?

દેશના બહુધા મતવિસ્તારોમાં તો વિવિધ પ્રકારની તાણમાં તણાઇ જાય એવા મતદારોની સંખ્યા જ વધુ છે. એને કારણે જ ખેલાડીઓ તેમના ખેલ ગોઠવીને બાજી પોતાના હાથમાં લઇ લે છે. એવું નથી કે આગામી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી ઐતિહાસિક છે. શું અન્ય ચૂંટણીઓ ભૌગોલિક હતી? દરેક ચૂંટણી એક જ સરખું મહત્ત્વ ધરાવે છે અને દર વખતે પ્રજા પાસે એક જ પ્રશ્ન હોય છે કે પુનરાવર્તન કરવું કે પરિવર્તન કરવું? દર વખતે પ્રજા સ્વહસ્તે જ ઈતિહાસનું નવું પાનું જે આગામી પાંચ વરસના ભવિષ્યનું સર્જન કરે છે તેને આલેખે છે. યુગ એટલો બદલાઇ ગયો છે કે બધા, બધું જ જાણે છે. લોક સમસ્તને પણ એક દેવ માનવામાં આવે છે. લોકદેવતાભ્યો નમ: એમ કહેવાય છે. એટલે લોકો પણ કેટલુંક ભવિષ્ય તો પોતાના આપબળે આંતરસૂઝથી જાણતા હોય છે.

છતાંય ખોટા ચહેરાઓ લઇને નેતાઓ હવે જે નાટયશાળાના અઠંગ ઉપાસક જેવા અભિનયો કરવાના છે તેના પ્રભાવથી મુક્ત રહીને નિર્ણય કરી શકવાની ક્ષમતા ધરાવવી એ પ્રજાની પોતાની કસોટી છે. માત્ર રાજકારણની ક્યાં વાત છે? દેશનાં તમામ ક્ષેત્રોમાં સારા માણસોની સંખ્યા ઓછી છે. સજ્જનો અલ્પ સંખ્યામાં હોય એને જ તો કલિકાલ પ્રવર્તન કહે છે. ચૂંટણી એ આમ તો આ અર્થમાં કોલસાઓના ઢગલામાંથી હીરા શોધવાની ને એને સપાટી પર લાવવાની પ્રવૃત્તિ છે. સો કરોડ પુખ્ત મતદારો નવી ચૂંટણી પ્રક્રિયા દ્વારા રાજનેતાઓનું ઘડતર કરે એ આસાન વ્યાયામ નથી.

એક સમયે ટેલિવિઝન ભારતીય પ્રજાજીવન વચ્ચે પહોંચ્યું અને રામાયણ તથા મહાભારત જેવી શ્રેણીઓએ એને ઘરે ઘરે પહોંચાડયું ત્યારે એમ માનવામાં આવતું કે હવે દેશના નાગરિકોને બધી જ ખબર પડશે અને તેઓ મલ્ટિડાયમેન્શનથી વિચારતા થશે એથી દરેક ઉમેદવારનું યોગ્ય મૂલ્યાંકન કરીને જે વધુમાં વધુ યોગ્યતા ધરાવતા હશે તેને જ મત આપશે, પરંતુ એવું કંઇ થયું નથી. રાજનેતાઓની જ્ઞાતિ-જાતિ-ધર્મની સોગઠાબાજી ટેલિવિઝનને ગળી ગઇ છે, એટલું જ નહિ, ભારતીય નેતાઓ હવે આખેઆખી ટેલિવિઝન ચેનલોને ગળી જતાં પણ શીખી ગયા છે. એટલે જ કેટલાક લોકો એમ કહેવા લાગ્યા છે કે જો ભારતે લોકશાહી બચાવવી હોય તો ચૂંટણીનાં અરસામાં ટેલિવિઝન બંધ કરી દેવું જોઇએ, જે જોકે સદંતર અસંભવ છે! 

ભારતીય બંધારણ આપણા નેતાઓ પાસેથી શી અપેક્ષા રાખે છે તેની ચર્ચા વિવિધ સ્વરૂપે પૂરાં પાંચ વરસ જુદા જુદા મંચ પર ચાલતી જ રહે છે. આપણા દેશમાં ઓટલા પરિષદો પણ ઓછી નથી. સહુ ટોળે વળીને દિલ્હી અને ગાંધીનગરના તખ્ત વિશે મૌલિક અભિપ્રાયોનો ધોધ વરસાવતા હોય છે, પરંતુ મત આપવાની વેળા આવે ત્યારે કોઇ તાણમાં તણાયા વિના મનોવૈજ્ઞાનિક સ્વસ્થતાથી જો તેઓ નિર્ણય લેતા થાય તો પછીનાં પાંચ વરસ ચર્ચાને અવકાશ ન રહે, પ્રજા, પ્રજાનું કામ કરે અને ચૂંટાયેલા નેતાઓ લોકકલ્યાણનું કામ કરતા રહે. પરંતુ એવી સ્થિતિ આવવાથી હજુ આપણે ઘણા દૂર છીએ, સફર લાંબી છે, કષ્ટદાયી પણ છે, પરંતુ લોકજાગૃતિ એ કષ્ટ ઓછું કરી શકે છે.