સર્બિયા-કોસોવોની કહાણી
લઘુમતી એટલે? જેમની સંખ્યા ઓછી છે! કેટલી ઓછી? એક ટકો વસતી લઘુમતી કહેવાય પણ દસ ટકા, પંદર ટકા, અઢાર ટકા લઘુમતી કહેવાય? તેત્રીસ ટકા, અડતાલીશ ટકાને લઘુમતી કહેવાય? ભારતના રાજકારણમાં લઘુમતી શબ્દ મહત્ત્વનો છે, કારણ કે લઘુમતીના મત વહેંચાઈ જતા નથી, પણ સામાન્ય રીતે એક સાથે જ આવે છે! અને અભ્યાસથી એવું પણ સમજાયું છે કે લઘુમતીના સ્ત્રી-મતો લગભગ સો ટકા એક જ પક્ષ અથવા વિચારધારાને મળે છે. યુરોપના આવા લઘુમતી રાષ્ટ્રો ૨૧મી સદીમાં યુદ્ધ કરીને એકબીજાના ભૂમિભાગ પર કબ્જો કરવા ચાહે છે. 'નાટો' તેનું માધ્યમ બન્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ તેનું પ્રસ્તુત ઉદાહરણ છે. અદ્દલ તેવી જ ઘટના યુગોસ્લાવિયામાં આકાર પામી રહી છે.
સોવિયેત યુનિયનથી વિખૂટું પડેલું યુગોસ્લાવિયા યુરોપનું નબળું અને નિર્બળ રાષ્ટ્ર છે. એ ઈ. સ. ૧૯૯૧માં આઝાદ થયું અને ૧૯૯૫માં તેનો તેના જ રાજ્યએ પોતાને દેશ જાહેર કરી દીધા. બાળક જન્મે અને તેનું બર્થ સર્ટિફેક્ટ પ્રાપ્ત કરવા જે રીતે માતા-પિતા બેબાકળા થાય એ જ રીતે યુગોસ્લાવિયાનાં છ રાજ્યો ક્રોએશિયા, મોન્ટેનેગ્રો, સર્બિયા, સ્લોવેનિયા, બોસ્નિયા, હર્ઝેગોવિના અને મેસેડોનિયા આઝાદ થયાં. પ્રથમ મોરચો સર્બિયાએ માંડયો, અન્ય પણ આઝાદ થયા, પરંતુ સર્બિયાને બાદ કરતા અન્ય રાષ્ટ્રોએ જન્મેલા બાળકની જેમ 'નાટો'નું સભ્યપદ મેળવી લીધું. છેક ૨૦૦૮માં સર્બિયાના જ એક ભૂમિભાગને લઈને કોસોવોએ પોતાને અલાયદું રાષ્ટ્ર જાહેર કરી દીધું. અને પોતાના પૂર્વજોની પ્રણાલી અનુસાર 'નાટો'નું સભ્યપદ તો મેળવ્યું એ સાથે યુએન સહિત ૧૦૦ રાષ્ટ્રોના સમર્થન સાથે એવી માન્યતા પણ પ્રાપ્ત કરી લીધી કે પોતે સ્વતંત્ર રાષ્ટ્ર છે. માંડ ૧૭ લાખની વસ્તી ધરાવતું 'કોસોવો' પોતાનાથી અલગ થયું તેનો આઘાત તો સર્બિયાને લાગ્યો, પણ અમેરિકા અને નાટોની સેનાથી સબયાના રાષ્ટ્રપ્રમુખ બોરિસ તાડિકના મનમાં હારનો ભય પેસી ગયો એટલે મૌન સિવાય કોઈ ઉત્તમ વિકલ્પ તેમને મળ્યો નહીં.
રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થતા સર્બિયાના પ્રવર્તમાન રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર વ્યુસિકે કોસોવો વિરુદ્ધ યુદ્ધ કરવાની ઘોષણા કરી દીધી. તેમણે એવી જાહેરાત કરી હતી કે વિઘટન પામેલા યુગોસ્લાવિયામાં એક માત્ર તેમને જ નાટોનો સપોર્ટ નથી. ચારેબાજુથી સહસ્ત્ર ફેણે શત્રુ તેમનો કોળિયો કરી જશે એટલે હવે યુદ્ધ એ જ કલ્યાણ! તો શું યુદ્ધ દરમિયાન અમેરિકા-નાટો નહીં નડે? ક્યાંથી નડે, સર્બિયાને રશિયાનો પૂરતો સપોર્ટ છે. યુક્રેનને હરાવવાની નેમ લઈને રશિયાએ યુદ્ધ તો શરુ કરી દીધું, પરંતુ આટલું લાબું ચાલશે તેની ધારણા પુતિનને પણ નહોતી. આજે પુતિનના એકછત્ર શાસનનો પૂર્ણચન્દ્ર સોળેય કળાનો રહ્યો નથી ને એમાં વદચન્દ્ર જેવી ક્રમિક અંધકાર ભણીની ઓટ આવવા લાગી છે.
રશિયાના આ અંધારાને ઉલેચવા પુતિનને વૈશ્વિક મોરચે પોતાના બાહુબળના દર્શન કરાવવા છે. એટલે જ રશિયા સર્બિયાની પડખે ઉભું છે. તો સામે પક્ષે અમેરિકા અને નાટો કોસોવોનો ઉપયોગ પોતાના સૈન્યની ઐય્યાશીઓ માટે કરે છે. કોસોવો અમેરિકા માટે ઉપવસ્ત્ર સમાન છે. તેને એકલું મૂકવું તો અમેરિકાને કઈ રીતે પાલવે! ઓછું હોય તેમ અમેરિકા રશિયા સાથે લડવા યુક્રેનને તો શસ્ત્ર સરંજામ પુરા પાડે જ છે. હવે જો કોસોવોનો સાથ પણ આપે તો રશિયાની બુરી વલે થાય. આવી સુવર્ણ તક અમેરિકા કોઈ પણે ભોગે છોડવા ચાહતંુ નથી. રશિયા પણ તૈયાર છે. બે મહાસત્તાઓના પ્રતીક યુદ્ધમાં ખોબા જેવડા રાષ્ટ્રો પ્યાદાં બનીને તોફાન કરે છે અને તેની નિર્દોષ પ્રજા યુદ્ધની યથા સંભવ કરૂણાન્તિકાઓમાં કચડાઈ રહી છે.
નવા વર્ષના પ્રથમ પહોરમાં જ સર્બિયાએ મોટી સંખ્યામાં પોતાના જવાનો કોસોવોની સરહદે ખડકી દીધા છે. બધું નેચરલ લાગે એટલે ઉત્તર કોસોવોમાં સર્બિયાન કમ્યુનિટીના લોકોએ મિત્રોવિકા શહેરના રોડ પર બેરિયર્સ લગાવી દીધા છે. મિત્રોવિકામાં એક મહિનાથી સબયન કમ્યુનિટી બિલાડીના ટોપની જેમ ઉગી નીકળી છે. કોસોવો સરકારના નાકે આ સમુદાયે દમ લાવી દીધો છે. તેના વિરુદ્ધ કોસોવો સરકારે આલ્બેનિયા સમુદાયને ઉભો કર્યો છે. બન્ને તરફથી સરહદ પર સંઘર્ષ શરુ કરવા તત્પરતા દાખવવામાં આવી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિમાં યુનાઇટેડ નેશન્સની મહત્ત્વની ભૂમિકા હોવી જોઈએ પરંતુ હવે યુએન એક તકલાદી સંઘ બની ગયો છે. ત્યારે જોવાનું રહેશે કે યુદ્ધનો પલીતો કોણ ચાંપશે - અમેરિકા કે રશિયા?યુક્રેન યુદ્ધને કારણે શરૂઆતમાં નાના દેશો ડઘાઈ ગયા હતા. કીડી પર કટક જેવું ચિત્ર હતું, પરંતુ હવે પોતાની માતૃભૂમિ માટે જાન કુરબાન કરવાની તમન્ના અનેક લઘુ રાષ્ટ્રોની પ્રજામાં સન્ક્રાન્ત થઈ છે.