Get The App

અખાતમાં નવો યુદ્ધોન્માદ .

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
અખાતમાં નવો યુદ્ધોન્માદ                           . 1 - image

ઈરાને અખાતમાં અઢાર અમેરિકી મથકો પર નવા હુમલાઓ કર્યા છે. યુદ્ધ એના ખતરનાક વળાંક તરફ આગળ વધવા લાગ્યું છે. ત્રણ ભારતીય ટેન્કરો પણ ઈતર હુમલાનો ભોગ બનતા ભારતના ત્રણ ખલાસીઓના હોર્મુઝની ખાડીએ બલિદાન લીધા છે. યુક્રેન યુદ્ધ ક્યારે પૂરું થશે એમાં જગતને રસ નથી. યુક્રેનના પ્રજાજનોની, એમનાં માસૂમ બાળકો, સ્વપ્નશીલ નેત્રવંતી સ્ત્રીઓ અને ભરયુવાનીએ નિવૃત્તિ ભોગવતા યુવાનોની પરિસ્થિતિ શું છે એના વિશે પણ સર્વથા આ વિશ્વ અજ્ઞાાત છે અને અજ્ઞાાત રહેવા ચાહે છે, પરંતુ ઈરાન અને અમેરિકાનું યુદ્ધ એ નિત્ય જિજ્ઞાાસાનો વિષય છે. જે યાતનાઓના છાંટા પોતાના પર પડતા નથી, જે અગનઝાળ પોતાને દઝાડતી નથી એની ચિંતા કરવાનું માનવજાતે કહેવાતા વિકાસના વર્તમાન વળાંકે છોડી દીધું છે.

આમાં ક્યાંય સર્વે સુખિનઃ સન્તુ કે સર્વે સન્તુ નિરામયા માટે જગ્યા નથી. આ યુદ્ધોન્માદમાં જગત સંડોવાયું એના ક્યાંય પહેલાથી માણસાઈનો દુષ્કાળ છાને પગલે ચાલુ થઈ ગયો છે જેની તબક્કાવાર હવે દુનિયાને ખબર પડી રહી છે. અખાતી યુદ્ધમાં સહુને રસ છે, કારણ કે દરેક નાગરિકના ઘરના ચૂલા ગરમ રહેશે કે ઠરશે એનો નિર્ણય ઈરાનના સમુદ્રની આ ખાડીમાં થાય છે. કેટલાક ઘટનાક્રમો એવા છે કે વિશ્વના દરેક નાગરિક પર એનો પ્રભાવ પડે છે. સંવેદના કે જે હૃદયની કરૂણા અને ઉદારતા આધારિત હતી તે ક્રમશઃ લાભ-ગેરલાભ આધારિત થવા લાગી છે, જે પશુતાની લાક્ષણિકતા છે. યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકા અને યુરોપે સહાયક વચનોની લાંબી યાદી ઉચ્ચારી હતી. શરૂઆતમાં અમેરિકાએ પ્રતીકાત્મક શસ્ત્ર સહાય કરી. પછી થોડું ફંડ પણ રિલિઝ કર્યું. આ બધું જ યુદ્ધ હારવા માટેના આશ્વાસન જેવું હતું, રશિયાને પછાડવાની તાકાત આપે એવું એમાં કશું ન હતું.

એને કારણે પોતાના મર્યાદિત શસ્ત્ર ભંડાર સાથે યુક્રેન આગળ વધતું રહ્યું. યુક્રેનમાં લોકશાહી છે. એની પ્રજાને સ્વતંત્રતા અતિપ્રિય છે અને એ માટે તેઓ આકરી કિંમત ચૂકવી રહ્યા છે. સસ્તી સ્વતંત્રતા આ પૃથ્વી પર હવે ક્યાંય ઉપલબ્ધ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ઈરાનને ધ્વસ્ત કરવા માટે હજુ પૂરતો સમય છે ને એમનામાં બાહ્ય નાટકયાત્મકતા સાથે ભીતરની ધીરજ પણ છે. તેઓ ઈરાનને ટુકડે ટુકડે ખતમ કરવા ચાહે છે અને એમ જ કરી રહ્યા છે. યુદ્ધ શરૂ થયું ત્યારે વિશ્વ સમુદાયની ઈરાન પરત્વે સહાનુભૂતિ હતી. ટ્રમ્પે ઈરાનના અભિમાનને અને હોર્મુઝના અંતરાયોને છતા કરીને એ સહાનુભૂતિ ધોઈ નાંખી છે એટલે હવે જગત ઈરાનને ઉચ્ચભૂ્ર થી જોઈ રહ્યું છે. ઈરાનના અનેક પ્રદેશોમાં એની પોતાની કરન્સી ચાલતી નથી. કેટલીક બજારોમાં વસ્તુ વિનિમય પ્રથા ચલણમાં આવી છે.

એક કાચની ખાલી બોટલને બદલે એક બ્રેડનું પેકેટ. બે જોડ જુના કપડાના બદલામાં એક લીટર દૂધ. એક કિલો લોખંડના ભંગારના બદલામાં એક કિલો અનાજ. આમ જેવા વેપારી ને જેવા ગ્રાહક એમ દિવસો નભે છે. જગતના ચોકમાં આ સંકટ અજાણ્યું છે. સળંગ લાંબા સમયથી દુનિયાના ત્રણ-ચાર દેશોમાં શાળાઓ બંધ છે. તુર્કીએ આપેલી નવી ચેતવણી પ્રમાણે હજુ યુદ્ધના નવા મોરચાઓ ખુલી શકે છે. ટ્રમ્પે ભયાનક ટોમહોક મિસાઈલોનો પ્રયોગ શરૂ કર્યો છે અને હવે તેઓ વધુ વિઘાતક શસ્ત્રોના ખાંડા ખખડાવી રહ્યા છે. કુવૈતમાં તેર હજાર અમેરિકી સૈનિકો ઈરાન સામેના ભૂમિગત યુદ્ધ માટે તૈયાર છે છતાં પેન્ટાગોને આ સૈન્યસંખ્યા આ સપ્તાહમાં ડબલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ટ્રમ્પના રાજકીય બકવાસ અને પેન્ટાગોનની વ્યૂહરચનાઓ - બન્ને સ્વતંત્ર રીતે કામ કરે છે.

દુનિયા એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના માયાવી ઉચ્ચારણમાં અટવાયેલી રહે છે ત્યારે બીજી તરફ પેન્ટાગોન ઈરાનના વિનાશની ડિઝાઇન તૈયાર કરે છે. આ ઘટનાક્રમ લાંબા સમયથી સમાંતર રીતે ચાલે છે. પરંતુ હવે એના પરિણામો બહુ નજીકમાં દેખાઈ રહ્યા છે. એક પક્ષકાર તરીકે અમેરિકાના સાથે ઈઝાયેલનું જોડાણ જર્જરિત થવા આવ્યું છે. નેતન્યાહુની લેબનોન અંગેની ચાલાકીઓ છતી થઈ ગઈ છે જેનાથી ટ્રમ્પ ખિન્ન છે. ઠરેલી રાખમાંથી અંગારા બેઠા કરવાનું કામનું બીજું નામ લેબનોન છે. બહુ નજીકમાં જ અમેરિકા હવે ઈઝરાયલ સાથે છેડો ફાડીને, ખુદ ઇઝરાયલને નુકસાન થાય એ રીતે ઈરાન સાથે કરાર કરશે. લેબનોન પરના આક્રમણો અટકાવવાની અમેરિકાની વારંવારની સૂચનાનો નેતન્યાહુએ કરેલો અનાદર એને ખુદને જ ભારે પડશે.