Get The App

મોસમ હૈ આશિકાના .

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
મોસમ હૈ આશિકાના                           . 1 - image

શિયાળો દરરોજ રાત્રે પાછો ફરે છે ને દિવસે વાસંતિક તડકો તબક્કાવાર તીવ્ર થતો જાય છે. દ્વિમોસમ એક અનારોગ્યને લખેલી આદમ કદની કંકોતરી છે. ઘડીક શિયાળો અને ઘડીક ઉનાળો - આ ક્લાઈમેટ ચેઈન્જની રમત છે અને આ રમત જ આગળ જતાં જીવલેણ નીવડવાની હોય છે. પ્રજાનો શિયાળા માટેનો રોમાંચ ઓછો થઈ ગયો છે. ખરેખર તો શિયાળો અદભુત તંદુરસ્તીની મોસમ છે તો પણ આ વખતે સમગ્ર ભારતમાં જેની નોંધ ન લેવાય એવી નાની મોટી બીમારીઓના લાખો કેસો હોસ્પિટલોની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા છે. એનું એક બીજું કારણ એ છે કે એક તો નાગરિકોની સરેરાશ રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી ઘટી ગઈ છે. ગુજરાતી પ્રજા જંકફૂડ અને ફાસ્ટફૂડ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના આરોગ્યનું લીલામ કરતી જોવા મળે છે.

પહેલાંની તુલનામાં લોકોનો આહાર શુદ્ધિ માટેનો આગ્રહ વધ્યો છે. એને કારણે દેશનાં વિવિધ રાજ્યોની મહાપાલિકાના મોટા પેટવાળા ફૂડ ઇન્સ્પેક્ટરોએ દરોડાઓ પણ વધારી દીધા છે અને દરરોજ લાખો ટન અખાદ્ય સામગ્રીનો વિનાશ કરવામાં આવે છે. દેશમાં કેટલીક બ્રાન્ડેડ કંપનીઓના આઉટલેટ પરથી પણ વાસી, પડતર અને ફેંકી દેવાપાત્ર સામગ્રીઓ ઝડપાઈ રહી છે. એનો અર્થ એ છે કે ખાણીપીણીમાં કોઈપણ બ્રાન્ડ ભૂલચૂકથી મુક્ત નથી અને બ્રાન્ડનો અર્થ એ નથી કે એનો આહાર શુદ્ધ હશે. આપણી પ્રજામાં આહારનું મૂલ્યાંકન કરવા માટેનાં ધોરણો સ્વતંત્ર રીતે છે જ નહીં. સરકાર પાસે આગવું વ્યવસ્થા તંત્ર છે, પરંતુ ગુજરાતી પ્રજાને ખાણીપીણી પર કોઈ સલાહ આપે એ ગમતું નથી. ગુજરાતમાં એક નંબરનો અને બે નંબરનો જે મેડિકલ ઉદ્યોગ ધમધમે છે તેના મૂળ કારણમાં પ્રજાની આહાર અંગેની મૂર્ખતા જ જવાબદાર છે.

મોસમે આ વખતે બે વખત મોકાના સમયે પલટો મારેલો છે. પંદરેક દિવસ પહેલાં જ્યારે શિયાળો પૂરો થવા આવ્યો અને ઠંડી ધીમી પડી ત્યારે એકાએક પૂંછડી પછાડીને શિયાળાએ ફૂંફાડો માર્યો હતો તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આમ્રકુંજો પરથી કેરીના ફૂલ જેને મોર કહેવાય છે એ અઢળક માત્રામાં ખરી પડયા. હમણાં ત્રણચાર દિવસથી ફરી જે રાતભર ઠંડક વધી છે એને કારણે બાકી રહેલા મોર અને કેટલાક કેરીનાં નાના ફળ જેને આમડી કે ખાકટી કહેવાય તે પણ ખરવા લાગ્યાં છે. બાગાયતી કિસાનો અને કેરીના બગીચાના ઈજારદારોએ આ બદલાયેલી દ્વિમોસમમાં શેર બજારમાં ધોવાયેલા રોકાણકારો જેમ જ રડવાનો વારો આ વરસે આવી શકે છે. આનું મૂળ કારણ જોકે વાતાવરણના અકલ્પિત પલટાઓ છે.

સાંસ્કૃતિક બાબતોમાં જે ગુજરાત વિશ્વભરમાં એના રાસ-ગરબાથી ઓળખાય છે, એ જ ગુજરાત એક જમાનામાં ખાણીપીણીમાં બાજરાના રોટલા, ઊંધિયાનું શાક કે ફાફડા-જલેબીથી ઓળખાતું હતું. સરકારે મિલેટ તરફ પ્રજાને વાળવા માટે ઘણા ઉત્પાત મચાવેલા છે. મિલેટનો અર્થ થાય છે બરછટ ધાન્ય. હિન્દીમાં એને મોટા અનાજ તરીકે ઓળખવામાં આવે છે. આ કેટેગરીમાં બાજરો, જવ, કાંગ, સામો - એ પ્રકારના ધાન્યનો સમાવેશ થાય છે. જુવાર પણ આ જ કેટેગરીમાં આવે છે. વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો ઘણી સદીઓ પછી હવે મિલેટ તરફ પાછા ફર્યા છે.

અમદાવાદથી જમ્મુ-તાવી ટ્રેનમાં બેસો એટલે ત્રીજા દિવસે સવારે હિમાલયના ધવલ ગિરિશિખરોનો સૌન્દર્ય મંડિત સાક્ષાત્કાર થાય. હિમાલયની જાળવણી કરવામાં સરકારે હિમાલય જેવડી ભૂલો કરેલી છે. તળેટીના જંગલોની ઔષધિઓ કોર્પોરેટ સન્યાસીઓએ લૂંટી લીધી છે. ત્યાં નવા વાવેતર કરવાની કોઈને પડી નથી. આ વખતની ભારે બરફવર્ષાને કારણે નગાધિરાજ પર બરફના નવા થર બાઝયા છે, પરંતુ સરેરાશ દરેક દાયકે એ શ્વેત ચાંદની સરીખા પડળ આછા થતાં જાય છે એ ચિંતાનો વિષય છે. 

ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવના હિમ ખંડો પીગળતા એની નજીકના દેશોમાં નદીઓ પ્રલયકારી થઈ અને કાંઠાળ પ્રદેશોનું ભારે ધોવાણ થયું. આ વખતે તો ભારે હિમવર્ષા થઈ. યુરોપ અને અમેરિકામાં શિયાળાએ પોતાનું આક્રમક સ્વરૂપ પ્રદર્શિત કર્યું. ભારતમાં હિમાલય એ ખરેખર તો દુનિયાનો ત્રીજો ધુ્રવ પ્રદેશ છે. ભવિષ્યમાં ગમે ત્યારે વધી રહેલા ઉષ્ણતામાનને કારણે હિમાલયનો બરફ પણ એના નિયત ક્રમ કરતાં વધારે પીગળી શકે છે અને તો ઉત્તર ભારતથી દક્ષિણ તરફ વહેતી તમામ નદીઓમાં તોફાની પૂર આવી શકે છે. આ પ્રકારનું પૂર મુખ્યત્વે ઉનાળામાં આવવાની સંભાવના હોય છે, જ્યારે આકાશમાં એક પણ વાદળ ન હોય. ત્યારે નદીઓ હર્ષઘેલી થઈને વહેવા લાગે છે.