મહાનાયકથી નવો ફફડાટ .
અમિતાભ બચ્ચન અને એના કુટુંબીજનો પણ કોવિડ-૧૯ પોઝિટિવ જાહેર થયા પછી સર્વસામાન્ય લોકલાગણી એવી છે કે જો સદીના મહાનાયકને પણ ઇન્ફેક્શન લાગી શકતું હોય તો કોઈને પણ વાયરસની અસર થઈ શકે. શરૂઆતી દૌરમાં કોરોના વાઇરસનો ફેલાવો પણ સામાજિક- આર્થિક વર્ગ મુજબ હતો કે વિદેશથી આવનારા લોકોના વર્ગમાં જ ફેલાતો.
એના પછી તબલિઘી જમાતનો વિવાદ બહાર આવ્યો અને અમુક શહેર કે અમુક રાજ્યના ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ફેલાયો. છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન જોવા મળે છે. જે હસ્તીઓ સાધનસંપન્ન હોય અને પોતાના ઘરમાં સ્ટરીલાઈઝેશનની પૂરતી સગવડો ધરાવતી હોય એને પણ ચેપ લાગુ પડતા ફફડાટનું એક નવું મોજું પ્રજામાં પ્રસર્યું છે.
દરરોજ કોરોના વાયરસને કારણે પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે. જે એક સમયે ગ્રીન ઝોનમાં આવતા એવા પ્રદેશોમાં પણ રોજના પોઝિટિવ કેસો વધતા જાય છે. મોટા મોટા શહેરોમાં ફરીથી લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં નવા પ્રકારે અને નવેસરથી લોકડાઉન પ્રણાલિકાનો પુનરોદય થયો છે. એવે સમયે કોરોનાની રસી ક્યારે આવશે આ સવાલ જનમાનસમાં જોરશોરથી ઉદભવી રહ્યો છે.
કોરોનાની રસીમાં ભારતીય ફાર્મસી કંપનીઓ પણ દિવસરાત એક કરી રહી છે. એક સમયે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોવિડ-નાઇન્ટિનની વેકસીન આવી જશે એવું સંભળાતું હતું પરંતુ હાલમાં સંસદને જ કહેવામાં આવ્યું કે ૨૦૨૧ પહેલા રસી આવે એવી શકયતા નથી. એનો અર્થ એ કે દુનિયાની સેંકડો કંપનીઓ અત્યારે ચોવીસે કલાક કોરોના વેકસીનના સંશોધનમાં મશગુલ હોવા છતાં આ વર્ષે રસી આવે એવી સંભાવના ઓછી છે અર્થાત આ વર્ષે માર્કેટમાં રસી મુકવામાં બધંા ફાર્મા કંપનીઓ નિષ્ફળ નીવડશે.
આ ભારતીય ફાર્મસી ફિલ્ડ માટે સુવર્ણ તક છે. જે કંપની સૌથી પહેલા અસરકારક રસી બનાવશે એ કંપની અને તેનો દેશ માલામાલ થઈ જશે, ફક્ત આર્થિક રીતે નહીં પણ અન્ય મોરચા ઉપર પણ. વેકસીનની શોધમાં અત્યારે દુષ્ટ ચીન સૌથી વધુ આગળ છે એવું સંભળાય છે અને એના પછી અમેરિકા તથા બ્રિટન વેકસીન માટે તડામાર તૈયારી કરી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક ફાર્મસી કંપની એસ્ટ્રાઝેનિકા અને ઓક્સફોર્ડ બન્ને વેકસીનની રેસમાં સૌથી આગળ છે. ચીન તેની સરહદની અંદર થતી તમામ બાબતો આડે લોખંડી પડદો રાખવામાં નિષ્ણાત છે.
એણે કાયમ જગતની લાજ કાઢવી પડે છે. સામ્યવાદના મૃત્યુઘંટ પછી જ એ ઘૂંઘટ હટશે. એટલે ચીની ફાર્મા કંપનીઓ વેકસીનના કયા ફેઝમાં છે એ નિશ્ચિતપણે કહી શકાતું નથી. પરંતુ ચીની વિજ્ઞાાનીઓએ કોરોના વાઇરસનો સૌપ્રથમ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો અને એ બધો ડેટા તેમણે અમેરિકન કંપનીઓ સાથે વ્હેચ્યો હતો માટે ચીન વેકસીન બનાવવામાં સૌથી આગળ હોય એવું સંભવ છે.
એક કરતા વધુ ભારતીય ફાર્મા કંપનીઓ કોરોના વેકસીનમાં સંશોધન કરી રહી છે. ધારણા કરતા આપણી કંપનીઓ વેકસીનના જુદા જુદા તબક્કામાં ઘણી આગળ છે. કેડીલા હેલ્થકેર, ભારત બાયોટેક, જીનોવા, ઓરોબિંદો ફાર્માસ્યુટીકલ્સ, સિરમ ઇન્સ્ટિટયુટ, બાયોલોજીકલ ઇ એન્ડ કોલાબ્રેશન્સ - આટલી ભારતીય કંપનીઓ કોરોના વેકસીનની તૈયારી કરી રહી છે. દરેક વેકસીન બનાવવાના અમુક તબક્કાઓ હોય છે. મનુષ્ય ઉપર જે તે રસીની અસર ચકાસવાના પ્રયોગને ક્લિનિકલ ટ્રાયલ્સ કહેવામાં આવે છે.
તેની પહેલાનું લેબોરેટરી વર્ક પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ કહેવામાં આવે છે. કોઈ વેકસીન કે દવા ક્લિનિકલ ટ્રાયલના ચાર ફેઝ જો સફળતાપૂર્વક પસાર કરી શકે તો પછી જ તેનું ઉત્પાદન કરવાની મંજુરી મળતી હોય છે. જીનોવા, ઓરોબિંદો અને બાયોલોજીકલ અત્યારે પ્રિ-ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે. કેડીલા અને ભારત બંનેમાં બીજો તબક્કો ચાલી રહ્યો છે. એકમાત્ર સિરમ ઇન્સ્ટિટયુટની વેકસીન ત્રીજા તબક્કામાં પ્રવેશી છે.
વેકસીન કોઈ પણ દેશની કંપની શોધી લાવે, ભારતીય સહકાર વિના આખા વિશ્વના દરેક નાગરિક માટે ટૂંકાગાળામાં અને મહા-જથ્થામાં વેકસીનનું ઉત્પાદન શક્ય નથી. આજે કે આવતીકાલે રોગચાળાને નાબૂદ કરવા માટે ભારતની મદદની જરૂર અવશ્ય પડશે. પરંતુ જો ચમત્કાર થાય અને ભારત કોરોનાની સૌપ્રથમ રસી શોધવામાં સફળ જાય તો ભારતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ફાયદા મળી શકે એમ છે. ફક્ત ફાર્મા ફિલ્ડને જ નહીં દરેક ક્ષેત્રને અને ભારતના અર્થતંત્રને પણ તેની હકારાત્મક અસર થશે. ભવિષ્યમાં પણ મેડિકલ ક્ષેત્રે ભારતનું નામ અદબથી લેવાશે. મેડિકલ ટુરિઝમ માટે ભારત વૈશ્વિક હબ બની શકે એમ છે અને બીજા પણ અગણિત ફાયદાઓ થશે. પરંતુ આ રમણીય અને લક્ષ્મીવંત કલ્પના જો અને તો પર જ ટકેલી છે.