Get The App

કોમનવેલ્થમાં ભારતની કમાલ

Updated: Aug 12th, 2022

GS TEAM

Google News
Google News
કોમનવેલ્થમાં ભારતની કમાલ 1 - image

ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં પૂરી થયેલી ૨૨મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ૨૨ સુવર્ણ, ૧૬ રજત અને ૨૩ કાંસ્ય એમ કુલ મળીને ૬૧ મેડલ જીતીને ડંકો વગાડી દીધો છે. આ સાથે ૭૧ દેશો વચ્ચેની સ્પર્ધામાં ભારતે મેડલ ટેબલમાં સન્માનજનક રીતે ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. ભારતીય રમત જગતમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં જોવા મળેલો ચમકારો બર્મિંગહામમાં પણ બરકરાર રહ્યો હતો. ભારતે સૌથી વધુ ચંદ્રકો પરંપરાગત રમત કુસ્તીમાં મેળવ્યા હતા. ભારતે ૧૨ પહેલવાનોને બર્મિંગહામ મોકલ્યા હતા અને તે તમામ મેડલ જીતીને પાછા ફર્યા છે. આ ઉપરાંત વેઈટલિફ્ટિંગ, બેડમિંટન, બોક્સિંગ, એથ્લેટિક્સ વગેરે જેવી રમતોમાં ભારતનું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતુ. કોમનવેલ્થ દેશો એટલે મોટાભાગના એવા દેશો કે જેઓ એક સમયેે બ્રિટિશ એમ્પાયરનો હિસ્સો હતા. વિશ્વમાંથી બ્રિટનના સામ્રાજ્યનો અસ્ત થઈ ગયો છેે, છતાં પણ બ્રિટિશરો આજે પણ  વર્તમાનને ભૂતકાળના ચશ્માથી જોવા ટેવાયેલા છે.

તેમના આવા જ એક પ્રયાસને કોમનવેલ્થ જેેવું રુપકડું નામ આપી દેવામાં આવ્યું છે. કોમનવેલ્થ દેશોમાં મોટે ભાગે એશિયા અને આફ્રિકાના નાના-મોટા દેેશોનો  તેમજ ઓસ્ટ્રેલિયાનો અનેે અનેક નાના દ્વિપ જેવા વિવિધ દેશોનો સમાવેશ થાય છેે. આ જ કોમનવેલ્થ ઓફ નેશન્સની પ્રવૃત્તિઓનો એક વિભાગ એટલેે કોમનવેલ્થ ગેમ્સ, જે દર ચાર વર્ષેે આયોજિત થાય છેે. કોમનવેલ્થ ગેમ્સનો ઈતિહાસ આમ તો ૧૯૩૦થી શરૂ થાય છે અને ભારતના આંગળીના વેઢે ગણી શકાય તેટલા ખેલાડીઓએ તેમાં ૧૯૩૪માં અને ૧૯૩૮માં ભાગ લીધો હતો. જોકે ભારતે નિયમિત રીતે તેમાં ભાગ લેવાની શરુઆત ૧૯૫૪થી કરી હતી. ત્યારે આ રમતોત્સવ બ્રિટિશ અમ્પાયર્સ એન્ડ કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાતો હતો. અલબત્ત, તબક્કાવાર તેમાંથી પહેેલા એમ્પાયર અને ત્યાર બાદ બ્રિટિશ શબ્દ પણ દૂર કરી દેવામાં આવ્યો હતો.

હવે આ રમતોત્સવ માત્ર કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાય છે. ભારતેે આ ગેમ્સમાં છેલ્લા બે દશકમાં મેડલ જીતવામાં નવાં કીર્તિમાન રચવાનો પ્રારંભ કર્યો હતો. કૌભાંડને કારણે ખરડાયેલી રહેલી ઈ. સ. ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સ મેડલ્સની રીતે તો ભારત માટે સૌથી સફળ રહી હતી. તેમાં ભારતે ૩૮ સુવર્ણ, ૨૭ રજત અને ૩૬ કાંસ્ય એમ કુલ મળીને ૧૦૧ મેડલ્સ જીત્યા હતા. અલબત્ત, કૌભાંડ પર બધાનું ફોકસ એટલું હતુ કેે, દેશના ખેલાડીઓની ગૌરવપૂર્ણ સફળતાની ખાસ નોંધ લેવાઈ ન હતી. આ અગાઉ ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ૨૬ સુવર્ણ, ૨૦ રજત અને ૨૦ કાંસ્ય એમ કુલ ૬૬ ચંદ્રકો જીત્યા હતા અને મેડલ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતુ. તે વખતે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતે માત્ર બીજીવાર મેડલ  ટેબલમાં ટોચના ત્રણ દેશોમાં સ્થાન મેળવ્યું હતુ.

ગત ગેમ્સની તુલનામાં આ વરસે ભારતના સુવર્ણ અને કુલ ચંદ્રકોમાં ઘટાડો થયો છે. મેેડલ ટેબલમાં ભારત ચોથા ક્રમેે રહ્યું હતુુ, એ રીતે પણ પીછેહઠ કહી શકાય. વળી, દરેક ક્ષેત્રમાં સફળતાનો આધાર માત્ર દરેક વખતેે શ્રેષ્ઠતા જ નથી હોતો, ક્યારેક નબળા હરિફો પણ અનાયાસે વિજયશ્રીને આસાન બનાવી દેેતા હોય છે. કોમનવેલ્થ ગેમ્સમાં ચન્દ્રકો ચોક્કસ ખેલાડીઓએ પાડેેલા પરસેવાનું પરિણામ છેે, પણ તેના પર ઓવારી જવાની જરુર નથી, કારણ કે સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા ગણતરીના દેશોને બાદ કરતાં બાકીના તો સાવ નાના અને અલ્પવિકસિત કે અવિકસિત દેશોના ખેલાડીઓ હતા. ઘણા દેેશો તો નકશામાં શોધતા બિંદુ સમાન જોવા મળે તેવા છે. 

કોમનવેલ્થ ગેમ્સની સફળતાને ભારતીય રમત ઈતિહાસના એક યાદગાર અધ્યાય તરીકેે જોઈ શકાય તેમ છે, પણ ભારતીય રમતવીરોની ખરી કસોટી તો આવતા વર્ષે ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં તેમજ ૨૦૨૪માં પેરિસમાં યોજાનારા ઓલિમ્પિકમાં થશેે.

ભારતનું જ નહીં પણ તમામ ખેલાડીઓનું લક્ષ્ય એશિયન ગેમ્સ, ઓલિમ્પિક તેમજ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવાનું હોવું જોઈએ. તેના સહારે જ ભારત રમત વિશ્વમાં મહાસત્તા તરીકે સ્થાપિત થઈ શકે છે. સૌજન્યસ્પર્ધા અને ખરાખરીની સ્પર્ધાનો ફરક રમતવીરોની સાથે સાથે સામાન્ય નાગરિકોએ પણ સમજવાની જરુર છે.ભારતે હજુ લાંબી સફર કાપવાની છે. ભારતના અસલ ખેલરત્નો ગ્રામ વિસ્તારોમાં છે અને પ્રચંડ શક્તિશાળી છે. તેઓને રમતજગતના મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ આસાન નથી. ભારતીય ગ્રામ જગતનું બળકટ યૌવન જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સુધી પહોંચશે ત્યારે જ ખરો ચમત્કાર થશે. સરકારે એ માટે રાષ્ટ્રીય કક્ષાએ ગ્રામ રમતોત્સવ જેવા બૃહદ પટ પરનાને વિઝન આત્મસાત કરવું પડે.