વજન ઘટાડવાની દવાઓનું વૈશ્વિક બજાર આ દાયકાના અંત સુધીમાં લગભગ ૧૦૦ બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. એકલા ભારતમાં, છેલ્લાં પાંચ વર્ષમાં આ બજાર પાંચ ગણું વધ્યું છે અને હવે તેનું મૂલ્ય લગભગ ૭૩ મિલિયન ડોલર છે. ડાયાબિટીસ અને સ્થૂળતાના દર્દીઓની વધતી સંખ્યા પણ આ વૃદ્ધિને આગળ ધપાવી રહી છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અનુસાર, ભારતમાં ડાયાબિટીસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને વિશ્વમાં ડાયાબિટીસથી પીડિત દર ચાર લોકોમાંથી એક ભારતીય છે. સમૃદ્ધિ વધતી જાય છે અને જીવનશૈલીમાં આરામ અને જંક ફૂડનું પ્રભુત્વ વધી રહ્યું છે, તેથી સ્થૂળતા પણ રોગચાળાના સ્તરે પહોંચી રહી છે. આનાથી ૮૦થી ૯૦ ટકા સસ્તી જેનરિક દવાઓના ઉત્પાદનમાં મોટો વધારો થવાની શક્યતા છે. આપણે ત્યાં દરેક ઘરમાં એક વ્યક્તિ જાતે બની બેઠેલી ડોક્ટર હોય છે. કોઈને કંઈ પણ થાય એટલે તે કૂદી પડે છે અને મુન્નાભાઈ એમબીબીએસ બનીને દવાઓના નામનો પોપટ પાઠ ઉચ્ચારવા લાગે.
સસ્તી જેનેરિક દવાઓની ઉપલબ્ધિથી બજારમાં તક અને ગ્રાહકોને થતા ફાયદા બંને નોંધપાત્ર છે. પરંતુ આ ઉપક્રમો જોખમો સામે સંતુલિત હોવા જોઈએ. ભારતીય દવા કંપનીઓ જંગી નફો કમાવા માટે તૈયાર છે. આનું કારણ એ છે કે વજન ઘટાડવાની અને ડાયાબિટીસની સારવાર માટે વપરાતી દવા સેમાગ્લુટાઇડનું પેટન્ટ ૨૦૨૬માં લગભગ ૧૦૦ દેશોમાં સમાપ્ત થઈ જશે. આ દેશોમાં ભારત, કેનેડા અને બ્રાઝિલનો પણ સમાવેશ થાય છે. સેમાગ્લુટાઇડમાંથી બનેલી દવાઓ ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્ક દ્વારા ઓઝેમ્પિક અને વિગોવી બ્રાન્ડ નામોથી વેચવામાં આવે છે. આ દવાઓ કંપની માટે ખૂબ જ સફળ રહી છે અને માત્ર ૨૦૨૪માં જ ૨૫ બિલિયન ડોલરની આવક મેળવી છે. આશ્ચર્યજનક વાત નથી કે, ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પણ આમાં એક મોટી તક જોઈ છે અને તેઓ બજારમાં સેમાગ્લુટાઇડનું ખૂબ સસ્તું જેનેરિક વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ભારતીય સ્થાનિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની બધી મોટી કંપનીઓ જેમ કે ડૉ. રેડ્ડીઝ, બાયોકોન, સન ફાર્મા, સિપ્લા, લ્યુપિન અને ઓરોબિંદો ફાર્મા વગેરે આ દવાના ઇન્જેક્ટેબલ અને ટેબ્લેટ સ્વરૂપોનું ઉત્પાદન જાતે કરવાની અથવા કરારના આધારે તેનું ઉત્પાદન કરાવવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. જોકે, આપણે બજારની તક અને ગ્રાહકોને મળતા ફાયદાઓને સંભવિત જોખમો સામે પણ તોલવાની જરૂર છે.
જોકે, સમૃદ્ધિ તરફની આ યાત્રા અવરોધોથી ભરેલી હોઈ શકે છે. નોવો નોર્ડિસ્ક સેમાગ્લુટાઇડની પેટન્ટ મુદત લંબાવવાની પરંપરાગત સદાબહાર વ્યૂહરચના અપનાવી શકે છે, જેનાથી જેનેરિક દવાઓનો પ્રવેશ અટકાવી શકાય છે. તેણે હાલમાં પેટન્ટ ઉલ્લંઘનનો ઉલ્લેખ કરીને સેમાગ્લુટાઇડનું માર્કેટિંગ કરવા બદલ ડૉ. રેડ્ડીઝ અને બેંગલુરુ સ્થિત ઓનસોર્સ સ્પેશિયાલિટી ફાર્મા સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. એલી લિલી, એક કંપની જે તેની ડાયાબિટીસ અને વજન વ્યવસ્થાપન દવાઓ અનુક્રમે મોન્જારો અને ઝેપબાઉન્ડ તરીકે વેચે છે, તે ૨૦૩૬માં સમાપ્ત થતી ટ્રાઇઝેપ્ટાઇડ નામના દવા ઘટક માટે ફોલો-ઓન પેટન્ટ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આ પેટન્ટ મુખ્યત્વે પુરવઠાનાં માધ્યમો, સારવાર પદ્ધતિઓ અને ફોર્મ્યુલેશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
તે જ સમયે, પૂરતી સલામતી તપાસ વિના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો ઝડપી વિસ્તરણ સ્થાનિક દવા ઉત્પાદકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. ફ્રેન્ચાઇઝ યુનિટમાં ઉત્પાદિત બાળકોના કફ સિરપ સાથે જોડાયેલી તાજેતરની ઘટના આપણા માટે ચેતવણી છે. આ ઉપરાંત, બંને દવાઓ કડક તબીબી દેખરેખ હેઠળ લેવી પડે છે અને તેની સાથે, ખોરાક અને કસરત અંગે ઘણી કાળજી લેવી પડે છે. આ વિના, દર્દીઓને ગંભીર આડઅસરોનો ભોગ બનવું પડી શકે છે. ઉદાહરણ તરીકે, તેમની કિડનીના કાર્ય પર અસર થઈ શકે છે અને તેમને પેટની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જે દેશમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ સરળતાથી મળી રહે છે અને જ્યાં લોકો પોતાની મેળે દવાઓ ખરીદવાનું અને તેનું સેવન કરવાનું વલણ ધરાવે છે, ત્યાં ડૉક્ટરની ભલામણ વગર વજન ઘટાડવાની દવાઓ લેવાના કિસ્સાઓ પણ ઓછા નથી. આ ખાસ કરીને પ્રભાવશાળી વર્ગને લાગુ પડે છે જેઓ પોતાના આહાર પર ધ્યાન આપ્યા વિના આવી દવાઓનું સેવન કરે છે અને ગંભીર રોગોનો ભોગ બને છે. આવી સ્થિતિમાં, એ મહત્વનું છે કે ડ્રગ કંટ્રોલર આ દવાઓના ઉત્પાદન અને વિતરણ પર નજર રાખે જેમની પેટન્ટ સમાપ્ત થઈ ગઈ છે જેથી ખાતરી કરી શકાય કે તેઓ અન્ય કોઈ સમસ્યાઓ ઊભી ન કરે.


