mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બહુરત્ના વસુંધરા...! .

Updated: Feb 12th, 2024

બહુરત્ના વસુંધરા...!                                         . 1 - image


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પાંચ મહાન હસ્તીઓને 'ભારત રત્ન'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ સૌથી પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ આ યાદીમાં વધુ ચાર નામ જોડાયા હતા. તેમાં મોદીના રાજકીય ગુરુ લાલ કૃષ્ણ અડવાણી સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને નરસિંહ રાવનું નામ પણ સામેલ છે. આ સાથે જ કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિના મહાનાયક એવા વૈજ્ઞાાનિક એમ. એસ. સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીના માહોલમાં ભારત રત્ન માટે આ વ્યક્તિત્વોની પસંદગી પાછળનું પણ ચોક્કસ ગણિત છે એમ બધા માને તે સ્વાભાવિક છે પરંતુ સાવ એવું નથી. આ પાંચેય મહાપુરુષો પોતપોતાના ક્ષેત્રની સમર્પિત પ્રતિભાઓ છે જેણે દેશને પોતાની વિશિષ્ટ દ્રષ્ટિ સંપન્નતાથી આબાદ કરેલો છે.

વિવિધ રાજકીય પૃષ્ઠભૂમિ અને પ્રદેશોના નેતાઓ અને વ્યક્તિત્વોનું સન્માન કરીને, મોદી સરકારે સમાજના વિવિધ વર્ગોમાં પોતાની અપીલને વિસ્તૃત કરવાનો પ્રયાસ કર્યો છે. મોદી સરકાર બતાવી રહી છે કે તેને આ નેતાઓના યોગદાનનુ મહત્ત્વ સમજાય છે, જેમણે જે તે સમયે ભારતની વિકાસ યાત્રામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. ચોક્કસપણે એનડીએ સરકારનું આ વલણ મતદારોના હૃદયને સ્પર્શી જાય એવું છે. વિવિધ રાજકીય વિચારધારાઓ અને પક્ષો (જેમ કે કોંગ્રેેસના નરસિંહ રાવ અને ભાજપમાંથી એલ.કે. અડવાણી અને પૂર્વ વડાપ્રધાન ચરણસિંહ ) સાથે જોડાયેલા વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કરવો એ ભાજપને એક એવી પાર્ર્ટીના રૂપમાં સ્થાપિત કરે છે કે જે રાજકારણથી ઉપર ઊઠીને પણ જોઈ શકે છે. આ જાહેરાતો સાથે, ભાજપ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એવુ સાબિત કરશે કે તે રાષ્ટ્રના મહાનાયકોના સન્માનમાં તમારા અને મારાનો ભેદભાવ કરતા નથી, પરંતુ તેનાથી ઉપર ઊઠીને દરેકને યોગ્ય સન્માન આપે છે.

ભાજપના નેતાઓ જોરશોરથી પ્રચાર કરશે કે જેઓ દેશનું ભલું કરે છે તેઓ ભલે ભાજપ વિરોધી હોય, પરંતુ તેઓ તેમના યોગદાનને સ્વીકારે છે. આ સાથે ભાજપ પોતાના રાષ્ટ્રવાદના એજન્ડાને વધુ મજબૂત કરી શકે છે. કેન્દ્રની ભાજપ સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નની જાહેરાત કરી. ચરણસિંહ એ જમાનાના ખેડૂતોના નેતા હતા જ્યારે ભારતના ખેડૂતોને તેમના પોતાના પ્રશ્નોની જ ખબર ન હતી. ચરણસિંહે ઘણી ઉપેક્ષા સહન કરી છે. તે એટલી હદ સુધી કે તેમના મૃત્યુ પર મોરારજી દેસાઈએ એમ કહ્યું કે તેઓ સાચા ગાંધીવાદી ન હતા. એમને મળવું જોઈતું સન્માન મળ્યું ન હતું. એમનો રાજકીય વારસો દેશમાં ચોતરફ વેરાયેલો છે. આજે જેટલી પણ જનતાદળ પરિવારની પાર્ટીઓ છે એનું ગોત્ર ચરણસિંહ છે. ઓરિસ્સામાં બીજુ જનતાદળ હોય, કે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ હોય કે જનતાદળ યુનાઈટેડ હોય કે પછી ઓમ પ્રકાશ ચૌટાલાનું લોકદળ હોય, અજીતસિંહનું રાષ્ટ્રીય લોકદળ હોય કે અખિલેશની સમાજવાદી પાર્ટી હોય... આ આખા વંશવેલાનું મૂળ ચરણસિંહ છે.

તેમણે ગાંધીજી સાથે અને તેમના કહેવા પ્રમાણેના આંદોલનોમાં જે વરસો પસાર કર્યા તે મોરારજી દેસાઈ કરતાં વધુ છે. ચરણસિંહ વડાપ્રધાન હતા, લગભગ છ મહિનાની ટૂંકી ઈનિંગ તેઓ રમ્યા, ત્યારે ભારતીય કૃષિ મંત્રાલયમાં કરેલા કેટલાક પાયાના ફેરફારો આજે યથાવત છે. ટેકાના ભાવ અને સબસિડી માટેના તેમના મૂળ વિચારોને જ પછીની સરકારોએ મોડિફાઈડ સ્વરૂપમાં અમલી બનાવેલા છે. સરદાર પટેલ પછી દેશના ટોચના સ્થાને પહોંચેલા તેઓ એક અદના કિસાન હતા. બીજાની વાત તો ઠીક છે પણ કિસાનો ખુદ જ્યારે તેમના આ મહાન ચૌધરીને ભૂલી જ ગયા છે ત્યારે મિસ્ટર મોદીએ ઇતિહાસનું એ પાનું ઊઘાડી બતાવ્યું તે મોદીની કમાલ છે.

પીવી નરસિમ્હા રાવ તેમજ કૃષિ વૈજ્ઞાાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી પરંતુ એમના નામો લોકહૃદયમાં અંકિત છે. ચરણસિંહ જેમ ઝાંખા પડયા કે વીસરાયા નથી. ચોક્કસપણે, તેઓએ દેશની સામાજિક-આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના પર કોઈ પ્રશ્ન કરી શકે નહીં. દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સરકારે એક મહિનામાં પાંચ ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ગયા મહિને જ કર્પૂરી ઠાકુરને અને પછી ભાજપના સૌથી ઊંચા રહેતા નેતા લાલકૃષ્ણ અડવાણીને આ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એ અલગ વાત છે કે ચરણસિંહની જાહેરાત એવા સમયે થઈ જ્યારે તેમના પૌત્ર આરએલડી નેતા જયંત ચૌધરી ખુદ વિપક્ષી ગઠબંધનમાં રહેવું કે એનડીએમાં જોડાવું તે અંગે મૂંઝવણ હતી. આ જાહેરાત બાદ જયંત ચૌધરીએ કહ્યું કે સરકારે દિલ જીતી લીધું છે.

Gujarat